ચીને એપ્રિલ મહિનામાં રેર અર્થ મેગ્નેટની નિકાસ પર નિયંત્રણો લાદ્યા તેને પગલે ઓટો ઉત્પાદન અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી ટ્રેક્શન મોટરના તથા પાવર સ્ટિઅરિંગ સિસ્ટમના ઉત્પાદનમાં વપરાતા રેર અર્થ મેગ્નેટનો ભારતમાં ઉપલબ્ધ જથ્થો જુલાઇ મહિના મધ્ય ભાગ સુધીમાં ખલાસ થઇ જાય એવી શક્યતા રેટિંગ એજન્સી ઇકરાએ વ્યક્ત કરી છે.
આના કારણે આ મેગ્નેટ વાપરતી તમામ ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓનું ઉત્પાદન ખોરંભે પડે એવી શક્યતા છે. ભારતની રેર અર્થ મેગ્નેટની કુલ આયાતમાંથી 85 ટકા આયાત ચીનમાંથી થાય છે. ચીને એપ્રિલ મહિનામાં રેર અર્થ મેગ્નેટની નિકાસ માટે લાયસંસિગ માટેના નવા નિયમો અમલી બનાવ્યા હતા અને ચકાસણી કરવાની પ્રક્રિયા પણ વધુ જટિલ બનાવી હતી. જેના કારણે ભારતમાં થતી નિકાસના શિપમેન્ટમાં નોંધપાત્ર વિલંબ થયો છે.
ઉલ્લેખનીય છે કે ભારતે 2024-25માં ચીનમાંથી ભારતે 200 મિલિયન ડોલરના રેર અર્થ મેગ્નેટની આયાત કરી હતી. મૂલ્યની દ્રષ્ટિએ આ આંકડો નાનો છે, પંરતુ આ ખનીજ ઓટો અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં જે મહત્ત્વ ધરાવે છે અને ભારત આ ખનીજની જરૂરિયાત સંતોષવા માટે ચીન પર મોટા પાયે નિર્ભર છે તે બાબત હવે ચીને નિકાસ પર નિયંત્રણો લાદતા એક ચિંતાનો વિષય બની ગઇ છે.
ચીન નિકાસ પરના નિયંત્રણો હટાવવા માટે ભારત સાથે વાટાઘાટો કરવા તૈયાર
ઓટોમોબાઇલથી લઇને સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વના ગણાતા રેર અર્થ મેગ્નેટના વૈશ્વિક વેપારમાં હાલમાં જે અંતરાય ઊભો થયો છે તેને દુર કરવાના આશયથી ભારત અને ચીન બન્નેએ ગુરુવારે આ અંગે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ખનીજની નિકાસ પર ચીને એપ્રિલ મહિનામાં નિયંત્રણો લાદ્યા તે પછી ભારત સહિતના વિશ્વભરના સંખ્યાબંધ ક્ષેત્રના ઉત્પાદકો પર તેની વિપરીત અસર થઇ છે, ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ચીન આ ખનીજની વૈશ્વિક સપ્લાય ચેઇન ફરી મજબૂત બને તે માટે ચીન વિવિધ દેશો સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે.
રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે
વિશ્વમાં રેર અર્થ મેગ્નેટના ખનનમાં ચીનનો હિસ્સો 60 ટકા છે, પરંતુ આ મેગ્નેટ પર જે પ્રોસેસ કરવાની પ્રક્રિયા છે તેની કુલ વૈશ્વિક ક્ષમતામાં ચીનનું યોગદાન 90 ટકા જેટલું છે. ભારત રેર અર્થના રિઝર્વની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે પરંતુ તેનું કુલ ઉત્પાદન ઘણું જ ઓછું છે. ભારતમાં 2024માં રેર અર્થના ઉત્પાદનનો આંકડો માત્ર 2,900 ટન હતો.