ભારતમાં કેટલાક વર્ષો પહેલા પોતાનું ઉત્પાદન બંધ કરનારી અમેરિકન ઓટોમોબાઇલ કંપની ફોર્ડ મોટર કંપની ફરી એકવાર ભારતમાં તેની કામગીરી શરૂ કરી રહી છે. કંપનીએ તમિલનાડુમાં તેની બંધ પડેલી ફૅક્ટરીમાં નવી જનરેશનના એન્જિન બનાવવા માટે રૂ.3,250 કરોડના જંગી રોકાણનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ ભારતમાં કંપનીની ઉત્પાદન પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે.
નવા પ્લાન્ટની ક્ષમતા અને રોજગાર
આ નવા પ્લાન્ટની ક્ષમતા અને રોજગારની વાત કરીએ તો ચેન્નઈ નજીક મરાઈમલાઈ નગર પ્લાન્ટમાં 2029માં કામ શરૂ કરશે. તેની વાર્ષિક ક્ષમતા 2,35,000 એન્જિન બનાવવાની હશે. આ પ્રોજેક્ટથી 600થી વધુ લોકોને સીધી નોકરી મળશે, ઉપરાંત સપ્લાય ચેઇનમાં અનેક પરોક્ષ નોકરીઓ પણ ઊભી થશે.
કંપનીએ 2 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું હતું
આ કંપનીએ વૈશ્વિક પુનર્ગઠનના ભાગરૂપે અને ભારતમાં સતત થઈ રહેલા નુકસાન તેમજ વેચાણની નબળાઈને કારણે સપ્ટેમ્બર 2021માં ભારતમાં તેનું વાહન ઉત્પાદન બંધ કરી દીધું હતું. વર્ષ 2022માં આ કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલી તેની કાર ઉત્પાદન ફૅક્ટરી ટાટા મોટર્સને વેચી દીધી હતી. જોકે કંપનીએ સાણંદમાં આવેલો એન્જિન ઉત્પાદન પ્લાન્ટ અને ચેન્નઈનો પ્લાન્ટ પોતાના હસ્તક રાખ્યા હતા.
એન્જિન ઉત્પાદન માટે પુનઃજીવિત કરવાનો લીધો નિર્ણય
કંપનીએ ચેન્નઈ પ્લાન્ટ વેચવાની યોજના છોડી દીધી હતી અને હવે તેને એન્જિન ઉત્પાદન માટે પુનઃજીવિત કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીના 1995થી ભારતમાં ત્રણ દાયકાના સંચાલન દરમિયાન કંપનીએ 2 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું હતું અને આ કંપનીએ ઇકોસ્પોર્ટ એસયુવી તથા ફિગો નાની કાર જેવી સફળ ગાડીઓ લોન્ચ કરી હતી.
એન્જિન નિકાસનું કેન્દ્ર બનશે ભારત
આ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી ઉત્પાદન યોજના તેના સાણંદમાં હાલના એન્જિન પ્લાન્ટને પૂરક બનશે. જે એન્જિનનું ઉત્પાદન કરીને નિકાસ કરે છે. આનાથી ભારત કંપનીના એશિયા ક્ષેત્રના કામકાજનો એક મહત્વનો ભાગ બની રહેશે. આ કંપનીના ઇન્ટરનેશનલ માર્કેટ્સ ગ્રુપના પ્રમુખ જેફ મારેન્ટિકે જણાવ્યું હતું કે અમે ચેન્નઈ પ્લાન્ટની ભૂમિકાને લઈને ઉત્સાહિત છીએ. આ નિર્ણય ભવિષ્યના ઉત્પાદનો માટે ભારતની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો લાભ લેવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.