આગામી દિવસોમાં યોજાનારી ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને સરકારે ગ્રાહકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય રીતે રવિવારે બેંકોમાં રજા હોય છે, પરંતુ 27 સપ્ટેમ્બર, 2026 (રવિવાર) ના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લી રહેશે.
મુખ્ય બેંકોએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઈઝરી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા જેવી મુખ્ય બેંકોએ ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરી છે. બેંક હડતાળના કારણે ગ્રાહકોના મહત્વના કામો બાકી ના રહે માટે કેટલીક બેંકોએ અગાઉથી તેમના કામ પતાવવાની સલાહ આપી. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોએ અગાઉથી તેમને મેસેજ દ્વારા સૂચના આપી કામ પતાવવાની સલાહ આપી હતી. 28 થી 30 સપ્ટેમ્બર હડતાળના દિવસો હોવાથી દરમિયાન શાખા સેવાઓ પ્રભાવિત થઈ શકે છે, તેથી 27 સપ્ટેમ્બર રવિવારના રોજ જ જરૂરી કામકાજ પૂર્ણ કરી લેવું.
આ બેંકોએ ગ્રાહકોને મેસેજ કરી કામ પતાવવા કર્યું સૂચન
SBI Bank: પ્રિય ગ્રાહક, તમારી સુવિધા માટે, SBI શાખાઓ રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખુલ્લી રહેશે. તમારી બેંકિંગ જરૂરિયાતો માટે કૃપા કરીને કોઈપણ SBI શાખાની મુલાકાત લો.
પ્રિય ગ્રાહક, 28 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કૃપા કરીને તમારા વ્યવહારોનું આયોજન તે મુજબ કરો. ડિજિટલ ચેનલો તમારા માટે ઉપલબ્ધ રહેશે. - સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા.
BOB Bank: પ્રિય ગ્રાહક, આગામી સપ્તાહે 28-30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પ્રસ્તાવિત બેંક હડતાળને ધ્યાનમાં રાખીને, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારી શાખા બેંકિંગ જરૂરિયાતોનું અગાઉથી આયોજન કરો અને પૂર્ણ કરો.
અનુકૂળ અને સરળ 24/7 બેંકિંગ અનુભવ માટે, તમે નિયમિત બેંકિંગ વ્યવહારો કરવા માટે અમારી ડિજિટલ અને સ્વ-સેવા ચેનલોનો ઉપયોગ કરી શકો છો, જેમાં bob World, Internet Banking, UPI- bob इ pay, bob World Business, WhatsApp Banking, ATM અને Cash Recycler Machinesનો સમાવેશ થાય છે.
અમે તમને તમારી રોજિંદી બેંકિંગ જરૂરિયાતો માટે આ અનુકૂળ ચેનલોનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. --બેંક ઓફ બરોડા |
ડિજિટલ બેંકિંગનો ઉપયોગ
હડતાળના કારણે બેંકો બંધ રહેશે. પરંતુ ગ્રાહકો ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરી શકશે. હડતાળ દરમિયાન પૈસાની આપ-લે માટે નેટ બેંકિંગ, મોબાઈલ એપ અને એટીએમ (ATM) જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.
કેમ લેવાયો રવિવારે બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય?
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. જો 27 સપ્ટેમ્બર રવિવારે પણ બેંક બંધ રહેત, તો સતત પાંચ દિવસ સુધી બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ જાત. આ મુશ્કેલી ટાળવા માટે નાણા મંત્રાલય અને આરબીઆઈ (RBI) ની મંજૂરી બાદ 27 સપ્ટેમ્બરે બેંક શાખાઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : SBI Card: FD ધરાવતા ગ્રાહકોને YONOથી મળશે Secured Credit Card, આ રીતે કરો અરજી