બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પંપ અને ડંપ સ્કીમ અપનાવીને નાના રોકાણકારોને લૂંટનારી સંખ્યાબંધ કંપનીઓ સામે તપાસ હાથ ધરી છે.

તેમાં બંધ પડયા પછી હવે કાર્યરત થઇ ગયેલી કેટલીક અમદાવાદ સ્થિત કંપનીઓ પણ સમાવિષ્ટ છે, એવા અહેવાલ છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યા અનુસાર અમદાવાદ સ્થિત આ કંપનીઓએ કુલ આશરે 4,000 જેટલા નાના રોકાણકારોને આવી ગેરરીતિ અપનાવીને ચુનો લગાડયો છે. આ તપાસ પૂર્ણ થયેલી આ અંગે નિયમનકારી સંસ્થા આગામી ત્રણથી છ મહિનામાં આ અંગે પોતાનો આદેશ આપે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. અમદાવાદ સ્થિત એલએસ ઇન્ડસ્ટ્રીઝના સંદર્ભમાં પંપ એન્ડ ડંપની સ્કીમથી આચરવામાં આવેલી આ ગેરરીતિમાં સંખ્યાબંધ શેલ કંપનીઓના એક મોટા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક આરોપીઓ સામે પણ તપાસ આદરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન અન્ય કંપનીઓમાં પણ આવી સ્કીમથી ગેરરિતિ આચરવામાં આવી હોય તેનો અંદેશો મળશે એવું પણ સેબી માની રહી છે. ખાસ કરીને વિવિધ કંપનીઓમાં પ્રેફરન્સિયલ શેર એલોટમેન્ટ કરીને આવી ગેરરીતિ આચરવામાં આવી છે. સેબીએ શુક્રવારે એક યાદી જારી કરીને જણાવ્યું હતું કે તે પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ આચરીને ગેરરીતિ કરવામાં આવી હોય એવા કિસ્સામાં સંખ્યા બંધ કંપનીઓ સામે તપાસ કરી રહી છે. જૂન, 2025માં અનેક કંપનીઓના શેરોમાં આ સ્કીમના ઉપયોગ બદલ અનેક સ્થળોએ રેડ કરવામાં આવી છે અને સેંકડો પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે એમ પણ સેબીએ આ યાદીમાં જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યા મુજબ આ રેડમા આરોપીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમાંથી મળેલા ડેટાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ દ્રારા ગેરરીતિ આચરવાના કેસમાં સેબીએ છેલ્લા એક વર્ષમાં જ પછેલી ઇન્ડસ્ટ્રીઅલ ફાયનાન્સિયલ લિમિટેડ, એલએસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ સહિતની અનેક કંપનીઓ સામે આદેશ કર્યા છે.

પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ શું છે?

ગેરરીતિમાં માહિર ખેલાડીઓ પહેલા કોઇ એક કંપનીના શેરોમાં કોઇને ખ્યાલ ન આવે તે રીતે જંગી ખરીદી કરી લે છે. ત્યારબાદ આવી કંપનીઓના કારોબાર અંગે સારા સંકેત આપતા ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદનો આપવામાં આવે છે અને ખાનગી રીતે પણ ખોટી માહિતીનો પ્રસાર કરવામાં આવે છે. આના કારણે નાના રોકાણકારો આવા શેરોમાં ખરીદી કરવા આકર્ષાય છે. આના કારણે શેરના ભાવ વધતાં જાય છે. ત્યારબાદ ભાવ અત્યંત ઊંચા જાય એટલે સ્કીમ આચરનારા ઓપરેટરો તેમના શેર મોટા જથ્થામાં વેચી દે છે જેના કારણે શેરના ભાવમાં કડાકો બોલે છે અને નાના રોકાણકારોને રોવાનો વારો આવે છે.