ભારતનો સેમિકન્ડક્ટર ઉદ્યોગ 2030 સુધીમાં ઝડપી ગતિએ વિકસવાની ધારણા છે. ઉદ્યોગના નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો છે કે, ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં બમણાથી પણ વધુ વધીને 100 થી 110 અબજ ડોલર સુધી પહોંચી જશે. એક સત્તાવાર અહેવાલમાં રવિવારે આ માહિતી આપવામાં આવી છે.
વર્તમાન સ્થિતિ અને તાઇવાનનું વર્ચસ્વ
અહેવાલ મુજબ, 2023 માં ભારતીય સેમિકન્ડક્ટર બજાર 3૮ અબજ ડોલરનું હતું, જે 2024-2025 માં વધીને 45-50 અબજ ડોલર થયું છે. આ બજારમાં વર્તમાન સમયમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશોનું વર્ચસ્વ છે. ખાસ કરીને તાઇવાન, જે વિશ્વના 60% થી વધુ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે, જેમાં 90% સૌથી અદ્યતન સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે. કોવિડ મહામારી દરમિયાન આ એકલ-બજાર પર નિર્ભરતાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી, ખાસ કરીને વાહન ઉદ્યોગ માટે.
ભારત માટે તક
આ પડકારને સમજતા, હવે ઘણા દેશો સુરક્ષિત અને વિવિધ સપ્લાય ચેઇન બનાવવા તરફ ધ્યાન આપી રહ્યા છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ સ્થાનિક ચિપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિઓ શરૂ કરી છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ભારત એક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.
2030 સુધીનું લક્ષ્ય
વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં એક ટ્રિલિયન 1000 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે, જેમાં ભારતનું બજાર એક મોટો હિસ્સો ધરાવશે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન સપ્લાય ચેઇનના ત્રણ મુખ્ય સ્તંભો - સાધનો, સામગ્રી અને સેવાઓ, તેમજ સંશોધન અને વિકાસ (R&D) માં એક મુખ્ય યોગદાનકર્તા તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે. ભારતના આ ઉભરતા સેમિકન્ડક્ટર ઉદ્યોગથી વૈશ્વિક બજારમાં ભારતનું સ્થાન વધુ મજબૂત થશે અને દેશની આર્થિક પ્રગતિને પણ વેગ મળશે.