હાલમાં દુનિયાભરમાં ઊર્જાનું સંકટ સતત વધી રહ્યું છે. કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલેથી જ બંધ છે અને હવે સાઉદી અરેબિયાએ ઈરાકી ક્ષેત્રમાંથી થયેલા અનેક ડ્રોન હુમલાઓ બાદ પોતાની ક્રૂડ ઓઈલ પાઇપલાઈનને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. આ સાથે જ યમનના લાલ સમુદ્રના તટ પર 18 કલાક સુધી ચાલેલા ભીષણ હુમલા બાદ હૂતી વિદ્રોહીઓ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાની નજીક પહોંચી ગયા છે.

તો દુનિયાની આશરે 30 ટકા સપ્લાય પૂરી રીતે ઠપ્પ થઈ જશે

આ ત્રણેય રસ્તાઓ દુનિયાના ઓઈલ સપ્લાય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા દુનિયાની 20 ટકા ઓઈલ આયાત થાય છે, જ્યારે સાઉદી અરેબિયાની પાઇપલાઈનથી દરરોજ 40થી 50 લાખ બેરલ ઓઈલ સપ્લાય થતું હતું. વળી, બાબ અલ-મંડેબથી પણ દુનિયાના કુલ દરિયાઈ ઓઈલ અને ગેસ વેપારનો લગભગ 5%થી 12% હિસ્સો એટલે કે દરરોજ 4થી 5 મિલિયન બેરલ ઓઈલ સપ્લાય થાય છે. આનો મતલબ એ થયો કે, આ ત્રણેય માર્ગોથી લગભગ 30 ટકા સપ્લાય પ્રભાવિત થશે, કારણ કે હોર્મુઝ અને બાબ અલ-મંડેબ બાદ ઈરાન પોતાની રીતે ઓઈલ સપ્લાય કરી શકે છે, અને તે મિડલ ઈસ્ટથી આવતા ઓઈલ-ગેસને અટકાવી પણ શકે છે. હવે જો આ ત્રણેય માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે તો દુનિયાની આશરે 30 ટકા સપ્લાય પૂરી રીતે ઠપ્પ થઈ જશે. 

મોંઘવારી વધશે અને અર્થવ્યવસ્થાને ફટકો પડશે

તેને આમ પણ સમજી શકાય કે યુરોપ, ભારત અને ચીન જેવા દેશોને મળતી ઊર્જા સપ્લાય વધુ પ્રભાવિત થશે અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો સમગ્ર વિશ્વએ ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે. જેમ કે પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવમાં ઝડપથી વધારો થઇ શકે છે. સપ્લાય ચેઈન પ્રભાવિત થવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવતી ચીજવસ્તુઓ ઘણી મોંઘી થઈ જશે અને ભારતથી આ દેશોમાં થતી નિકાસ પણ પ્રભાવિત થશે. કાચો માલ મોંઘો થવાથી અનેક પ્રોડક્ટ્સના ભાવ વધશે, જેના કારણે બજારમાં ખરીદી ઘટશે અને મોંઘવારીના લીધે અર્થવ્યવસ્થાને ફટકો પડશે.

શેરબજારમાં થી શકે છે કડાકો 

આનાથી શેરબજારને પણ માઠી અસર થઇ શકે છે અને અસંતુલિત બની શકે છે. ભૌગોલિક-રાજકીય તણાવ વધવાથી મોંઘવારી વધશે અને કંપનીઓની કમાણી પણ ઝડપથી ઘટી શકે છે, જેની સીધી અસર તેમના શેરો પર પડશે. આ પરિસ્થિતિમાં ભારતથી લઈને વૈશ્વિક સ્તર પર બજારોમાં મંદીનું જોખમ ઊભું થઈ શકે છે. હવે સમજીએ કે કયો રસ્તો કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે...

માર્ગ બંધ થવાથી યુરોપના અનેક દેશો થશે પ્રભાવિત 

સૌપ્રથમ સાઉદી અરેબિયાનું ઓઈલ તેના પૂર્વીય ક્ષેત્રથી અરબિયન પેનિન્સુલાની અંદરથી પશ્ચિમ તરફ યાન્બુ પોર્ટ તરફ જાય છે અને ત્યાંથી લાલ સમુદ્રમાં મળીને ટેન્કરો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય થાય છે. આ રસ્તો દુનિયાના કુલ ઓઈલના માત્ર 4થી 5 ટકા જ સપ્લાય કરે છે, પરંતુ તેની ખાસિયત એ છે કે તેનાથી અનેક દેશોની ઉર્જા જરૂરિયાતો પૂરી થાય છે. હવે આ માર્ગ બંધ થવાથી યુરોપના અનેક દેશો પ્રભાવિત થઈ શકે છે.

બાબ-અલ-મંડેબ પર સંકટ

ઈરાન સમર્થિત યમન હવે લાલ સમુદ્રના તટ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર 18 કલાક સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ કબ્જો કરવાના આરે છે. આ જળમાર્ગ લાલ સમુદ્રને અદનની ખાડી અને આગળ અરબ સાગર સાથે જોડે છે. હૂતીઓના નિયંત્રણથી 29 કિલોમીટર પહોળા આ જળમાર્ગને તેહરાન પોતાના કાબૂમાં લઈ શકે છે અને હોર્મુઝ સ્ટ્રેટ જેવી રણનીતિ અપનાવીને હિન્દ મહાસાગરમાં ખાડી દેશોમાંથી થતી ઊર્જા નિકાસને અસરકારક રીતે અટકાવી શકે છે. ભારત માટે આ બાબત વિશેષરૂપે મહત્ત્વપૂર્ણ છે. ભારત ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોકેમિકલ્સની આયાતની સાથે-સાથે યુરોપ સુધી પહોંચવા માટે પણ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર નિર્ભર છે. બળતણ, દવાઓ, મશીનરી અને અન્ય ચીજવસ્તુઓનું વહન કરતા જહાજો નિયમિતપણે નેધરલેન્ડના રોટરડેમ અને ફ્રાન્સના માર્સેઈલ જેવા મોટા યુરોપિયન બંદરો સુધી પહોંચવા માટે આ જળમાર્ગનો ઉપયોગ કરે છે.

ભારત પર શું થશે અસર?

જો કે, ભારત પર તેની અસર એટલી ગંભીર નહીં રહે, કારણ કે ભારતે પહેલેથી જ પોતાની ઓઈલની જરૂરિયાતોનો મોટો હિસ્સો અન્ય દેશો અને બીજા માર્ગોથી આયાત કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, તેની એક અસર એ થશે કે ગલ્ફમાંથી આવતા ઓઈલનો પુરવઠો ઘટી જશે, કારણ કે હોર્મુઝનો રસ્તો પહેલેથી જ પ્રભાવિત છે અને હવે તેને બાયપાસ કરતો આ વૈકલ્પિક રૂટ પણ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં બાબ અલ-મંડેબ પરનો કબજો ભારતની ઓઈલની મહત્ત્વપૂર્ણ સપ્લાયને બાધિત કરી શકે છે, જેને અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆતથી જ ખાડી દેશોમાંથી થતી પેટ્રોલિયમ શિપમેન્ટમાં ભારે અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રુડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની જે આવક ભારતમાંથી પસાર થાય છે, તે 2023માં દરરોજ 93 લાખ બેરલથી ઘટીને 2025ના પહેલા છ મહિનામાં લગભગ 42 લાખ બેરલ પ્રતિદિન રહી ગઈ છે. હાલમાં ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ છે, પરંતુ જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો તે કેટલું મોંઘું થઈ શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.