સ્ટાર બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ઇલેક્ટ્રિક કારની દુનિયામાં પ્રવેશ કર્યો છે અને પોતાના ગેરેજમાં Tesla Model Y માટે જગ્યા કરી દીધી છે. આ લક્ઝરી SUVની કિંમત રૂ.67.89 લાખ છે. ક્રિકેટના મેદાન પર પોતાના શક્તિશાળી શોટ્સથી ચાહકોના દિલ જીતી લેનાર રોહિત શર્મા હવે પોતાની નવી Tesla Model Y સાથે રસ્તાઓ પર જોવા મળશે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે ટીમ ઇન્ડિયાના હિટમેને હવે એક પગલું ભરીને આગળ વધ્યા છે. તેમણે તાજેતરમાં Tesla Model Y RWD સ્ટાન્ડર્ડ રેન્જ વેરિઅન્ટ ખરીદ્યું છે. જેની કિંમત રૂ.67.89 લાખ (એક્સ-શોરૂમ) છે.
Tesla Model Yનું શક્તિશાળી પ્રદર્શન અને શાનદાર સુવિધાઓ
રોહિતની નવી ઇલેક્ટ્રિક SUVમાં 75 kWh બેટરી પેક છે. જે એક જ ચાર્જ પર 622 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. આ મોડેલ રીઅર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પર આધારિત છે. આ ગાડીની મોટર 220 kW પાવર ઉત્પન્ન કરે છે. આ કાર 295 bhp અને 420 Nm ટોર્ક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. Tesla Model Y આકર્ષક આધુનિક ડિઝાઇન ધરાવે છે અને કોઈપણ લક્ઝરી બ્રાન્ડ કરતાં ટેકનોલોજીની દ્રષ્ટિએ ઓછી અદ્યતન નથી. તેમાં 15.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ ઇન્ટિરિયર, ઓલ-એલઇડી લાઇટ્સ, ગરમ અને વેન્ટિલેટેડ સીટો, એમ્બિયન્ટ લાઇટિંગ અને 9 સ્પીકર વાળુ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ છે. વધુમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, બ્લાઇન્ડ કોલિઝન વોર્નિંગ અને ગ્લાસ રૂફ જેવી સુવિધાઓ તેની વિશિષ્ટતામાં વધારો કરે છે.
