દેશની વસ્તીના બદલાતા વપરાશના વલણોની વધુ સારી રીતે તપાસ કરવા માટે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ (HCES)ના અંતરાલને ઘટાડવા અને ગ્રાહક ભાવ સૂચકાંક જેવા મહત્ત્વપૂર્ણ મેક્રોઇકોનોમિક સૂચકાંકોના આધાર વર્ષના પુનરાવર્તનના અંતરાલને ઘટાડવાનું વિચારી રહ્યું છે. આ સૂચકાંકો અર્થતંત્રમાં ભાવમાં થતા ફેરફારો પર નજર રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'દેશમાં વપરાશના વલણો ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે, કારણ કે, લોકોની આવક વધી રહી છે અને ગ્રાહક ઉત્પાદનોમાં વિવિધતા છે. ઝડપથી ઊભરતા વપરાશના વલણોને સમજવા માટે, HCES સર્વેક્ષણ વારંવાર હાથ ધરવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે. અમે દર ત્રણ વર્ષે HCES અને ગ્રાહક ભાવ સૂચકાંકના આધાર વર્ષમાં 4 વર્ષમાં સુધારો કરવાનું વિચારી રહ્યા છીએ. જો કે, તે હજુ પણ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે કારણ કે, આધાર વર્ષના પુનરાવર્તનની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.'
હાલમાં, આંકડા મંત્રાલય મુખ્ય મેક્રોઇકોનોમિક સૂચકાંકો માટે આધાર વર્ષ બદલી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માટે, તેને નાણાકીય વર્ષ 2023 બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાહક ભાવ સૂચકાંક માટે, તેને કેલેન્ડર વર્ષ 2024 બનાવવામાં આવી રહ્યું છે. તે ફેબ્રુઆરી 2026 સુધીમાં લાગુ થવાની ધારણા છે. અગાઉ, મંત્રાલયે જાન્યુઆરી 2015માં આ મહત્ત્વપૂર્ણ મેક્રોઇકોનોમિક સૂચકાંકોના આધાર વર્ષને સુધાર્યું હતું.
સૂત્રએ જણાવ્યું હતું કે, 'આગામી વર્ષોમાં આટલો લાંબો અંતર ન રહેવા દેવાનો વિચાર છે. અર્થતંત્ર ઝડપથી બદલાઈ રહ્યું હોવાથી આધાર વર્ષને વારંવાર સુધારવું જોઈએ. આવી સ્થિતિમાં, વપરાશ સર્વેક્ષણની આવર્તન ઘટાડવામાં આવી છે, કારણ કે તે બધા સૂચકાંકોના આધાર વર્ષના પુનરાવર્તન માટે સૌથી મહત્ત્વપૂર્ણ ડેટા સેટ છે.'
હાલમાં વપરાશ સર્વેક્ષણો પાંચ વર્ષના અંતરાલ પર હાથ ધરવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલ નવીનતમ વપરાશ ડેટા ઓગસ્ટ 2023થી જુલાઈ 2024ના સમયગાળા માટે છે. આટલા વર્ષોમાં આ બીજો વપરાશ સરવે હતો.
2019ની શરૂઆતમાં, સરકારે 2017-18ના વપરાશ ખર્ચ સર્વેક્ષણના ડેટાને નકારી કાઢયો હતો, એમ કહીને કે ડેટાની ગુણવત્તા સારી નથી. તે પછી જ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો. પરંતુ તેના કારણે વપરાશ ડેટામાં 11 વર્ષનો તફાવત જોવા મળ્યો, કારણ કે, છેલ્લો ઉપલબ્ધ ડેટા જુલાઈ 2011 અને જૂન 2012ની વચ્ચે હતો. આનાથી CPI, GDP અને IIP જેવા તમામ મેક્રોઇકોનોમિક સૂચકાંકોના આધાર વર્ષના પુનરાવર્તનની કવાયતમાં પણ વિલંબ થયો. HCES ના નવીનતમ ડેટા સેટમાં છેલ્લા દાયકાના વપરાશ વલણમાં નોંધપાત્ર ફેરફાર નોંધવામાં આવ્યો છે. પ્રથમ વખત, ગ્રામીણ ભારતનો ખાદ્ય પદાર્થો પરનો ખર્ચ 50 ટકાથી નીચે આવી ગયો. દરમિયાન, સમગ્ર દેશમાં પ્રોસેસ્ડ ફૂડ વસ્તુઓનો વપરાશ વધ્યો છે. મુસાફરી ખર્ચ સૌથી મોટો બિન-ખાદ્ય ખર્ચ છે. શહેરી વિસ્તારોમાં, કુલ ખર્ચના 10 ટકા ઓનલાઇન શોપિંગમાં જાય છે, જ્યારે ગ્રામીણ ભારતમાં તે 3-4% છે.