દેશના સૌથી ધનિક માણસોનું નામ લેવામાં આવે છે ત્યારે સૌથી પહેલું નામ મુકેશ અંબાણીનું લેવામાં આવે છે. ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધી ભારતીય અબજોપતિઓમાં સૌથી વધુ કમાણી કરનાર તરીકે મુકેશ અંબાણી આગળ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલા જોરદાર વધારાએ તેમની સંપત્તિમાં મોટો ઉછાળો લાવ્યો છે. આ વર્ષે રિલાયન્સના શેરમાં લગભગ 27 ટકાનો વધારો થયો છે, જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં આશરે 15.3 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ હવે 106 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે અને તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ તેઓ હાલ વિશ્વના ટોપના અબજોપતિઓની યાદીમાં 18મા ક્રમે છે.
પ્લેટફોર્મ્સના સંભવિત IPO
રિલાયન્સના શેરમાં આવેલી તેજી પાછળ મૂલ્ય અનલોકિંગ અંગેની અપેક્ષા, 2026માં JIO પ્લેટફોર્મ્સના સંભવિત IPO અને વિશ્લેષકોના સકારાત્મક અભિપ્રાયો મુખ્ય કારણ તરીકે માનવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધી BSE સેન્સેક્સ પર રિલાયન્સનો શેર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોક્સમાં સામેલ રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.













