વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)એ તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા એક અહેવાલ મુજબ જો સોનામાં તેજીની ચાલ જળવાઇ રહે તો ડિસેમ્બર, 2025 સુધીમાં સોનાના ભાવમાં હાલના સ્તરેથી 15 ટકા સુધીનો વધારો થઇ શકે છે અને વૈશ્વિક બજારમાં આ ભાવ પ્રતિ ઔંસ 3,839 ડોલરના સ્તરે પહોંચી શકે છે.
જો ભાવ આટલા ઊંચા જાય તો 2025માં સોનાએ આપેલા વળતરની ટકાવારી આશરે 40 ટકા જેટલી રહેશે. આ માટેના કારણો આપતા કાઉન્સિલે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર દબાણ હેઠળ રહે, આર્થિક પરિસ્થિત વધુ કથળે અને જિયો પોલિટિકલ ટેન્શન યથાવત રહે તો રોકાણના સલામત વિકલ્પ તરીકે રોકાણકારોમાં સોનાની માંગ જળવાઇ રહે એવી શક્યતા છે અને આના કારણે સોનામાં વધારાની ચાલ આગળ વધી શકે છે. કાઉન્સિલ વધુમાં જણાવે છે કે જો આવું ન થાય અને સામાન્ય સ્થિતિ જળવાઇ રહે તો પણ ચાલુ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં હાલના સ્તરેથી 0થી 5 ટકા સુધીનો વધારો થઇ શકે છે. જો આવી પરિસ્થિતિ આકારલ લેશે તો 2025માં સોનાએ આપેલા વળતરની ટકાવારી 25થી 30 ટકા જેટલી રહેશે. ફુગાવાનો દર એટલો બધો ઊંચો નથી ગયો છતાં પણ જિયો પોલિટિકલ ટેન્શનના કારણે રોકાણકારોમાં સોનાની માંગ જળવાઇ રહે એવી શક્યતા છે. આવા સંજોગોમાં યુએસ દ્રારા જે ટ્રેડ વોર છેડવામાં આવ્યું છે તેનો અંત કેવી રીતે આવે છે તે બાબત પણ સોનાની ચાલ નક્કી કરશે. સોનામાં તેજીને બળ આપે એવા મજબૂત પરિબળો હોવા છતાં સોનાના હાલના ભાવમાં આ તમામ પરિબળો ગણતરીમાં લેવાઇ ગયા છે એ પણ એક હકીકત છે, પરંતુ એકદંરે તો 2025માં સોનાના ભાવમાં મજબૂતાઇ જળવાઇ રહેશે. હાલમાં વૈશ્વિક સ્તરે જે ટ્રેડ વોર અને યુદ્ધ ચાલી રહ્યા છે તેનું શાંતિપૂર્વકનું સમાધાન આવે તો પરિસ્થિતિ બદલાઇ શકે છે અને સોનામાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે. જો આવું થાય તો સોનાના ભાવમાં હાલના સ્તરેથી 10થી 15 ટકાનો ઘટાડો થઇ શકે છે એવો મત પણ કાઉન્સિલે વ્યક્ત કર્યો છે.
