ભારતે યુરોપિયન યુનિયન (EU)ને પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ વાટાઘાટોમાંથી 'ઊર્જા અને કાચા માલ' પ્રકરણને બહાર રાખવા માટે સમજાવ્યું છે.
EUએ એકપક્ષીય રીતે તે પ્રકરણનો સમાવેશ કર્યો હતો. તેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો, કપાસ, લોખંડ અને સ્ટીલ, તાંબુ અને અન્ય મહત્ત્વપૂર્ણ ધાતુઓ જેવા કાચા માલના અવિરત પુરવઠા માટે ભારતની પ્રતિબદ્ધતાને ફરજિયાત બનાવવાની જોગવાઈ હતી. 12થી 16 મે દરમિયાન નવી દિલ્હીમાં મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોના 11મા રાઉન્ડના સમાપન પછી, યુરોપિયન કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'વાટાઘાટો પહેલાં સંમતિ થઈ હતી કે ઊર્જા અને કાચા માલ પરના પ્રકરણ પરની ચર્ચા હાલ માટે બાજુ પર રાખવામાં આવશે.' COVID-19 રોગચાળો અને રશિયા-યૂક્રેન યુદ્ધ જેવી ભૂરાજકીય ઘટનાઓએ વિવિધ દેશોમાં ઊર્જા અને કાચા માલના પુરવઠાની સુરક્ષામાં ભારે રસ પેદા કર્યો છે. ચીન દ્વારા તાજેતરમાં દુર્લભ ખનિજ ચુંબકના નિકાસ પર પ્રતિબંધે વિવિધ સ્ત્ર્રોતોમાંથી વિશ્વસનીય પુરવઠા શૃંખલા સુનિશ્ચીત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. યુરોપિયન યુનિયન મોટાભાગના કાચા માલના પુરવઠા માટે સંપૂર્ણપણે ત્રીજા દેશો પર નિર્ભર છે. પુરવઠાના જોખમને ઘટાડવા માટે, યુરોપિયન યુનિયને નિર્ણય લીધો છે કે 2030થી, કોઈપણ મહત્ત્વપૂર્ણ કાચા માલના પુરવઠાના 65 ટકાથી વધુ કોઈ એક દેશમાંથી આયાત કરવામાં આવશે નહીં. આ બાબતોના એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે, વેપાર કરાર પર EUનું વલણ વિરોધાભાસથી ભરેલું છે કારણ કે, તે વિકાસશીલ દેશો પાસેથી કોઈપણ પ્રતિબંધો ઇચ્છતું નથી જ્યારે કાર્બન ઉત્સર્જન કરતી ચીજો પર કર, કડક ટેક્નોલોજી ટ્રાન્સફર નિયંત્રણો જેવા નિયંત્રણો લાદવાનો અધિકાર અનામત રાખે છે.
