મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે એફ એન્ડ કોન્ટ્રાક્ટની વિકલી એક્સપાયરી પહેલા રોકાણકારોએ આજે સાવચેતીનો સુર અપનાવતા ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો આજે આશરે 1 ટકા જેટલા ઘટીને બંધ રહ્યા હતા અને બજારમાં સતત બીજે દિવસે મંદી છવાઇ હતી. આજની મંદીની આગેવાની ઓટો, આઇટી અને મેટલ શેરોએ લીધી હતી.

પ્રારંભે 56 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં એકંદરે મંદીતરફી ચાલ જોવા મળી હતી અને લગભગ એક વાગ્યા પછી આ સુચકાંકોમાં અચાનક જ કડાકો બોલ્યો હતો. ઇન્ટ્રા ડેમાં 82,661ની હાઇ અને 81,523ની લો બનાવ્યા પછી સેન્સેક્સ સેશનના અંતે 823 પોઇન્ટ એટલે કે 1 ટકો ઘટાનો 81,691ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં કુલ 1,138 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી અને એક સમયે સેન્સેક્સ પાછલા બંધથી 992 પોઇન્ટ ઘટયો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 23 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,196ની હાઇ અને 24,825ની લો સપાટી બનાવી હતી અને ઇન્ટ્રા ડેમાં કુલ 371 પોઇન્ટની વધઘટને અંતે 253 પોઇન્ટ એટલે કે 1.01 ટકા ઘટીને 24,888ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી એક સમયે પાછલા બંધથી 316 પોઇન્ટ ઘટયો હતો. આમ દિવસને અંતે સેન્સેક્સે 82,000ની અને નિફ્ટીએ 25,000ની સપાટી ગુમાવી હતી. લાર્જ કેપ શેરોની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધુ મંદી જોવા મળી હતી અને સેન્સેક્સમાં 1 ટકાના ઘટાડા સામે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આશરે 1.50 ટકા જેટલા તૂટયા હતા.

બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 705 પોઇન્ટ એટલે કે 1.52 ટકા ઘટીને 45,827ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 749 પોઇન્ટ એટલે કે 1.38 ટકા ઘટીને 53,531ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ જો કે માત્ર 158 પોઇન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 1,03,870ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,151 શેર પૈકી 1,226 વધીને, 2,780 ઘટીને અને 145 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 449.68 લાખ કરોડ એટલે કે 5.26 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું. જે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.11 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના ત્રીસ પૈકી માત્ર ત્રણ જ શેર જ્યારે નિફ્ટીના 50 પૈકી સાત શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી બજાજ ફિનસર્વમાં 0.73 ટકાનો, એશિયન પેઇન્ટ્સમાં 0.43 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 0.34 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સ 2.89 ટકા, ટાઇટન 2.52 ટકા, એટર્નલ 2.28 ટકા અને પાવર ગ્રીડ 2.25 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીના શેરો પૈકી એપોલો હોસ્પિટલમાં 0.96 ટકાનો અને ડો. રેડ્ડીઝ લેબમાં 0.38 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટાઇટન અને ટ્રેન્ટ 2.62 ટકા, શ્રાીરામ ફાયનાન્સ 2.57 ટકા અને કોલ ઇન્ડિયા 2.51 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.54 ટકા વધીને ફરી 14ની ઉપર 14.02ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના મુખ્ય 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી હેલ્થકેર સિવાયના તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા.

FMCGજી શેરોમાં પણ સતત બીજા દિવસે મંદી । પાંચ દિવસની સતત તેજી પછી આજે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ડાબરમાં 3 ટકા, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટ્સ અને નેસ્લેમાં 2 ટકાનો અને એચયુએલ-ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સ તથા ઇમામીમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેરિકો અને આઇટીસી પણ 1 ટકા જેટલા ઘટયા હતા, જ્યારે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં 1.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઓનલાઇન ટિકિટ બુકિંગ, હોટલ શેરોમાં પણ મંદીનું મોજું । અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે આજે એરલાઇન્સ ઉપરાંત હોટલ ક્ષેત્રે કાર્યરત અને ઓનલાઇન ટિકિટ બુકિંગ કરતી કંપનીઓના શેરોમાં પણ મંદી જોવા મળી હતી અને આ શેરો 4 ટકા સુધી તૂટયા હતા. ઇક્સિગો અને થોમસ કુક ઇન્ડિયાના શેરમાં આજે ઇન્ટ્રા ડેમાં 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટીબીઓ ટેકમાં ત્રણ ટકા અને મહિન્દ્રા હોલિડેઝમાં 2.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઇઝ માય ટ્રીપ અને યાત્રી ઓનલાઇનના શેર પણ નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા.

ડિફેન્સ ઇન્ડેક્સ છેલ્લા પાંચ સેશન પૈકી ચારમાં ઘટયો । ઓપરેશન સિંદુર પછી ડિફેન્સ શેરોમાં જોવા મળેલા ભારે ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ આવતા છેલ્લા પાંચ સેશન પૈકી ચાર સેશનમાં ડિફેન્સ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાની આ ચાલ શરૂ થઇ તે પહેલા એક મહિનામાં મઝગાંવ ડોક્સ 17 ટકા વધ્યો હતો, જે પછી છેલ્લા પાંચ સેશનમાં આ શેર 5 ટકા જેટલો ઘટયો છે. આ સિવાયના અન્ય ડિફેન્સ શેરોમાં પણ આજે 3 ટકા સુધીનો ઘટાડો જોવા મલ્યો હતો. ઉલ્લેખનીય છે કે એપ્રિલથી અત્યાર સુધીમાં ડિફેન્સ ઇન્ડેક્સ 40 ટકા જેટલો વધ્યો છે.