ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પાંચેય કારોબારી દિવસ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 276 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટ ઘટ્યો હતો. બજારમાં આવેલી આ નબળાઈની અસર દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓ પર પણ જોવા મળી હતી. જોકે, કેટલીક કંપનીઓએ ઘટાડાવાળા બજારમાં પણ રોકાણકારોને સારું વળતર આપ્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ઝટકો લાગ્યો

સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ આશરે ₹1.13 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ઝટકો લાગ્યો. કંપનીનું માર્કેટ કેપ ₹40,056 કરોડ ઘટીને લગભગ ₹17.38 લાખ કરોડ રહ્યું. ભારતી એરટેલનું માર્કેટ કેપ પણ ₹40,501 કરોડ ઘટીને ₹11.74 લાખ કરોડ થયું હતું.

HULની માર્કેટ વેલ્યુ ₹1,551 કરોડ ઘટી

એચડીએફસી બેન્કની માર્કેટ વેલ્યુમાં ₹11,558 કરોડથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ ₹10,086 કરોડ, એલએન્ડટીનું ₹6,473 કરોડ, એલઆઈસીનું ₹3,162 કરોડ અને એચયુએલનું ₹1,551 કરોડ ઘટ્યું હતું. બીજી તરફ, ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસે ઘટાડાવાળા બજારમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પાંચ કારોબારી દિવસમાં TCSનું માર્કેટ કેપ ₹16,643 કરોડ વધીને ₹8.48 લાખ કરોડથી વધુ થયું. આ વૃદ્ધિ સાથે TCSના રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો.

આ ઉપરાંત ICICI બેન્કનું માર્કેટ કેપ ₹4,475 કરોડ વધ્યું, જ્યારે SBIની માર્કેટ વેલ્યુમાં આશરે ₹600 કરોડનો વધારો નોંધાયો. માર્કેટ કેપમાં ઘટાડા છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે નંબર-1 સ્થાને યથાવત રહી. ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, L&T, LIC અને HULનો ક્રમ રહ્યો.

આ પણ વાંચો : Jio Platformsના IPOને SEBIની મંજૂરી, ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થવાની શક્યતા

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.