એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ 15 જુલાઈ 2025ના રોજ ભારતમાં તેનું Model Y લોન્ચ કર્યું હતું. લોન્ચ થયાના માત્ર બે મહિના પછી કંપનીએ સપ્ટેમ્બરના અંત સુધીમાં ડિલિવરી શરૂ કરી દીધી છે. સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલાં ટેસ્લાએ ભારતીય ગ્રાહકોને કુલ 60 Model Y યુનિટ પહોંચાડ્યા છે. ભલે આ સંખ્યા નાની લાગતી હોય પરંતુ કંપની માટે આ એક સારી શરૂઆત છે. કારણ કે ભારતમાં ટેસ્લાની આ પ્રથમ કાર છે.

અત્યાર સુધીમાં કંપનીએ 60 Model Y યુનિટ ડિલિવર કર્યા

વાહન પોર્ટલના ડેટા મુજબ આ જ સમયગાળા દરમિયાન BMW એ 307, વોલ્વોએ 22 યુનિટ અને મર્સિડીઝ-બેન્ઝે 95 ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા છે. પરિણામે ટેસ્લા દ્વારા 60 યુનિટની ડિલિવરી કરવામાં આવી છે. જેની કિંમત લગભગ રૂ.60 લાખ (એક્સ-શોરૂમ) છે. જેથી તે ભારતમાં લક્ઝરી EV માર્કેટમાં યુરોપિયન બ્રાન્ડ્સ સાથે સ્પર્ધામાં મૂકાય છે.

ટેસ્લા Model Yના વેરિઅન્ટની વાત કરીએ તો;

ટેસ્લા Model Y બે વેરિઅન્ટમાં મળે છે. રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD) અને લોંગ રેન્જ. જેમાં રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD)ની રેન્જ 500 કિમી (WLTP મુજબ) છે. જ્યારે લોંગ રેન્જની રેન્જ 622 કિમી છે. હાલમાં કંપનીએ RWD વેરિઅન્ટની ડિલિવરી શરૂ કરી છે. જ્યારે લોંગ રેન્જ મોડેલની ડિલિવરી આગામી મહિનાઓમાં શરૂ થશે. Model Y ની શરૂઆતની કિંમત jt.59.89 લાખ (એક્સ-શોરૂમ) છે.

અત્યાર સુધીમાં ટેસ્લાને 600થી વધુ ઓર્ડર મળ્યા

ટેસ્લાએ જુલાઈમાં Model Y માટે બુકિંગ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેને 600થી વધુ ઓર્ડર મળ્યા છે. જો કે આ સંખ્યા કંપનીની શરૂઆતની અપેક્ષાઓ કરતા થોડી ઓછી છે. શરૂઆતમાં ટેસ્લાએ વાર્ષિક 2,500 યુનિટ આયાત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ધીમી માંગને કારણે તે તેને ઘટાડીને 350થી 500 યુનિટ પ્રતિ વર્ષ કરવાની યોજના ધરાવે છે. આ સાથે કંપની દિવાળીની આસપાસ ટેસ્લા Model Y ની ડિલિવરી વધારી શકે છે.