કોઈ વ્યક્તિ જ્યારે અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવા ઈચ્છુક હોય ત્યારે, તેણે સક્ષમ સત્તાવાળા પાસેથી અશાંતધારા અન્વયે પૂર્વપરવાનગી મેળવવી જોઈશે.
સંબંધિત વ્યક્તિ પાસેથી અરજી મળવા ઉપર કલેક્ટરે મુંબઈ જમીન મહેસૂલ સંહિતા વડે નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને સંબંધિત અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લીધા બાદ તેઓએ એ બાબતનો નિર્ણય કરવો જોઈશે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઈરાદો રાખનાર તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ, તે પાસાઓને તપાસ્યા વિના અને કોઈ કિસ્સામાં માત્ર કોર્ટ સમક્ષ અરજી યા દાવો પડતર હોવાના આધારે વેચાણ પરવાનગીની અરજી નામંજૂર કરી શકાય નહીં. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અલી એન્ટરપ્રાઈઝીસ વિરુદ્ધ સ્ટેટ ઓફ્ ગુજરાત, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. : 6380/2018 ના કામે તા. 28-11-2018 ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે. આ કેસમાં અરજદારોએ વર્ષ 2013માં પ્રશ્નવાળી મિલકત ખરીદી હતી અને તે સમયે, બચાવકર્તા નં. 3 પાસેથી અશાંતધારાની કલમ 5 હેઠળ પરવાનગી મેળવવામાં આવી હતી. જો, બચાવકર્તા નં. 3 દ્વારા પસાર તા. 16-05-2013નાં રોજનો હુકમ કાળજીપૂર્વક તપાસવામાં આવે તો, એ બાબત સ્પષ્ટ થાય છે કે, પરવાનગી આપતી વખતે ચોક્કસ શરતો બચાવકર્તા નં.3 દ્વારા લાદવામાં આવી હતી. શરતો પૈકીની એક એ છે કે, કથિત પરવાનગી આ કોર્ટ સમક્ષ પડતર એવી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 1226/2011 ના પરિણામને આધીન મંજૂર કરવામાં આવે છે. જો કે, એ નોંધવું સુસંગત છે કે, હવે અરજદારો પ્રશ્નવાળી મિલકતનું વેચાણ કરવા માગે છે અને જ્યારે બચાવકર્તા નં. 3 ની પરવાનગી માગવામાં આવી છે ત્યારે, તેઓએ એવા આધાર ઉપર તે પરવાનગીનો ઈનકાર કર્યો છે કે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 1226/2011 આ કોર્ટ સમક્ષ પડતર છે અને જ્યાં સુધી કથિત અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી પરવાનગી મંજૂર કરી શકાય નહીં. આ કોર્ટ એવો મત ધરાવે છે કે, સક્ષમ અધિકારી દ્વારા નોંધવામાં આવેલ આવું કારણ ભૂલ ભરેલું છે અને રદ તેમજ સેટ-એસાઈડ કરવા લાયક છે.
(8) આ તબક્કે, અશાંતધારાની કલમ 5 માં સમાવિષ્ટ જોગવાઈઓનો સંદર્ભ લેવો પણ જરૂરી છે, જે નીચે મુજબ વંચાય છેઃ
(5) (1) જે તે સમયે પ્રચલિત અન્ય કોઈપણ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, પરંતુ પેટા-કલમ (3) ની જોગવાઈને આધીન, આ અધિનિયમ અમલી બન્યાની તારીખથી શરૂ થતાં અને 31 માર્ચ, 1987નાં રોજ સમાપ્ત થતાં સમયગાળા દરમિયાન, કલેક્ટરની પૂર્વપરવાનગી સાથે કરવામાં આવે તે સિવાય, અશાંત વિસ્તારમાં આવેલ કોઈપણ સ્થાવર મિલકતની તબદીલી કરી શકાશે નહીં.
(2) પેટા-કલમ (1) નો ભંગ કરીને કરવામાં આવેલ કોઈપણ સ્થાવર મિલકતની તબદીલી વ્યર્થ અને રદબાતલ ગણાશે.
(3)(બી) અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવાનો ઈરાદો ધરાવનાર કોઈપણ વ્યક્તિની અરજી મળ્યેથી, કલેક્ટરે મુંબઈ જમીન મહેસૂલ સંહિતા, 1879 વડે નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ રજૂ કરવામાં આવેલ કોઈ પુરાવાને ધ્યાને લીધા બાદ એ બાબતનો નિર્ણય કરશે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઈરાદો રાખનાર તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ અને તે મુજબ,- 1. અરજી નામંજૂર કરી શકશે, અથવા 2. સ્થાવર મિલકતની પ્રસ્તાવિત તબદીલીને લેખિતમાં હુકમ કરીને પૂર્વપરવાનગી આપી શકશે.'
ઉપરોક્ત જોગવાઈ ઉપરથી એ બાબત સ્પષ્ટ છે કે, કોઈ વ્યક્તિ જયારે અશાંત વિસ્તારમાં આવેલ સ્થાવર મિલકતની તબદીલી કરવા ઈચ્છુક હોય ત્યારે, તેણે અશાંતધારા અન્વયે સક્ષમ સત્તાવાળા પાસેથી પૂર્વપરવાનગી મેળવવી જોઈશે. અશાંતધારાની કલમ 5(3)(બી) માં વધુમાં જણાવવામાં આવેલ છે કે, સંબંધિત વ્યક્તિ પાસેથી અરજી મળવા ઉપર કલેકટરે મુંબઈ જમીન મહેસૂલ સંહિતા વડે નિર્દિષ્ટ પદ્ધતિમાં ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને સંબંધિત અરજદારને સુનાવણીની તક આપ્યા બાદ તેમજ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લીધા બાદ તેઓએ એ બાબતનો નિર્ણય કરવો જોઈશે કે, શું સ્થાવર મિલકતની તબદીલીનો પ્રસ્તાવ તબદીલ કરવાનો ઈરાદો રાખનાર તેમજ તબદીલીથી લેનાર વ્યક્તિઓ દ્વારા મુક્ત સંમતિથી આપવામાં આવ્યો છે કે કેમ તેમજ જેને તબદીલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તે, સ્થાવર મિલકતની વાજબી કિંમત બદલ છે કે કેમ. આ તમામે તમામ પાસાઓને તપાસ્યા વિના અને માત્ર કોર્ટ સમક્ષ અરજી પડતર હોવાના આધારે વેચાણ પરવાનગીની અરજી નામંજૂર કરી શકાય નહીં.