યુએસ ફેડરલ રિઝર્વ આજે મોડી રાત્રે સ્પિચ આપવાના છે અને તે દરમિયાન યુએસમાં સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે કે કેમ તેનો સંકેત મળનાર હોવાથી આજે ફોરેક્સ ટ્રેડર્સે સાવચેતીનો સુર અપનાવતા યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો સતત ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યો હતો.
આજે રૂપિયામાં 8 પૈસાનો ઘટાડો નોંધાયો હતો અને તે 87.35ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગઇકાલના 87.27ના બંધ ભાવની તુલનાએ આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 10 પૈસા ઘટીને 87.37ની સપાટીએ ખુલ્યો હતો અને સાંકડી વધઘટ પછી અંતે 8 પૈસા ઘટીને 87.35ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયો 2.15 ટકા અને ચાલુ કેલેન્ડર વર્ષમાં 2.02 ટકા ઘટયો છે. જોકે સાપ્તાહિક ધોરણે રૂપિયો 30 પૈસા એટલે કે 0.34 ટકા વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં રૂપિયો અત્યાર સુધીમાં 23 પૈસા એટલે કે 0.26 ટકા વધ્યો છે. દરમિયાન આજે છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની મજબુતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.05 ટકા વધીને 98.67 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રુડ 0.12 ટકા ઘટીને પ્રતિ બેરલ 67.59 ડોલર પર પહોંચ્યુ હતું. ડબ્લ્યુટીઆઇ ક્રુડ પણ 0.11 ટકા ઘટીને પ્રતિ બેરલ 63.45 ડોલર પર પહોંચ્યું હતું.