આજે આઇટી શેરોમાં જોવા મળેલી આગઝરતી તેજી વચ્ચે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો સતત પાંચમાં સેશનમાં વધારા સાથે બંધ રહ્યા હતા.


એફએમસીજી શેરોમાં પણ આજે નોંધપાત્ર લેવાલી હતી, પરંતુ બેકિંગ અને ફાઇનાન્સિયલ તથા ફાર્મા શેરોમાં વેચવાલીના કારણે બજારમાં સુધારો સીમિત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલા 213 પોઇન્ટના વધારામાં એક માત્ર ઇન્ફોસીસનું યોગદાન 165 પોઇન્ટ હતું. આ આઇટી શેર આજે થયેલા 3.88 ટકા વધ્યો હતો. આ સાથે પાંચ સેશનની તેજીમાં સેન્સેક્સ 1,622 પોઇન્ટ એટલે કે 2.3 ટકા અને નિફ્ટી 563 પોઇન્ટ એટલે કે 2 ટકા વધ્યો છે. સતત પાંચ દિવસ બજારમાં જોવા મળેલી આ તેજી છેલ્લા બે મહિનામાં નોંધાયેલો સૌથી લાંબો તેજીનો દૌર છે.

પ્રારંભે 27 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,985ની હાઇ અને 81,494ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 491 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 213 પોઇન્ટ એટલે કે 0.26 ટકા વધીને 81,857ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી જોકે પ્રારંભે 15 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,088ની હાઇ અને 24,929ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 159ની વધઘટને અંતે નિફ્ટી 69 પોઇન્ટ એટલે કે 0.28 ટકા વધીને 25,000 પાર કરીને 25,050ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 179 પોઇન્ટ એટલે કે 0.39 ટકા વધીને 46,049ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 159 પોઇન્ટ એટલે કે 0.30 ટકા વધીને 53,180ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 663 પોઇન્ટ એટલે કે 0.61 ટકા વધીને 1,09,171 પર બંધ રહ્યો હતો.

બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,235 શેર પૈકી 2,343 વધીને, 1,725 ઘટીને અને 167 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 456.17 લાખ કરોડ એટલે કે 5.24 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 454.40 લાખ કરોડથી રૂ. 1.77 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 15 અને નિફ્ટીના 50 પૈકી 28 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી ઇન્ફોસીસ 3.88 ટકા, ટીસીએસ 2.69 ટકા, એચયુએલ 2.48 ટકા, એનટીપીસી 2.10 ટકા અને ટાટા સ્ટીલ 1.79 ટકા વધ્યો હતો, જ્યારે બીઇએલ 2.16 ટકા, બજાજ ફાઇનાન્સ 1.64 ટકા અને ટાટા મોટર્સ 1.49 ટકા ઘટયો હતો. નિફ્ટીના શેરો પૈકી નેસ્લે ઇન્ડિયા 2.55 ટકા અને ટેક મહિન્દ્રા 1.96 ટકા વધ્યો હતો, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ 1.64 ટકા ઘટયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.04 ટકા ઘટીને 11.79 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પરના 14 મુખ્ય સેક્ટરોલ ઇન્ડેક્સ પૈકી 6 વધીને જ્યારે 8 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી આઇટી 2.69 ટકા, એફએમસીજી 1.39 ટકા અને રિઆલ્ટી 1.06 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડિયા 1.98 ટકા, ફાર્મા 0.44 ટકા અને બેંક 0.30 ટકા ઘટયો હતો.


  • Follow us on: