ભારતની ટોચની ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટર્સના હોલ્ડિંગમાં 2021થી અત્યાર સુધીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બજારમાં જોવા મળેલી તેજીનો લાભ લઇને રોકડી કરવા અને બદલાતી સ્થિતિમાં માલિકીની પેટર્નમાં બદલાવ કરવાના આશયથી પ્રમોટર્સે હિસ્સો ઘટાડયો હોવાનું નિષ્ણાતો માને છે. દેશની ટોચની 200 ખાનગી કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો માર્ચ, 2021ની સ્થિતિએ 43 ટકા હતો, જે માર્ચ, 2025ના અંતે 600 બેસિસ પોઇન્ટ ઘટીને 37 ટકા થઇ ગયો છે. પ્રમોટર્સે મોટા ભાગે બ્લોક ડિલથી હિસ્સો વેચ્યો છે અને આ હિસ્સાની ખરીદી કરવામાં મ્યુચ્યુઅલ ફંડો અગ્રેસર રહ્યા છે એવી માહિતી ડેટાના આધારે પ્રાપ્ત થાય છે.
2021થી 2025ના સમયગાળામાં આ 200 કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગ 360 બેસિસ પોઇન્ટ વધીને 10.9 ટકા થયું છે, જે માર્ચ, 2021માં 7.3 ટકા હતુ. આની તુલનાએ એફપીઆઇનું હોલ્ડિંગ 420 બેસિસ પોઇન્ટ ઘટીને 20.2 ટકા થયું છે, જે અગાઉ 24.4 ટકા હતું. રિટેલ ઇન્વેસ્ટર્સનું આ કંપનીઓનું હોલ્ડિંગ પણ આ સમયગાળામાં 7.8 ટકાથી ઘટીને 7.7 ટકા થયું છે, જ્યારે અન્ય કેટેગરીમાં આવતા રોકાણકારોએ આ જ સમયગાળામાં હોલ્ડિંગ 17.3 ટકાથી વધારીને 23.8 ટકા કર્યું છે.
