ખાદ્ય પદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડાને પગલે મે મહિનામાં ભારતમાં રિટેલ ફુગાવાનો દર 2.82 ટકા નોંધાયો છે, જે નવેમ્બર, 2019 પછીની એટલે કે છેલ્લા 75 મહિનાની સૌથી નીચી સપાટી છે.

અગાઉ એપ્રિલ મહિનમાં આ દર 3.16 ટકાની 68 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે સતત ચોથા મહિનામાં રિટેલ ફુગાવાનો દર આરબીઆઇને સરકારે આપેલા 4 ટકાના ઇચ્છિત સ્તરથી નીચે રહ્યો છે. ખાદ્ય પદાર્થોમાં ફુગાવાનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌપ્રથમ વાર 1 ટકાથી નીચે જતાં રિટેલ ફુગાવાનો દર આટલો ઘટયો છે. આ સાથે સતત ત્રીજા મહિનામાં ખાદ્ય પદાર્થોમાં ફુગાવાનો દર 3 ટકાથી નીચે રહ્યો છે. જોકે મે મહિનામાં મિલ્ક ઇન્ફ્લેશનનો દર 3.15 ટકા નોંધાયો છે, જેની તુલનાએ એપ્રિલમાં આ દર 2.72 ટકા હતો. ખાદ્યતેલના ઇન્ફ્લેશનનો દર પણ આવી જ રીતે વધીને 17.9 ટકાની 38 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. બીજી તરફ ફળોમાં ફુગાવાનો દર 13.9 ટકાથી ઘટીને 12.7 ટકા થયો છે.