છેલ્લા કેટલાક સમયથી ભારતની મોટી IT કંપનીઓ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી, જેના કારણે છટણી થઈ હતી અને ભરતીઓ અટકી ગઈ હતી. જોકે, વર્ષ પૂરું થતાં જ દેશની પ્રમુખ IT કંપનીઓમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તેમણે ફરીથી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ, HCLTech, વિપ્રો અને ટેક મહિન્દ્રાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ 13,918 કર્મચારીઓની ભરતી કરી છે, જે પાછલા ક્વાર્ટરના 5,480 કર્મચારીઓની સરખામણીએ બમણાથી પણ વધુ છે.
HCLTech ભરતીમાં મોખરે: વિપ્રો સિવાયની કંપનીઓમાં નોંધપાત્ર વધારો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં HCLTech એ સૌથી વધુ 6,450 કર્મચારીઓને નોકરી પર રાખ્યા હતા. આ સિવાય ટેક મહિન્દ્રાએ 5,446, ઇન્ફોસિસે 4,480 અને TCS એ 4,258 કર્મચારી ઉમેર્યા હતા. બીજી તરફ, વિપ્રોના કાર્યબળમાં 6,716 કર્મચારીઓનો ઘટાડો નોંધાયો હતો. આમ, વિપ્રો સિવાયની તમામ ટોચની IT કંપનીઓમાં કર્મચારીઓની એકંદર સંખ્યા વધી છે.

ફ્રેશર્સ અને AI ટેકનોલોજી પર વિશેષ ધ્યાન
ચાલુ નાણાકીય વર્ષમાં IT કંપનીઓ ખાસ કરીને કોલેજ પૂર્ણ કરી રહેલા યુવાનો અને નવા સ્નાતકો (ફ્રેશર્સ)ની ભરતી પર વધુ ધ્યાન આપી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજી સંબંધિત કૌશલ્યો ધરાવતા યુવાનો માટે આ તકો ઝડપથી વધી રહી છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જ્યા 1,606 કર્મચારી ઘટી ગયા હતા, ત્યાં નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ છ મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર) કુલ 24,398 નવા કર્મચારીઓ ઉમેરાયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા (2,689) કરતાં લગભગ નવ ગણા વધારે છે.
દિગ્ગજ કંપનીમાં છટણી-ભરતીનો સિલસિલો
ભારતની દિગ્ગજ IT કંપનીઓ TCS, HCLTech, વિપ્રો અને ટેક મહિન્દ્રામાં જયાં બમ્પર ભરતી થઈ રહી છે. તો દુનિયાની મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટ 60,000 કર્મચારીઓની છટણી કરી રહી છે તેવી ચર્ચાએ આજે જોર પકડયું છે. માઇક્રોસોફ્ટ કંપનીએ ખર્ચ ઘટાડવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ક્ષેત્રમાં રોકાણ કરી વેગ આપવા માટે આ મોટું પગલું ભર્યું છે. કંપની દ્વારા આ યોજના હેઠળ અંદાજે 60,000 કર્મચારીઓને નોકરી છોડવા માટે આર્થિક પેકેજની ઓફર કરવામાં આવી છે. કંપનીના આ નિર્ણયથી ટેકનોલોજી ક્ષેત્રમાં ફરી એકવાર કર્મચારીઓની સંખ્યા અને AIમાં વધતા પ્રભાવની ચર્ચાએ જોર પકડયું છે.
આ પણ વાંચો : Stock Market Opening: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 73,488.49 અંકે ખૂલ્યો