બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો હજી આવી રહ્યા છે. શરૂઆતી વલણોમાં એનડીએનો દબદબો જોવા મળી રહ્યો છે. જેને લઇને શેરબજારમાં હરિયાળી પરત ફરી હતી. સવારે લાલ નિશાનમાં માર્કેટ ખૂલ્યુ હતું જે લીલા નિશાનમાં બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 152 પોઇન્ટના વધારા સાથે 84,630 અંકે બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 30.90 પોઇન્ટના વધારા સાથે  25,910.05 અંકે બંધ થયો. 

વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ? 

વોલ સ્ટ્રીટની નબળાઈને પગલે એશિયન બજારોમાં ઘટાડો થયો. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે ટેકનોલોજી શેરોમાં નવા દબાણ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.5 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો KOSPI 2.03 ટકા ઘટ્યો અને હોંગકોંગનો હેંગ સેંગ 1.23 ટકા ઘટ્યો.

ગુરુવારે યુએસ શેરબજાર નોંધપાત્ર નુકસાન સાથે બંધ થયા. AI-સંબંધિત શેરોમાં ઘટાડાએ બજારના દબાણમાં વધારો કર્યો અને મૂલ્યાંકન અંગે ચિંતાઓ ઉભી કરી. S&P 500 1.7 ટકા ઘટ્યો. Nasdaq Composite 2.3 ટકા ઘટ્યો અને Dow Jones Industrial Average 1.7 ટકા ઘટ્યો.