ઇઝરાયેલે ઇરાન પર વહેલી સવારે હુમલો કરતા અને આના પગલે મિડલ ઇસ્ટમાં ટેન્શન વધતાં ક્રૂડના ભાવમાં અચાનક જ 11 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આની સીધી અસરરૂપે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો પણ 86થી નીચે જઇને બે મહિનાની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેશનના અંતે રૂપિયો 49 પૈસા ઘટીને 86.09ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગુરુવારે 85.60ની સપાટીએ બંધ રહ્યા પછી આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 65 પૈસા તૂટીને સીધો 86.25ની સપાટીએ ખુલ્યો હતો, જે તેની ઇન્ટ્રા લો સપાટી રહી હતી. આ સપાટી 11 એપ્રિલ, 2025 પછીની સૌથી નીચી સપાટી છે. જે પછી ઇન્ટ્રા ડેમાં રૂપિયાએ 85.92ની હાઇ સપાટી બનાવી હતી અને સેશનના અંતે રૂપિયો 49 પૈસા ઘટીને 86.09ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયામાં જોવા મળેલા આવા નોંધપાત્ર ધોવાણ માટે ઇક્વિટી બજારમાં મંદી, એફઆઇઆઇની વેચવાલી અને ડોલરમાં મજબૂતાઇ જેવા પરિબળો પણ જવાબદાર છે.

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ રૂપિયો સેશનના પ્રારંભે જ 65 પૈસા તૂટયો તે પછી આરબીઆઇએ દરમિયાનગીરી કરતા તેમાં સુધારો જોવા મળ્યો હતો અને રૂપિયામાં એક સમયે આ ઘટયા મથાળેથી 33 પૈસાનો સુધારો આવ્યો હતો અને દિવસને અંતે પણ તે આ મથાળાથી 16 પૈસા સુધરીને બંધ રહ્યો હતો.

દરમિયાન છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.33 ટકા વધીને 98.24ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે બ્રેન્ટ ક્રૂડ 7.27 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 74.40 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું.

ફોરેક્સ રિઝર્વ 5.7 અબજ ડોલર વધીને 696.66 અબજ ડોલરની સપાટીએ

6 જુનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 5.17 અબજ ડોલર વધીને 696.66 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. આ અગાઉ 30મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં આ રિઝર્વ 1.2 અબજ ડોલર ઘટીને 691.5 અબજ ડોલર થયું હતું. સપ્ટેમ્બર, 2024માં આ રિઝર્વ 704.88 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ફોરેન કરન્સિ એસેટ્સ 3.47 અબજ ડોલર વધીને 587.69 અબજ ડોલર થઇ હતી, જ્યારે ગોલ્ડ રિઝર્વ 1.5 મિલિયન ડોલર વધીને 85.88 અબજ ડોલર થયું હતું, એવી માહિતી આરબીઆઇએ જારી કરેલા આંકડા પરથી મળે છે.