ટેસ્લા (Tesla) એ તેની સૌથી ચર્ચિત ઇલેક્ટ્રિક પિકઅપ 'સાયબરટ્રક' (Cybertruck) ને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કંપની 2027ના મધ્ય સુધીમાં અમેરિકાના ટેક્સાસ સ્થિત ગીગાફેક્ટરી (Gigafactory) માં તેનું પ્રોડક્શન બંધ કરવાની તૈયારી કરી રહી છે. સીઈઓ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર આ અંગેની માહિતી આપી છે. ખાસ વાત એ છે કે, સાયબરટ્રકની મેન્યુફેક્ચરિંગ શરૂ થયાના માત્ર ત્રણ વર્ષની અંદર જ કંપનીએ તેને બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
પ્રોડક્શન બંધ કરવા પાછળનું મુખ્ય કારણ
એલન મસ્કના જણાવ્યા મુજબ, સાયબરટ્રકનું પ્રોડક્શન બંધ થવાથી ફેક્ટરીમાં મોટી જગ્યા ખાલી થશે. આ ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ કંપની તેની આગામી નવી ઇલેક્ટ્રિક કાર 'સાયબરકેબ' (Cybercab) ના પ્રોડક્શનને વધારવા માટે કરશે. ટેસ્લા હવે સાયબરટ્રકના બદલે સંપૂર્ણપણે ઓટોનૉમસ ઇલેક્ટ્રિક ટેક્સી સાયબરકેબ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેમાં સ્ટીયરિંગ વ્હીલ કે પેડલ હોતા નથી.
સાયબરટ્રકની સફર: વાયદાઓ અને વિલંબ
ટેસ્લાએ પહેલીવાર 2019માં સાયબરટ્રકને એક કોન્સેપ્ટ મૉડલ તરીકે રજૂ કર્યું હતું અને 2021માં તેનું વેચાણ શરૂ કરવાની યોજના બનાવી હતી. જોકે, વિવિધ કારણોસર લોન્ચિંગ સતત પાછળ ધકેલાતું રહ્યું અને આખરે 2023માં ટેક્સાસની ગીગાફેક્ટરીમાં તેનું પ્રોડક્શન શરૂ થયું હતું. આ ગાડી તેની અનોખી અને તીક્ષ્ણ ડિઝાઇન તેમજ ખાસ સ્ટેનલેસ સ્ટીલ બૉડીને કારણે ભારે ચર્ચામાં રહી હતી.
અપેક્ષાઓ કરતા ખૂબ જ ઓછું વેચાણ અને પડકારો
શરૂઆતમાં આ ગાડીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં તેની માંગ નબળી પડવા લાગી. સાયબરટ્રકની કિંમત 2019માં કરાયેલા વાયદા કરતા લોન્ચિંગ સમયે ઘણી વધારે હતી, જે કંપની માટે મોટો પડકાર બની. આ ઉપરાંત, એલન મસ્ક સાથે જોડાયેલા વિવાદોની અસર પણ તેની લોકપ્રિયતા પર પડી હતી. અત્યાર સુધી સાયબરટ્રકની માત્ર 63,000 જેટલી યુનિટ્સ વેચાઈ હોવાનો અંદાજ છે, જે મસ્કના વાર્ષિક ૨.૫ લાખ યુનિટ્સના અંદાજ કરતાં ઘણો ઓછો છે.
વૈશ્વિક બજારમાં ઉપલબ્ધતા અને સુરક્ષાના નિયમો
આ ઇલેક્ટ્રિક પિકઅપ અમેરિકા, મેક્સિકો, કેનેડા, યૂએઈ (UAE), કતાર, દક્ષિણ કોરિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં વેચવામાં આવે છે. પરંતુ, તેના યુનિક ડિઝાઇન અને યૂરોપિયન સુરક્ષા ધોરણો પર ખરી ન ઉતરવાને કારણે કંપની તેને યૂરોપિયન બજારમાં લોન્ચ કરી શકી ન હતી. આ કારણોસર પણ તેના વૈશ્વિક વિસ્તરણને મોટો ફટકો પડ્યો હતો.
ભવિષ્યની યોજનાઓ અને ટેસ્લાનું આગામી લક્ષ્ય
સાયબરટ્રકનું પ્રોડક્શન બંધ થયા બાદ વૈશ્વિક બજારમાં ટેસ્લા પાસે પેસેન્જર કાર તરીકે માત્ર 'Model 3' અને 'Model Y' જ બચશે. જોકે, કંપની 2028 સુધીમાં આગામી જનરેશનની 'Roadster' ની ડિલિવરી શરૂ કરવાની અપેક્ષા રાખે છે. આ સિવાય, કંપની એક નાની અને કિફાયતી ઇલેક્ટ્રિક કાર પર પણ કામ કરી રહી છે, જોકે તેની સત્તાવાર લોન્ચિંગ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો