યુએસએ ભારતમાંથી થતી નિકાસ પર 50 ટકા ટેરિફ લાદતાં 65 અબજ ડોલરની નિકાસને જે ફટકો પડવાનો છે તેને સરભર કરવા માટે સરકારે નિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવાના દેશોની યાદીનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે.
હાલમાં આ યાદીમાં 20 દેશો છે, જેમાં નવા 30 દેશોનો ઉમેરો કરીને આ સંખ્યાને 50 પર લઇ જવાશે. હાલમાં આ યાદીમાં સમાવિષ્ટ ટોચના 10 દેશો ભારતની કુલ નિકાસમાં 50 ટકાથી વધુ યોગદાન આપે છે. હવે આ યાદીનું વિસ્તરણ કરીને આ દેશોમાં જ ભારતની કુલ નિકાસની 90 ટકા નિકાસ થતી હોય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
હાલમાં નિકાસ માટેના ટોચના 10 દેશોમાં યુએસ, યુએઇ, નેધરલેન્ડ, ચીન, બાંગ્લાદેશ, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, જર્મની અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. તે પછીના દસ ક્રમમાં સ્થાન ધરાવતા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇટાલી, જાપાન, રશિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી અને વિયેટનામ સમાવિષ્ટ છે. હવે જે નવા દેશોને આ યાદીમાં ઉમેરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે તેમાંથી મોટા ભાગના દેશો એશિયા, આફ્રિકા અને ખાસ કરીને પિૃમી એશિયાના હશે. આ ત્રીસ દેશોમાં નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકારનું વાણિજ્ય મંત્રાલય નિકાસના વૈવિધ્યકરણ, આયાતના સ્રોતમાં ફેરફાર અને નિકાસ માટે ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધારવા પર ભાર મુકશે. આ માટેનો વિગતવાર અભ્યાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે અને નિકાસ થતા હોય એવા પ્રત્યેક ઉત્પાદનોને એક એક કરીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જીટીઆરઆઇના અંદાજ મુજબ વર્ષ 2024માં ભારતે યુએસમાં કુલ જે 85 અબજ ડોલરની નિકાસ કરી હતી, તેમાં હવે આગામી વર્ષમાં 40 ટકા ઘટાડો થવાની શક્યતા છે. એટલે કે નિકાસનો આંકડો આશરે 50 અબજ ડોલર થઇ જશે. આ ઘટાડાના કારણે મજૂરોની જંગી જરૂરિયાત ધરાવતા હોય એવા ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, લેધર અને મરિન પ્રોડક્ટ્સને મોટી વિપરીત અસર થશે.