એપ્રિલ મહિના દરમિયાન ભારતમાં આવેલા નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)નો આંકડો 3.9 અબજ ડોલર નોંધાયો છે, જે પાછલા વર્ષે આ જ મહિનામાં 1.9 અબજ ડોલર હતો.
આ મહિના દરમિયાન ગ્રોસ ઇનવર્ડ એફડીઆઇનો આંકડો 8.8 અબજ ડોલર રહ્યો છે, જે માર્ચમાં નોંધાયેલા 5.9 અબજ ડોલરના અને એપ્રિલ, 2024ના 7.2 અબજ ડોલરના આંકડા કરતાં વધારે છે, એવી માહિતી આરબીઆઇએ જારી કરેલા ડેટા પરથી મળે છે. આરબીઆઇએ જારી કરેલા આંકડા મુજબ એપ્રિલમાં જે કુલ એફડીઆઇનો પ્રવાહ આવ્યો છે તેનો આશરે અડધા જેટલો હિસ્સો મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ સર્વિસીસના ફાળે ગયો છે. એપ્રિલમાં એફડીઆઇના આંકડામાં વધારો થયો છે એનો અર્થ એ થાય છે કે ભારત રોકાણ માટેના એક આકર્ષક વિકલ્પ તરીકે અકબંધ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાંથી એફડીઆઇ પરત લેવામાં આવ્યું હોય એનો આંકડો ઘટયો છે. આ મહિનામાં 1.7 અબજ ડોલર જેટલું એફડીઆઇ પરત ખેંચવામાં આવ્યું છે, જેનો આંકડો એપ્રિલ, 2024માં 4.1 અબજ ડોલર હતો.
