Volkswagenએ પોતાની આઇકોનિક GTI ફેમિલીમાં એક યુગ-પરિવર્તનકારી બદલાવ કર્યો છે. કંપનીએ નવી ID.3 GTI પરથી પડદો ઉંચક્યો છે, જે GTIના 50 વર્ષના સમૃદ્ધ ઇતિહાસની સૌથી પાવરફુલ કાર બની ગઈ છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તેમાં પરંપરાગત પેટ્રોલ એન્જિનના બદલે સંપૂર્ણ ઇલેક્ટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દમદાર પાવર અને પરફોર્મન્સ
નવી ID.3 GTI માં આપેલી ઇલેક્ટ્રિક મોટર 321.5 hp નો દમદાર પાવર અને 545 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ માત્ર ઇલેક્ટ્રિક પાવર નથી, પરંતુ એક સ્પોર્ટી પરફોર્મન્સ ધરાવતી કાર છે, જે ડ્રાઇવિંગના શોખીનોને એક નવો જ અનુભવ આપશે.

ડ્રાઇવ ટ્રેનમાં મોટો ફેરફાર: રિયર-વ્હીલ ડ્રાઇવ
VW એ માત્ર ઇલેક્ટ્રિક મોટર મૂકીને GTI નો બેજ નથી લગાવ્યો, પરંતુ તેના મૂળ ડીએનએમાં પણ મોટો બદલાવ કર્યો છે. અત્યાર સુધીની તમામ ગતિશીલ GTI કારમાં પાવર આગળના વ્હીલ્સ (Front-Wheel Drive) પર જતો હતો, પરંતુ નવી ઇલેક્ટ્રિક GTI માં પાવર સીધો પાછળના વ્હીલ્સ (Rear-Wheel Drive) પર પહોંચશે, જે આ કારને વધુ સ્પોર્ટી બનાવે છે.
સુપરફાસ્ટ સ્પીડ અને લોન્ચ કંટ્રોલ
રફ્તારની વાત કરીએ તો ID.3 GTI માત્ર 5.6 સેકન્ડમાં 0 થી 100 kmph ની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 200 kmph રાખવામાં આવી છે, જેને ઇલેક્ટ્રોનિકલી લિમિટ કરવામાં આવી છે. વધુમાં, આ કારમાં 'લોન્ચ કંટ્રોલ' ફીચર પણ આપવામાં આવ્યું છે, જે કોઈ મેનસ્ટ્રીમ ઇલેક્ટ્રિક GTI માં પહેલીવાર જોવા મળશે.

બેટરી, રેન્જ અને ફાસ્ટ ચાર્જિંગ
કારમાં 79kWh નો મોટો બેટરી પેક આપવામાં આવ્યો છે. કંપનીના પ્રાથમિક દાવો મુજબ, સિંગલ ચાર્જ પર આ કાર લગભગ 601 km સુધીની લાંબી રેન્જ આપી શકે છે. ચાર્જિંગની વાત કરીએ તો, 183kW સુધીની ચાર્જિંગ કેપેસિટી અને DC ફાસ્ટ ચાર્જરની મદદથી આ કાર માત્ર 29 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.
આઇકોનિક ડિઝાઇન અને સ્પોર્ટી લુક
ઇલેક્ટ્રિક હોવા છતાં, Volkswagen એ GTI નો પરંપરાગત અંદાજ જાળવી રાખ્યો છે. ફ્રન્ટમાં GTI ની ખાસ ઓળખ સમી લાલ કલરની સ્ટ્રાઇપ (Red Stripe) આપવામાં આવી છે. કારમાં આઇકોનિક Tornado Red સહિત કુલ પાંચ કલર ઓપ્શન મળશે. સાથે જ ફ્રન્ટમાં વર્ટિકલ LED સ્ટ્રિપ્સ અને 20-ઇંચના સ્પોર્ટી વ્હીલ્સ આ કારને વધુ આકર્ષક બનાવે છે.

કેબિનમાં વિન્ટેજ ટચ અને ડ્રાઇવ મોડ્સ
ઇન્ટિરિયરમાં 1976 ની પ્રથમ Golf GTI ની યાદ અપાવતું ક્લાસિક ટાર્ટન પેટર્ન (Tartan Pattern) સીટો પર આપવામાં આવ્યું છે. કારના સ્ટીયરીંગ વ્હીલ પર વિશેષ GTI ડ્રાઇવ મોડ બટન છે, જેને પ્રેસ કરવાથી કારનું થ્રોટલ રિસ્પોન્સ, સ્ટીયરિંગ અને સસ્પેન્શન સેટિંગ્સ એકસાથે સ્પોર્ટી મોડમાં બદલાઈ જાય છે.
લોન્ચિંગ અને વૈશ્વિક ઉપલબ્ધતા
હાલમાં આ કારને પ્રોડક્શન-રેડી કન્સેપ્ટ તરીકે યુરોપિયન માર્કેટ માટે રજૂ કરવામાં આવી છે. તેની પ્રી-સેલ 2027 ની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે. ભારતીય બજારમાં તેને લોન્ચ કરવામાં આવશે કે નહીં તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો