આપણા રોજિંદા જીવન વ્યવહારમાં ઘણીવાર પાવર ઓફ એટર્ની, કુલમુખત્યારનામું યા લેટર ઓફ એટર્ની શબ્દો સાંભળવા મળે છે. આથી આજના અંકમાં આપણે પાવર ઓફ એટર્ની વિશે જાણકારી મેળવી લઈએ.
સામાન્ય રીતે પાવર આપનારના નામથી અને તેના વતી તેના કોઈ કાર્યો કરવા માટે પાવર આપનાર પોતાના લેખમાં જે વ્યક્તિને નિમણૂંક છે તેને એટર્ની યાને પાવર લેનાર તરીકે ઓળખાવી શકાય. આમ કેટલાક કૃત્યો જે સામાન્ય સંજોગોમાં પાવર આપનાર દ્વારા જ કરી શકાય તેમ હોય, તેવા કાર્યો કરવા માટે પાવર આપનાર કોઈ અન્ય વ્યક્તિની તરફેણમાં (એટર્નીની તરફેણમાં) તેવા કાર્યો કરવા અને એટર્ની તરીકે પોતાની સહી કરી શકવા અંગેની સત્તા આપવામાં આવે છે. આ રીતે સત્તા આપતા લેખને પાવર ઓફ એટર્ની યાને કુલમુખત્યારનામા તરીકે ઓળખાવી શકાય. પાવર ઓફ એટર્નીનો લેખ પાવર આપનાર વ્યક્તિ છે તે પાવર લેનાર અન્ય વ્યક્તિ યાને એટર્ની છે તેને પાવર આપનાર વતી ખાસ કાર્ય અથવા કાર્યોનો સમૂહ અથવા જનરલ કાર્યો કરવા માટે અધિકાર કે સત્તા આપે છે. પાવર ઓફ એટર્નીના લેખ બે પ્રકારના હોય છે, (1) જનરલ પાવર ઓફ એટર્ની (2) સ્પેશિયલ પાવર ઓફ એટર્ની. જનરલ પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર આપનાર દ્વારા નિશ્ચીત વિષય સંબંધી જનરલ બાબતો અંગે પાવર આપનાર વતી સહીઓ યા કાર્યો કરવાની સત્તા પાવર લેનાર યાને એટર્નીને આપવામાં આવે છે. જયારે સ્પેશિયલ પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર આપનાર દ્વારા નિશ્ચીત વિષય સંબંધી ખાસ પ્રકારના ચોક્કસ અને વિશિષ્ટ કાર્યો અંગે પાવર આપનાર વતી વહીવટ, વ્યવસ્થા કરવાની સત્તા આપવામાં આવે છે.
પાવર આપનાર દ્વારા પાવર ઓફ એટર્નીના લેખમાં જણાવેલ હેતુ જ્યાં સુધી પૂર્ણ થાય યા સમાપ્ત થાય અથવા તેવો હેતુ પૂર્ણ કરવો અશક્ય બને ત્યાં સુધી પાવર ઓફ એટર્નીનો લેખ ચાલુ રહી શકે યાને અસ્તિત્વ ધરાવી શકે છે. આમ પાવર આપનારનો ઈરાદો, પાવરના હેતુઓ અને ઘટના વખતના સંજોગો આ તમામ બાબતો ઉપર પાવરની મુદ્દતનો આધાર રહેલો છે. પાવર ઓફ એટર્નીનો લેખ પાવર આપનારના જીવનકાળ સુધી અસરકારક રહે છે. પાવર આપનાર અને પાવર લેનાર વચ્ચે માલિક (પ્રિન્સિપલ) અને એજન્ટ તરીકેના સંબંધો હોય છે યાને બંને વચ્ચે એજન્સીનો સંબંધ ઉત્પન્ન થાય છે. આથી સ્વભાવિક રીતે પાવર આપનારના મૃત્યુ પછી તેઓ વચ્ચે થયેલ પાવર ઓફ એટર્નીનો લેખ આપોઆપ રદ થયેલો ગણાય અને તેવો પાવર આસરકારક રહેતો નથી.
સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની યાને કુલમુખત્યારનામું રદ કરવા માટે કોઈ મોટી કે અટપટ્ટી કાર્યવાહી નથી. જે વ્યક્તિએ પાવર ઓફ એટર્ની આપ્યો હોય તે પોતાની ઈચ્છા મુજબ પોતાને મરજીમાં આવે તે સમયે પરત ખેંચી શકે છે યાને રદ કરી શકે છે. પાવર ઓફ એટર્ની આપનાર પાવર ઓફ એટર્ની રદ કર્યાનો પોતાનો ઈરાદો લેખિતમાં પાવર આપનારને જણાવી પાવર ઓફ એટર્ની રદ કરી શકે છે, આ માટે પાવર ઓફ એટર્ની લેનારની સહી કે સંમતિની જરૂર નથી. અમુક ખાસ સંજોગો સિવાય દરેક પાવર ઓફ એટર્ની રદ થવાને પાત્ર ગણાય છે, પાવર ઓફ એટર્નીએ પાવર આપનારની ઈચ્છા અને મરજી પર આધારિત છે, ઘણીવાર પાવર ઓફ એટર્નીના લખાણ પર ઈરરિવોકેબલ પાવર ઓફ એટર્ની લખેલ હોય છે, પરંતુ અપવાદરૂપ અને ખાસ સંજોગોમાં ઈરરિવોકેબલ પાવર ઓફ એટર્ની લખવા માત્રથી પાવર રદ ન થઈ શકે કે પરત પાછો ન ખેંચાય એવુ નથી. ઈરરિવોકેબલ પાવર ઓફ એટર્ની પણ ખાસ વિશિષ્ટ સંજોગો સિવાય પાવર આપનાર પોતાની ઈચ્છા તથા મરજીમાં આવે તે સમયે પરત ખેંચી શકે છે, કે રદ કરી શકે છે. પાવર ઓફ એટર્ની જો જમીન કે મિલકતના વહીવટ, વ્યવસ્થા માટે લખી આપેલ હોય તો તેથી તેવી જમીન કે મિલકતમાં પાવર લેનારનું હિત કે હક્ક, અધિકાર ઉત્પન્ન થતાં નથી જેથી પાવર આપનાર જ્યારે પાવર રદ કરે કે પરત ખેંચે એટલે તુરત જ તેવી જમીન મિલકત પરત્વે પાવર લેનારના વહીવટ, વ્યવસ્થા કરવાની સત્તાનો અંત આવે છે, પાવર ઓફ એટર્ની રદ કરવા માટે પાવર આપનારે પાવર રદ કરવા માટેના કારણો આપવાની જરૂર નથી. સામાન્ય સંજોગોમાં કોઈપણ કારણ દર્શાવા વગર કે કોઈ સંજોગોમાં પરિસ્થિતિ બાબત ચોખવટ કર્યા વગર પાવર આપનાર આપેલ પાવર રદ કરી શકે છે યાને પરત ખેંચી શકે છે.
પાવર ઓફ એટર્નીની સામાન્ય સંજોગોમાં કોઈ મુદ્દત હોતી નથી યાને પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થતો નથી, પરંતુ પાવર ઓફ એટર્ની આપનાર જો ગુજરી જાય તો તેવો પાવર આપોઆપ રદ થયેલ ગણાય, વિશિષ્ટ સંજોગો સિવાય સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની આપનાર ગુજરી જાય તો પાવર ઓફ એટર્નીનો અંત આવે છે, આમ પાવર ઓફ એટર્ની આપનાર ગુજરી ગયા બાદ તેવા પાવર ઓફ એટર્ની દ્વારા પાવર ઓફ એટર્ની લેનાર દ્વારા કરવામાં આવેલ કાર્યો ગેરકાયદેસર અને રદ ગણાય.
આ પ્રમાણે સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની લેનાર ગુજરી જાય તો પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થયેલ ગણાય. પાવર ઓફ એટર્ની લેનારના ગુજરી જવાથી પાવર ઓફ એટર્નીનો અંત આવેલ ગણાય. સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની લેનારના ગુજરી ગયા બાદ તેના વારસદારોને તેવા પાવર ઓફ એટર્ની દ્વારા કાર્યો કરવાનો હક્ક, અધિકાર પ્રાપ્ત થતા નથી. પાવર ઓફ એટર્ની લેનારના હક્કો, સત્તા વારસાગત્ નથી એટલે કે પાવર ઓફ એટર્ની લેનાર ગુજરી ગયા બાદ તેવા પાવર ઓફ એટર્ની દ્વારા મળેલી સત્તા અને અધિકાર તેના વારસદારોને પ્રાપ્ત થતી નથી.