વિદેશી ફંડો દ્રારા ભારતના સ્ટોક અને બોન્ડ માર્કેટમાં જે રોકાણ કરવામાં આવે છે તે રોકાણ પર થતી કમાણીની રકમ ભારતમાંથી પરત ખેંચી લઇ પોતાના દેશમાં લઇ જવામાં આવી હોય તેનો આંકડો નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 100 અબજ ડોલરની સપાટીની નજીક પહોંચી ગયો છે.

એવી માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પ્રસિદ્ધ કરેલા આંકડા પરથી મળે છે. આ બાબત એશિયાના સૌથી મોટા અર્થતંત્રમાં બીજો ક્રમ ધરાવતા ભારતના બજારની વિદેશી રોકાણ માટેના એક આકર્ષક સ્થળ તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. વિદેશી ફંડોને ભારતમાં સ્ટોક તથા બોન્ડમાં કરેલા રોકાણમાંથી ડિવિડન્ડ અને વ્યાજ સ્વરૂપે જે નફો થાય છે તેને પરત લઇ લેવામાં આવ્યું હોય એનો આંકડો 2024-25માં 97.7 અબજ ડોલર નોંધાયો છે. આની તુલનાએ વર્ષ 2023-24માં આ આંકડો 87.5 અબજ ડોલર હતો એમ આરબીઆઇના આંકડા દર્શાવે છે. વિદેશી રોકાણકારોએ ભારતમાં જે સીધું વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ - એફડીઆઇ) કર્યું હતું તેની પર તો તેમને ડિવિડન્ડ તથા શેરવેચાણથી નફો તો મળ્યો જ છે, પરંતુ તે ઉપરાંત દેવા સાધનોમાં તેમને કરેલા રોકાણ પર પણ આવા ફંડોને નોંધપાત્ર આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે જેપી મોર્ગન દ્રારા ભારતીય દેવા સાધનોનો સમાવેશ જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં કરાતા ભારતીય દેવા સાધનોમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો હતો.