યુએસએ શનિવારે ઇરાનની ત્રણ ન્યુક્લિઅર સાઇટ પર હુમલો કરતાં હોર્મુઝના અખાત અને રાતા સમુદ્રના માર્ગે થતી ભારતની નિકાસ સામે ફરી એક વાર જોખમ ઊભું થયું છે.
ત્યારે હવે ભારત હવે આ માર્ગે થતી નિકાસ માટે હવે ક્યા વૈકલ્પિક માર્ગ અપનાવી શકાય તે માટે વિચારણા કરી રહ્યું છે. જોકે આ માર્ગ બંધ થાય તો પણ ભારતની નિકાસ પર ખાસ કોઇ મોટી અસર પડી શકે એમ નથી કારણ કે ભારતની જે કુલ નિકાસ છે તેમાંથી 90 ટકા નિકાસ યુરોપ અને યુએસના બજારમાં કરવામાં આવે છે જેના માટે થોડા લાંબાં પરંતુ સલામત એવા કેપ ઓફ ગુડ હોપના માર્ગનો ઉપયોગ કરી શકાય એમ છે.
આ ઉપરાંત હૌથી હુમલાખારોના હુમલાના કારણે રાતા સમુદ્રના માર્ગે નિકાસ બંધ હતી, તે થોડા સમય પહેલા જ ચાલુ થઇ છે. જોકે હાલમાં આ માર્ગે કુલ નિકાસના માત્ર 5થી 6 ટકા જ નિકાસ કરવામાં આવી રહી છે તેથી આ એક મોટી ચિંતાનો વિષય નથી. આમ યુએસ, આફરીકા અને યુરોપના બજારોમાં થતી નિકાસને હોર્મુઝનો અખાત બંધ થવાથી કોઇ મોટી અડચણ આવી શકે એમ નથી, પરંતુ પિૃમ એશિયાના બજારોમાં જે નિકાસ થાય છે તેની પર વિપરીત અસર પડી શકે છે. પિૃમ એશિયાના બજારોમાં પહોંચવા માટે નિકાસકારો યુએઇના ફુજાઇરાહ અને ઓમાનના સાલાહ પોર્ટનો ઉપયોગ કરી શકે છે. જોકે આ અખાતનો માર્ગ બંધ થાય તો ઇરાકમાં નિકાસ કરવી મુશ્કેલ બની શકે છે. બીજુ જોખમ એ છે કે જો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે તો જે બંદરેથી આ નિકાસ થાય છે તેમની ક્ષમતા વધુ ટ્રાફિક હેન્ડર કરવાની હોય એ પણ જરૂરી છે, અન્યથા આ નિકાસમાં વિલંબ થઇ શકે છે.
હોર્મુઝનો અખાત બંધ થાય તો તેની સૌથી મોટી અસર ભારતની ક્રૂડ અને ગેસની આયાત પર પડી શકે છે, કારણ કે ભારતની ક્રૂડની કુલ આયાતમાંથી 35 ટકા આયાત આ માર્ગેથી થાય છે. આથી જો આ અખાતનો માર્ગ બંધ થશે તો ભારતની ઉર્જા સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે અને તેના કારણે ભારતને તેની ક્રૂડ અને ગેસની આયાત ઘણી જ મોંઘી પડશે. ભારત એલએનજીની જે કુલ આયાત કરે છે તેમાંથી 42 ટકા આયાત આ અખાતના માર્ગેથી થાય છે.
ક્રૂડના ભાવ વધે તો ભારતની ક્યા ક્ષેત્રે કામ કરતી કંપનીઓના કારોબાર પર વિપરીત અસર થાય
ઓઇલ માર્કેટિંગ કંપનીઓના માર્જિનમાં ઘટાડો થાય
એટીએફનો ઉપયોગ કરતી એવિએશન કંપનીઓ માટે આ ઇંધણની કિંમત વધે
ક્રૂડ ડેરિવેટિવ્ઝનો કાચા માલસામાન તરીકે ઉપયોગ કરતી પેઇન્ટ કંપનીઓનો નફો ઘટે
પેઇન્ટ, ટાયર અને પ્લાસ્ટિક જેવા કાચા માલસામનની કિંમત વધતા ઓટો કંપનીઓનો નફો પણ ઘટે
કેમિકલ, ફર્ટિલાઇઝર અને પેટ્રોકેમિકલ્સ કંપનીઓના કારોબાર પર પણ વિપરીત અસર થાય