જુલાઈ મહિનાના મધ્યમાં પ્રવેશતાની સાથે જ બેંક ગ્રાહકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતા અઠવાડિયે 13 જુલાઈથી 19 જુલાઈ સુધી બેંકોમાં સ્થાનિક તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે અલગ-અલગ રાજ્યોમાં કુલ ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે બેંકની મુલાકાત લઈને કોઈ જરૂરી કામ પૂર્ણ કરવા માંગતા હોવ, તો આ સમયગાળાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

આવતા અઠવાડિયે રજાઓની યાદી:

આ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નથી, પરંતુ રાજ્ય અને શહેર મુજબ અલગ-અલગ છે:

16 જુલાઈ (ગુરુવાર): 'હરેલા' તહેવારના કારણે ઉત્તરાખંડ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે. આ જ દિવસે રથયાત્રા હોવાથી ઓડિશામાં, ગુજરાતમાં પણ બેંકોમાં રજા રહેશે.

17 જુલાઈ (શુક્રવાર): 'યુ તિરોટ સિંહ'ની પુણ્યતિથિ નિમિત્તે મેઘાલયમાં બેંક શાખાઓ બંધ રહેશે.

18 જુલાઈ (શનિવાર): 'દ્રુકપા ત્શે-ઝી' તહેવારને કારણે સિક્કિમમાં બેંકો કાર્યરત રહેશે નહીં.

19 જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રવિવારની રજા હોવાથી દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.

અઠવાડિયાના અન્ય દિવસો:

સોમવાર (13જુલાઈ) થી બુધવાર (15 જુલાઈ) સુધી દેશના મોટાભાગના ભાગોમાં બેંકો સંપૂર્ણપણે ખુલ્લી રહેશે. જો તમારે રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ કે અન્ય કોઈ શાખા-સંબંધિત કામ હોય, તો આ ત્રણ દિવસો દરમિયાન પૂર્ણ કરી લેવા સલાહભર્યું છે.

જુલાઈ મહિનામાં અન્ય રજાઓ:

22 જુલાઈ: ખારચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.

25 જુલાઈ: ચોથો શનિવાર હોવાથી તમામ બેંકો માટે ફરજિયાત રજા રહેશે.

26 જુલાઈ: સાપ્તાહિક રવિવારની રજા.

ઓનલાઇન સેવાઓ રહેશે કાર્યરત:

બેંક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બેંકિંગની તમામ ડિજિટલ સેવાઓ જેવી કે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન્સ, UPI પેમેન્ટ્સ અને ATM સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. તમે ઘરે બેઠા પણ બિલ ચૂકવણી, બેલેન્સ ચેક કે ફંડ ટ્રાન્સફર જેવા વ્યવહારો સરળતાથી કરી શકશો.

ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ બેંકની મુલાકાત લેતા પહેલા પોતાના વિસ્તારની રજાઓ વિશે ખાતરી કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ડિજિટલ બેંકિંગનો મહત્તમ ઉપયોગ કરીને તમે રજાઓના સમયમાં પણ તમારા નાણાકીય કાર્યોને અવિરત ચાલુ રાખી શકો છો.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: શું સોનું ચાંદી સસ્તું થયું ? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ..