રાજ્ય માલિકીની તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLએ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે તેના પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો સંયુક્ત નફો 169% વધીને રૂ.6,442.53 કરોડ થયો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ.2,397.23 કરોડ હતો. જોકે અગાઉના જૂન ક્વાર્ટર (Q1FY26)ની તુલનામાં કંપનીના નફામાં 5.2%નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે BPCLએ રૂ.6,123.93 કરોડનો નફો નોંધાવ્યો હતો.

આવક અને કામગીરીમાં સુધારો

કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 3.1% વધીને રૂ.1,21,570.90 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.1,17,917.43 કરોડ હતી. જોકે જૂન 2025 ક્વાર્ટરમાં રૂ.1,29,577.89 કરોડની સરખામણીમાં 6.17%નો ઘટાડો થયો છે. BPCLનું કાર્યકારી પ્રદર્શન સ્થિર રહ્યું. કંપનીનો EBITDA (વ્યાજ, કર અને ઘસારો પહેલાંની કમાણી) વધીને રૂ.9,778 કરોડ થયો છે. જે પાછલા ક્વાર્ટરમાં રૂ.9,664 કરોડ કરતાં થોડો વધારે છે. જ્યાં EBITDA માર્જિન 8.6%થી સુધરીને 9.3% થયો છે જે સુધારેલ કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવે છે.

શેરધારકો માટે ભેટ

BPCLએ આ ક્વાર્ટરમાં તેના રોકાણકારોને ફરી એક ભેટ આપી છે. કંપનીના બોર્ડે રૂ.10 ફેસ વેલ્યુના પ્રતિ શેર રૂ.7.5 (એટલે કે 75%) ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શન અને રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

ડિવિડન્ડ રેકોર્ડ તારીખ

કંપનીએ જણાવ્યું હતું કે ડિવિડન્ડ ચુકવણી માટેની રેકોર્ડ તારીખ 7 નવેમ્બર 2025ને શુક્રવારે નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ તારીખે કંપનીના રેકોર્ડમાં જે શેરધારકોના નામ છે તેમને આ ડિવિડન્ડ મળશે. BPCL એ જણાવ્યું હતું કે આ રકમ 29 નવેમ્બર 2025 સુધીમાં રોકાણકારોના ખાતામાં ઇલેક્ટ્રોનિક રીતે જમા કરવામાં આવશે.

શેરબજારમાં થોડો ઘટાડો

મજબૂત પરિણામો છતાં BPCLના શેર શુક્રવારે 0.24% ઘટીને રૂ.356.80 પ્રતિ શેર પર બંધ થયા. જોકે કંપનીના મજબૂત પ્રદર્શન અને ડિવિડન્ડની જાહેરાતને કારણે રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે.