આજે વહેલી સવારે ઇઝરાયેલે ઇરાન પર હુમલો કરતાં ક્રૂડના ભાવે એકદમ જ છલાંગ લગાવી હતી અને ઇન્ટ્રા ડેમાં આ ભાવમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો.


આ હુમલાને પગલે બન્ને દેશો વચ્ચેનો તણાવ વધતાં ક્રૂડનો વિશાળ ભંડાર ધરાવતા મિડલ ઇસ્ટમાં ટેન્શન વધશે અને તેને પગલે ક્રૂડ ઓઇલની ગ્લોબલ સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો થશે એવી ભીતિએ આટલો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે આટલા ઉછાળા પછી ક્રૂડના ભાવમાં ઘટાડાતરફી ચાલ જોવા મળી હતી.

ઇઝરાયેલના હુમલા પછી તરત જ ક્રૂડમાં ગ્લોબલ બેંચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઇન્ટ્રા ડેમાં 11 ટકા વધીને પ્રતિ બેરલ સીધો 75.32ની સપાટીએ પહોંચી ગયો હતો, જે તેની બીજી એપ્રિલ, 2025 પછીની સૌથી ઊંચી સપાટી છે. યુએસના બેંચમાર્ક ગણાતા ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ પણ 7.91 ટકા વધીને પ્રતિ બેરલ 73.42 ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. આમ બ્રેન્ટ ક્રૂડમાં પ્રતિ બેરલ 7.47 ડોલરનો અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડમાં 5.38 ડોલરનો વધારો જોવા મળ્યો હતો. ડબ્લ્યુટીઆઇ ક્રૂડે પણ ઇન્ટ્રા ડેમાં પ્રતિ બેરલ 74.35ની હાઇ સપાટી બનાવી હતી, જે 3જી ફેબ્રુઆરી, 2025ની સૌથી ઊંચી સપાટી છે. ક્રૂડના ભાવમાં જોવા મળેલા આ તીવ્ર ઉછાળાના કારણે સાપ્તાહિક ધોરણે આ ભાવમાં 2022 પછીનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. જોકે હજી પણ બ્રેન્ટ ક્રૂડના ભાવ તેની એક વર્ષ પહેલાની સપાટીથી 10 ડોલર નીચા છે અને 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે આ ભાવ વધીને પ્રતિ બેરલ 130 ડોલરની સપાટીએ પહોંચી ગયા હતા, જેનાથી હાલની સપાટી ઘણી નીચી છે. ક્રૂડના ભાવમાં થયેલો વધારો ભારત માટે ખુજ જ ચિંતાનો વિષય છે કારણ કે ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય તો તેના કારણે ભારતની વેપાર ખાધમાં 12 અબજ ડોલરનો વધારો થઇ શકે છે અને રિટેલ ફુગાવાના દરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે.

પરિસ્થિતિ એકદમ વણસે તો ક્રૂડ 130 ડોલરને આંબી જાય

દરમિયાન ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઇ છે ત્યારે જો ટુંક સમયમાં આ યુદ્ધનો અંત ન આવે અને બન્ને દેશો વચ્ચેનો તણાવ સૌથી ખરાબ સ્તરે પહોંચી જાય તો ક્રૂડના ભાવ વધીને પ્રતિ બેરલ 130 ડોલરની સપાટીએ પહોંચી શકે છે એવી આગાહી વૈશ્વિક કંપની જે પી મોર્ગેને કરી છે.

ક્રૂડના ભાવ ઊંચા રહે તો શેરબજાર પર વિપરીત અસર । મિડલ ઇસ્ટમાં ઊભા થયેલા તણાવમાં વધારો થાય તો તેની ગંભીર વિપરીત અસર ભારતીય શેરબજાર પર પડી શકે છે, કારણ કે આ ભાવવધારાના કારણે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટી શકે છે. વધુમાં ક્રૂડના ભાવ વધતાં ઓઇલ તથા ગેસ, એરલાઇન્સ, ટાયર્સ અને લુબ્રિકેન્ટ ક્ષેત્રને કાર્યરત કંપનીઓના કારોબાર પર તેની ગંભીર અસર થઇ શકે છે.

  • Follow us on: