અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે દુર્ઘટનાના વીમા માટે મોટા ભાગે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ પ્રાયમરિ ડોમેસ્ટિક ઇન્શ્યુરની જવાબદારી નિભાવશે, એવી માહિતી ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આપી હતી.
આવી પ્લેન ક્રેશની દુર્ઘટના માટે જે વીમો ઉતારવવામાં આવતો હોય છે તેમાં સ્થાનિક વીમા કંપની પ્રાઇમરી ઇન્શ્યુર તરીકેની ભૂમિકા ભજવે છે અને તેના ભાગે ખૂબ જ ઓછું જોખમ આવતું હોય છે અને જોખમની મોટા ભાગની જવાબદાર આવી સ્થાનિક વીમા કંપનીઓ દ્રારા રિઇન્શ્યોરન્સ માટેના વૈશ્વિક બજારમાં અન્ય અગ્રણી વૈશ્વિક કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે.
આવી પ્લેન ક્રેશની ઘટનામાં બે પ્રકારના ઇન્શ્યોરન્સ ક્લેઇમની ચુકવણી કરવામાં આવતી હોય છે, જેમાં હલ ઇન્શ્યોરન્સ અને પેસેન્જર લાયેબિલિટીનો સમાવેશ થાય છે. હલ ઇન્શ્યોરન્સ અંતર્ગત પ્લેનને જે નુકસાન થયુ હોય તેટલી રકમ દાવા પેટે ચુકવવામાં આવતી હોય છે, જ્યારે પેસેન્જર લાયેબિલીટી અંતર્ગત પ્રવાસીઓને ઇજા કે મોત થયું હોય તો તે પેટે વળતર ચુકવવામાં આવે છે.
અમદાવાદની દુર્ઘટનાના કિસ્સામાં વીમાકંપનીઓએ કેટલું વળતર ચુકવવું પડશે એ અંગે માહિતી આપતા ઇન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નરેન્દ્ર ભારીન્દવાલે જણાવ્યું હતું કે અમદાવાદની ઘટનામાં ક્રેશ થનારું પ્લેન બોઇંગ 787-8 ડ્રિમલાઇનર હતું. આથી આ પ્લેનની જે માર્કેટ વેલ્યુ થતી હશે તેના આધારે હલ ઇન્શ્યોરન્સ અંતર્ગત વળતરની ચુકવણી કરવામાં આવશે. સંબંધિત પ્લેનનો બજાર ભાવ આશરે 200થી 300 મિલિયન ડોલર આંકવામાં આવે એવી શક્યતા છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે રૂ. 1,700થી રૂ. 2,550 કરોડ જેટલી થાય છે. લાયાબિલીટી કવરેજની રકમ યુરોપ જેવા દેશોમાં જતી ફ્લાઇટના કિસ્સામાં 500 મિલિયન ડોલરથી વધી જાય છે. એટલે કે આ કવરેજની રકમ રૂ. 4,250 કરોડથી વધી જાય છે.
હલ ઇન્શ્યોરન્સની પાંચ ટકા રકમ GIC RE દ્વારા, બાકીની રકમ AIG લંડન દ્વારા ચૂકવાશે
અમદાવાદની દુર્ઘટના પેટે જે હલ ઇન્શ્યોરન્સ એટલે કે વિમાની કિંમત પેટે જે રકમનું વળતર આપવાનું થશે તે વળતરમાંથી 5 ટકા જેટલુ વળતર ડોમેસ્ટિક રિઇન્શ્યુરન્સની ફરજિયાત જોગવાઇ મુજબ જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (જીઆઇસી આરઇ)એ ચુકવવાનું રહેશે. બાકીની રકમ આ વીમાની જવાબદારી રિઇન્શ્યોરન્સ માર્કેટ અંતર્ગત સંભાળનારી એઆઇજી લંડન દ્રારા ચુકવવામાં આવશે એમ સુત્રોએ જણાવ્યું હતું.
વળતરની રકમ પ્રવાસીની વય, આવક અને પરિવાર દ્વારા કરવામાં આવતા દાવા પર આધાર રાખે છે । આવી દુર્ઘટનાના કિસ્સામાં પેસેન્જર લાયેબિલીટી થર્ડ પાર્ટી લાયેબિલીટી ઇન્શ્યોરન્સ અંતર્ગત કવર કરવામાં આવે છે. આ કવરેજ હેઠળ મોત, ઇજા અને બેગેજ લોસ પેટે વળતર આપવામાં આવે છે. બેગેજ લોસ સહિતની વળતરની રકમ મોન્ટ્રેલ કન્વેન્શન અને ભારતના કેરેજ બાય એર એક્ટ અનુસાર ગણવામાં આવશે. મોન્ટ્રેલ કન્વેન્શન અને ભારતના કેરેજ બાય એર એક્ટ અંતર્ગત વિમાની કંપનીઓ મૃત્યુ કે ઇજા પામેલા પ્રવાસીઓના પરિવારને વળતર આપવા જવાબદાર છે. વળતરની આ રકમ પ્રવાસીની વય, તેમની આવક અને પરિવાર દ્રારા કેટલી રકમનો દાવો કરવામાં આવે તેની પર આધાર રાખે છે.
કોઝીકોડ દુર્ઘટનામાં 21 પ્રવાસીઓના મોત થતાં કુલ
રૂ. 323 કરોડનું વળતર અપાયું હતું । અગાઉ 2020માં કોઝીકોડમાં આવી જ પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી અને તેમાં 21 પ્રવાસીઓના મોત થયા હતા, ત્યારે પેસેન્જર લાયેબિલીટી કવરેજ હેઠળ કુલ 38 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 323 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું એવા અહેવાલ છે.