અમદાવાદ સોના-ચાંદી બજારમાં શુક્રવારે સોનું અને ચાંદી બંને ધાતુઓ તેની અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયા છે. સોનામાં 1,300 રૂપિયાના વધારા સાથે 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,02,000 રૂપિયા રહ્યો હતો.

જે તેની ગત તા. 22 એપ્રિલની 1,01,500ની ઓલટાઇમે પહોંચેલી સપાટીને તોડીને આગળ નીકળી ગઇ છે. અમદાવાદમાં સોનું એપ્રિલ માસમાં એક વખત એક લાખની ભાવ સપાટી ક્રોસ કરી શક્યું છે. જ્યારે મે માસમાં સળંગ ત્રણ દિવસ તા.6,7 અને 8 મેના રોજ એક લાખની સપાટીએ રહ્યું છે. જ્યારે ચાલુ જુન માસમાં આ ચોથી વખત છેકે જ્યારે સોનું એક લાખની સપાટી વટાવી જાય છે. ચાંદી માર્ચ માસમાં ચાર વખત, જુન માસમાં 8 દિવસ એક લાખની સપાટીથી વધુના ભાવે રહી હતી. આમ આ વર્ષે સોનું આઠ વખત અને ચાંદી 12 વખત એક લાખની સપાટીને ક્રોસ કરી ચૂક્યા છે.

વૈશ્વિક બજારમાં સોનું 27 ડોલર વધીને 3,413 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 7 સેંન્ટ ઘટીને 36.20 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 1,646 રૂપિયા વધીને 1,00,038 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 532 રૂપિયા વધીને 1,06,417 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 45.80 ડોલર વધીને 3,448.20 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 0.30 સેંન્ટ વધીને 36.325 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોનામાં તેજીના કારણો વૈશ્વિક છે. ઇઝરાયલે ઇરાન પર હુમલો કરતા મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઇ છે.

ઇઝરાયલ ઇરાનના પરમાણું મથકો પર હુમલો કરે તેવી પુરેપુરી શક્યતાઓ જોવાઇ રહી છે. તેવામાં આરબ જગતમાં ભારે અસ્થિરતાનો માહોલ સર્જાતા સેફ હેવન તરીકે ઓળખાતા અને મનાતા સોનાના ભાવમાં આ તેજી જોવા મળી છે.