કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સે જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે ચાર કલાક સુધી કામકાજ ખોરવાતા આ મામલે પ્રાથમિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.
એમસીએક્સ પ્લ્ટફોર્મ પર આ અત્યાર સુધીનું સૌથી લાંબો ટ્રેડિંગ અવરોધ છે. ટેકનિકલ સમસ્યાને કારણે સવારે 9:30 વાગ્યાથી ટ્રેડિંગમાં વિલંબ થયો હતો. ત્યારબાદ બપોરે 1:25 વાગ્યે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ વર્ષે બીજી વખત ભારતના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જને આવી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. સિલ્વર મીની કોન્ટ્રાકટની આજે એક્સપાયરી હતી ત્યારે વેચાણ કરીને બેઠેલા સિલ્વર મીની કાપી શકયા નહોતા. જયારે ખરીદીને બેઠેલા લોકોને કાપવા માટેનો સમય નહીં મળતા મોટું નુકસાન કરવાનો વારો આવ્યો હતો.
આજરોજ ચાંદીના પાંચ કિલો વાયદાની એક્સપાયરી હતી, વીતેલા મહિને ચાંદીમાં ધરખમ પ્રીમિયમ જોવા મળ્યા હતા. વાયદાની સરખામણીએ હાજરમાં ભાવો 20-25 હજાર વધુ બોલાતા હતા. જયારે વાયદામાં રૂ.1,65,000 આસપાસ ભાવો બોલાયા હતા ત્યારે હાજરમાં રૂ.1,85,000 સુધીના સોદા થયા હતા. દિવાળી પહેલા ચેન્નાઇમાં રૂ.2,00,000 પ્રતિ કિલોના ભાવે કામકાજ થયા હતા. આમ, વાયદાની સરખામણીએ હાજરમાં ધરખમ પ્રીમિયમ ચાલતું હતું ત્યારે જ કેટલાક નિષ્ણાતો વાયદાની એક્સપાયરી સમયે મોટી ઉથલપાથલની આગાહી કરતા હતા અને આજે જયારે ચાંદીના મીની કોન્ટ્રાકટની એક્સપાયરી હતી ત્યારે એક્સચેન્જ સવારથી બંધ હતું. સ્વાભાવિકપણે જયારે હાજરમાં મોટું પ્રીમિયમ ચાલતું હોય ત્યારે વાયદામાં લેણ કરનાર પોઝિશન કાપવાના બદલે ડિલિવરી લેવાનું પસંદ કરે અને ડિલિવરી ઊંચા પ્રીમિયમથી મળતી હોય ત્યારે વાયદામાં વેચાણની પોઝિશન બનાવનારે ઊંચું પ્રીમિયમ ચૂકવી ડિલિવરી ઉપલબ્ધ કરાવવાની થાય. આમ જયારે ભાવોમાં મોટી ઊથલપાથ થઇ રહી હોય ત્યારે એક્સચેન્જમાં કામકાજ બંધ થવાથી ટ્રેડર્સને મુશ્કેલી વેઠવી પડી હતી.