આગલા અઠવાડિયે 97.85 બંધ રહેલ ડોલર ઇન્ડેક્સમાં પચીસ બેઝિસ પોઇન્ટ જેટલા સાધારણ સુધારા છતાં ડોલર ભાવે સોનામાં સોમ, મંગળ અને બુધવારના ત્રણ સેશન્સમાં જ પોણા ચાર ટકાનો સુધારો નોંધાયો.

ડોલર ઇન્ડેક્સ વધે ત્યારે સામાન્ય રીતે સોનામાં ઘટાડો આવે. પરંતુ, અહીં આપણે પોણા ચાર ટકા જેટલો મોટો સુધારો જોઈ રહ્યા છીએ. તે દર્શાવે છે કે સોનામાં મોટા ખરીદદારોની લેવાલી ધીમી નથી પડી. ઉલ્ટાનું નવી લેવાલી શરૂ થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે યુ.એસ. સ્પોટમાં સોનું 3,300થી 3,500 ડોલરની એક રેન્જમાં વીસ અઠવાડિયા ઘૂંટાતું રહ્યું હતું અને વીતેલું અઠવાડિયું એકવીસમું અઠવાડિયું હતું. આથી જ આપણે આગલા અઠવાડિયે આ કોલમમાં જણાવ્યું હતું કે સોનું 3,500 ડોલરની ઉપરના ભાવે ચાલવા માંડે તો તેજીનો બીજો તબક્કો શરૂ થયો હોવાનું માનવાનું રહે. અગાઉ માર્ચ 2025થી એપ્રિલ 2025ના માત્ર તેર મહિનામાં સોનું 2,000 ડોલરથી વધીને 3,500 ડોલર પહોંચ્યું હતું. આમ, તેર મહિનામાં પંચોતેર ટકાનો અધધ ઉછાળો જોવાયો. સાથે એ પણ ધ્યાને લેવું રહ્યું કે યુ.એસ. સ્પોટમાં સોનામાં 2,000 ડોલરનો ભાવ છેક વર્ષ 2011માં જોવા મળ્યો હતો અને ત્યારથી સોનું ખૂબ લાંબાગાળાનું રાઉન્ડિંગ બોટમ બનાવી રહ્યું હતું. એટલે લગભગ તેર વર્ષ ઘૂંટાયા પછી સોનાએ તેર મહિના તરખાટ મચાવ્યો. પછી પાંચ મહિના શાંત રહ્યું અને હવે ફ્રી તોફાની થયું છે. એટલે હાલનો ઉછાળો ક્ષણભંગુર કે હંગામી પ્રકારનો હોવાનું માનવાની ભૂલ કરવા જેવી નથી. સાપ્તાહિક ધોરણે યુ.એસ. સ્પોટમાં 3.96 ટકા અને એમ.સી.એક્સ. 05 ડિસેમ્બરની એક્સ્પાયરી વાળા વાયદામાં 3.76 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. યુ.એસ. સ્પોટમાં 3,586ના સાપ્તાહિક બંધ સાથે સોનાએ તેજીના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અગાઉ આ કોલમમાં ચર્ચા કરી છે તે ફ્રી યાદ કરીએ તો, વર્ષ 2011થી 2023 સુધી ડોલર ભાવે સોનું 2,000થી 1,100 અને ફ્રી 2,000 આવ્યું હોવા છતાં ભારતીય બજારમાં સોનાના ભાવો કરન્સીના ઘસારાને આભારી સતત વધતાં જ રહ્યા છે. એટલે કે, વૈશ્વિક બજારમાં સોનું ઘટયું ત્યારે પણ ભારતીય બજારમાં સોનાના ભાવો વધતા રહ્યા હતા ને હાલ વૈશ્વિક બજારમાં સોનાની તેજીનો બીજો તબક્કો શરૂ થયો છે.

ચાંદીમાં કરેક્શનની સંભાવના,ગોલ્ડ-સિલ્વર રેશિયો નિર્ણાયક

છેલ્લા ચાર અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા હતા કે ચાંદી સોનાને આઉટપરફેર્મ કરી રહી હતી. હવે, સોનામાં નવો ફૂંફાડો જોવા મળ્યો છે. ત્યારે ચાંદી થોડીક નરમ પડતી જણાય છે. માસિક ચાર્ટ પર જોઈએ તો ચાંદી ઓવરબોટ ઝોનમાં આવતી હોય અને એકાદ નાનકડાં કરેક્શનની સંભાવના પ્રબળ બની રહી છે. જોકે, વીતેલા અઠવાડિયાના ભાવો જોતા તો ચાંદીએ પોતાનું આઉટપરફેર્મન્સ જાળવી રાખ્યું છે. સોમથી બુધ દરમિયાન સોનાના પોણા ચાર ટકાના ઉછાળા સામે ચાંદીએ ડોલર ભાવે સાડા ચાર ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. પરંતુ, શુક્રવારે ચાંદી સોના સાથે કદમ મિલાવી શકી નથી. સાપ્તાહિક ધોરણે યુ.એસ. સ્પોટમાં ચાંદી 3.3 ટકાના સુધારે, જ્યારે 05 ડિસેમ્બર એક્સ્પાયરીવાળો એમ.સી.એક્સ વાયદો 2.31 ટકાના સુધારે બંધ રહ્યો છે. સરકારે જી.એસ.ટી. દરોમાં કરેલા બદલાવને પગલે ચાંદીમાં સુધારો ધીમો રહ્યો. બીજી તરફ્, ભાવો ઓવરબોટ ઝોનમાં આવેલા જણાય છે અને તેથી કરેક્શનની શક્યતા નકારી શકાય નહીં. આવું કોઈક કરેક્શન જોવા મળે તો ચાંદી ત્યારે રોકાણનો શ્રોષ્ઠ વિકલ્પ બને. હાલ ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો જોઈએ, તો 3,580 / 50.97 મુજબ આ રેશિયો 87 નો માની શકાય. વાચકમિત્રોને ધ્યાન હશે કે હાલ જયારે જયારે આ રેશિયો 90ની પાર પહોંચે છે, ત્યારે ત્યારે ચાંદી રોકાણ માટે આકર્ષક બને છે. એ ન્યાયે, જો સંભવિત કરેક્શન ખરેખર જોવા મળે, તો આ રેશિયો ધ્યાને રાખવાનો રહે.

ક્રૂડમાં બે દિવસમાં ત્રણ ટકાથી વધુની તેજી પછી ત્રણ દિવસમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો

વીતેલા અઠવાડિયે ક્રૂડમાં ફ્રી ટ્રમ્પ ઇફેક્ટ જોવા મળી. પહેલા બે દિવસ દરમ્યાન ટ્રમ્પ કોઈ નવું પગલું લેશે એવી દહેશતે ભાવો ત્રણ ટકાથી વધુ વધ્યા. પણ, એવી કોઈ જાહેરાત ન થતાં તેજી પાછી પડતી જોવા મળી અને ભાવો ત્રણ દિવસમાં પાંચ ટકાથી વધુ ગગડયા. સરવાળે, યુ.એસ. ક્રૂડ દોઢ ટકા જેટલા ઘટાડે બંધ રહ્યું. બીજી તરફ્ નેચરલ ગેસમાં ક્રૂડથી ઊંધું, શરૂઆતના બે દિવસના ઘટાડા બાદ ત્રણ દિવસ ભાવો સુધારા તરફી રહ્યા. આ અઠવાડિયે ત્રણ ડોલરની ઉપરના ભાવે બંધ રહેતાં, તેમાં ફ્રી તેજીની આશા રાખી શકાય.