ભારતના મોબાઇલ ધારકોને રાહત આપતા એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગે મોબાઇલ સેવાઓને પ્રિપેઇડમાંથી પોસ્ટ પેઇડ કે તેનાથી વિપરીત દિશામાં પરિવર્તિત કરવા માટેના નિયમો સરળ બનાવ્યા છે.
હવે ઓટીપી આધારિત પ્રક્રિયા હાથ ધરીને સેવામાં આવું પરિવર્તન સરળતાથી કરી શકાશે. આના કારણે પોતાના વપરાશની પેટર્નના આધારે વારંવાર પ્રિપેઇડમાંથી પોસ્ટ પેઇડ અને પોસ્ટ પેઇડમાંથી પ્રિપેઇડ સેવા લેવા માંગતા લાખો મોબાઇલધારકો આ પ્રકારનું પરિવર્તન આસાનીથી કરી શકશે.
10 જુન, 2025ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્રારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર આવી રીતે સેવામાં પરિવર્તન કરવા માટે અગાઉ 90 દિવસનો કુલિંગ ઓફ પિરિયડ હતો જે હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.
આનો અર્થ એ થાય છે કે અગાઉની જોગાવાઇ મુજબ કોઇ ગ્રાહક ઉદાહરણ તરીકે જો પ્રિપેઇડ સેવામાંથી પોસ્ટ પેઇડ સેવામાં પરિવર્તિત થાય તો તેને આ સેવા ઓછામાં ઓછા 90 દિવસ માટે ચાલુ રાખવી પડતી હતી, પરંતુ હવે તે 30 દિવસ પછી પાછું સેવામાં પરિવર્તન કરાવી શકશે. જોકે આવી સેવા 30 દિવસમાં ફરી પરિવર્તિત કરવામાં આવે તે પછી ફરીથી આ ગ્રાહક પાછી એ જ સેવા લેવા માંગતો હોય તો તેને 90 દિવસની સમયમર્યાદા લાગુ પડશે.
ગ્રાહક ટેલિકોમ કંપનીના ઓથોરાઇઝડ આઉટલેટમાં જઇને કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરીને સેવામાં આ પ્રકારે પરિવર્તન કરાવી શકશે.