વિદેશી ફંડોએ નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં લીધેલી વેચાણની પોઝિશનો હાલમાં ચાર મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે.

જે બાબત હાલમાં વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે એવો સ્પષ્ટ સંકેત આપે છે, નિષ્ણાતોના મતે ટ્રેડ વોરને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાઓ હજુ અકબંધ છે અને ભારતીય કંપનીઓના પરિણામો નિરાશાજનક આવવાની શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને વિદેશી ફંડો ભારતીય શેરબજારમાં કોઇ મોટું જોખમ નહીં લેવાની વૃત્તિ અપનાવી રહ્યા છે.

મંગળવારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) દ્રારા નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં લીધેલી નેટ શોર્ટ પોઝિશન 1,21,820 કોન્ટ્રાક્ટ હતી, જે 19 માર્ચ પછીનો સૌથી મોટો આંકડો છે. 19 માર્ચે આવા શોર્ટ પોઝિશનના કોન્ટ્રાક્ટનો નેટ આંકડો 1,28,390 હતો, એવી માહિતી ઉપલબ્ધ ડેટા પરથી મળે છે. સામાન્ય રીતે શોર્ટ પોઝિશન બજારમાં ઘટાડો આવે તો તેની સામેના હેજિંગ માટે લેવામાં આવે છે. 30મી જુનની સ્થિતિએ એફપીઆઇની ઇક્વિટી એસેટ્સનો આંકડો રૂ. 74.18 લાખ કરોડ હતો, જેની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી સ્કીમોની એસેટ અન્ડર મેનેજમેન્ટનો આંકડો રૂ. 32.69 લાખ કરોડ હતો.

વિદેશી ફંડો કેમ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે તે અંગે મત વ્યક્ત કરતાં નિષ્ણાતો જણાવે છે કે વર્ષ 2025-26માં નિફ્ટીનો અર્નિગ પર શેર ગ્રોથ 11 ટકા રહેશે તે બાબતને બજારે ડિસ્કાઉન્ટ કરી લીધી છે, પરંતુ 2026-27 માટેના ઇપીએસ ગ્રોથનો અંદાજ પણ ઘટાડીને 15.5 ટકા કરવામાં આવ્યો છે, જે ચાલુ વર્ષની શરૂઆતમાં 22 ટકા જેટલો હતો. આમ આ ઘટાડાના કારણે અર્નિગમાં જે ગ્રોથની અપેક્ષા છે તે શેરોના મૂલ્યની તુલનાએ ઓછી છે અને તેથી વિદેશી રોકાણકારો જોખમ નહીં લેવાની વૃત્તિ અપનાવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024-25ની રૂ. 1,013ની ઇપીએસના આધારે ગણતરી કરીએ તો નિફ્ટીનો પ્રાઇસ ટુ અર્નિગ (પીઇ) રેશિયો 25 થાય છે જે નિફ્ટીના આ રેશિયાની 24.23ની પાંચ વર્ષની અને 22.46ની ત્રણ વર્ષની સરેરાશથી વધારે છે.

એફપીઆઇએ કેશ સેગમેન્ટમાં પણ જે વેચવાલી કરી છે તે બાબત પણ તેમના મંદી તરફી અભિગમની સાક્ષી પૂરે છે. 2025ના વર્ષમાં 15 જુલાઇ સુધીમાં એફપીઆઇએ કેશ સેગમેન્ટમાં રૂ. 1.07 લાખ કરોડની નેટ વેચવાલી કરી છે, જેની તુલનાએ ડીઆઇઆઇએ આ સેગમેન્ટમાં રૂ. 3.74 લાખ કરોડની નેટ લેવાલી કરી છે.