મેટલ શેરોમાં આજે સતત પાંચમાં સેશનમાં આજે તેજી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આજે 129 પોઇન્ટ એટલે કે 1.23 ટકા વધીને 10,596ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં આ ઇન્ડેક્સે 10.624ની વિક્રમી ટોચ પણ બનાવી હતી.


આ સાથે આ ઇન્ડેક્સે સતત બીજા દિવસે નવી વિક્રમી ટોચ બનાવી હતી. છેલ્લા પાંચ સેશનમાં જોવા મળેલી તેજીમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4 ટકા વધ્યો છે. આ ઇન્ડેક્સના 15 ઘટક શેરો પૈકી 9 વધીને બંધ રહ્યા હતા. મેટલ શેરોમાં અવિરત તેજી માટે મેટલના ભાવમાં આગઝરતી તેજી, સ્થાનિક માંગમાં મજબૂતાઇ, નીતિવિષયક સમર્થન, ટેકનિકલ ચાર્ટ મુજબ મેટલના ભાવો હજી પણ વધે એવી ધારણા અને વિદેશી ફંડોની અવરિત લેવાલી વગેરે જેવા પરિબળો જવાબદાર છે.

નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સે સતત બીજા દિવસે 8,118ની નવી વિક્રમી ટોચ બનાવી

સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા હાલના સ્તરેથી બમણી કરી 49 ટકા કરવા માંગે છે એવા ગઇ કાલે પ્રસિદ્ધ થયેલા અહેવાલની અસર આજે પણ સરકારી બેંકોના શેરો પર જોવા મળી હતી અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સે આજે પણ 8,118ની નવી વિક્રમી ટોચ બનાવી હતી. આ ઇન્ડેક્સ દિવસને અંતે 97 પોઇન્ટ એટલે કે 1.21 ટકા વધીને 8,087 પર બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના તમામ 12 ઘટક શેરો પણ આજે વધીને બંધ રહ્યા હતા. ખાનગી બેંકોમાં જોકે તેજી સીમિત હતી અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 22 પોઇન્ટ એટલે કે 0.08 ટકા વધીને 28,435 પર બંધ રહ્યો હતો. સરકારી અને ખાનગી બન્ને બેંકોમાં તેજીને પગલે આજે વ્યાપક મંદી વચ્ચે પણ બેંક નિફ્ટી 99 પોઇન્ટ એટલે કે 0.17 ટકા વધીને 58,214 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં ઘટાડા તરફી ચાલ હતી અને આ ઇન્ડેક્સ 65 પોઇન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 27,453 પર બંધ રહ્યો હતો.


  • Follow us on: