1962ના વર્ષમાં ભારતની પાર્લામેન્ટને 'કસ્ટમ્સ એક્ટ, 1962' બનાવી તેનો અમલ શરૂ કર્યો. તેનાં પહેલાં 'સી કસ્ટમ્સ એક્ટ, 1878' જે બ્રિટિશ રાજ દ્વારા બનાવેલો, તે અમલમાં હતો.

Sea Customs એક્ટના બદલે અમલમાં લેવાયેલ કસ્ટમ એક્ટ, 1962 આજે પણ અમલમાં છે, જીએસટીનો કાયદો લવાયા છતાં કસ્ટમ એક્ટ ભારતમાં થતાં આયાત-નિકાસ માટે અમલમાં છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વ્યાપ ઉત્તરોત્તર વધતો જવાને કારણે આ કાયદાનું મહત્ત્વ વધતું ગયું છે, અને એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ પોલિસી એસ.ઇ.ઝેડ. એક્ટ વગેરે કાયદાઓ માટે પણ કસ્ટમ એક્ટ પૂરક હોવાથી તેનું મહત્ત્વ વધતું ગયું છે. કસ્ટમ ડયૂટીની સરકારની આવક પણ ઘણી છે, અને તેને કારણે કસ્ટમ અધિકારીઓ આ કાયદાનો ચુસ્તપણે અમલ કરે અને સરકારની આવક વધારવાના પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે. પરંતુ આ કાયદાના અમલના નામે નાગરિકોની હેરાનગતીના કિસ્સા વારંવાર ધ્યાનમાં આવે છે. આ કાયદા હેઠળ થતી તપાસની કાર્યવાહી અને આ તપાસ ક્યારે વાજબી ગણાય અને તપાસ દરમિયાન નાગરિકો કયા પ્રકારના રક્ષણને પાત્ર છે તે જાણવું જરૂરી છે, જેથી તપાસ કે જપ્તિ દરમિયાનની ગેરવાજબી કાર્યવાહી અને પગલા સામે વિરોધ નોંધાવી શકાય.

કસ્ટમ અધિકારી પોલીસ અધિકારી નથી

કસ્ટમના અધિકારીઓને તપાસ, નિવેદન લેવાના, માલ કે પ્રિમાઇસીસ જપ્ત કરવાના અને અટક (ધરપકડ) કરવાની સત્તા કસ્ટમ એક્ટ હેઠળ આપવામાં આવી છે અને આ સંદર્ભે ના. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે કસ્ટમ ઓફિસર એ પોલીસ નથી અને પોલીસને ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળ અપાયેલી સત્તા કરતાં કસ્ટમ એક્ટ હેઠળની સત્તા નિવેદન લેવાની અને નિવેદન ઉપર જે તે વ્યક્તિના હસ્તાક્ષર લેવાની બાબતે વિશાળ છે. પોલીસ અધિકારીઓ કસ્ટમના ઓફિસરને મદદ કરવા બંધાયેલા છે, પણ પોલીસ કસ્ટમની બાબતે સ્વતંત્ર રીતે તપાસ કે અન્ય કાર્યવાહી ન કરી શકે. કસ્ટમ અધિકારીઓની આ વિશાળ સત્તા અને હકુમત બાબતની કાયદાની કલમો કેવી રીતે પોલીસની સત્તાથી ભિન્ન છે તે સમજવું જરૂરી છે.

કસ્ટમ એક્ટનું ચેપ્ટર 13

ચેપ્ટર 13માં કલમ 100થી કલમ 110એ નો સમાવેશ થાય છે અને આ કલમો હેઠળ તપાસ, જપ્તિ અને ધરપકડને લગતી બધી જ બાબતોને આવરી લેવાઈ છે. આ બધી જ સત્તાનો ઉપયોગ યોગ્ય અધિકારીને (પ્રોપર ઓફિસર) લાગે કે કોઈ પણ વ્યક્તિએ ગુનાઇત પ્રવૃત્તિ કે કસ્ટમના કાયદાનું ઉલ્લંઘન કરેલ છે, તો તેવી વ્યક્તિ અને તેની સંપત્તિ (એટલે કે માલ, મિલકત) બાબતે કરી શકાય છે. કલમ 100 હેઠળ ભારતમાં પ્રવેશ કરતી અથવા ભારતમાંથી બહાર જતી વ્યક્તિ બાબતે અધિકારીને લાગે કે તેણે કોઈ જપ્તિને પાત્ર માલ છુપાવ્યો છે તો તેની જાત તપાસ (સર્ચ) થઈ શકે છે. સોનું, હીરા, સોના કે હીરાના દાગીના, ઘડિયાળ અને સરકાર નોટિફિકેશન દ્વારા જાહેર કરે તે માલ કોઈ વ્યક્તિએ છુપાવ્યો હોવાની શંકાના આધારે પણ કોઈ પણ વ્યક્તિની જાત તપાસ થઈ શકે છે.

તપાસ દરમિયાન વ્યક્તિના અધિકાર

કલમ 102 હેઠળ જે વ્યક્તિની તપાસ કરવાની હોય તેના અધિકાર બાબતે જણાવ્યું છે કે આવી વ્યક્તિ અધિકારીને કહી શકે છે કે તેની તપાસ કોઈપણ ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટની હાજરીમાં થવી જોઈએ, અને આ સંજોગોમાં તપાસ કરવા માગતા કસ્ટમ અધિકારીની ફરજ છે કે તેણે આ વ્યક્તિને તરત જ, જરાપણ મોડુ કર્યા વગર, કસ્ટમના ગેઝેટેડ ઓફિસર કે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવી અને તેમની હાજરીમાં તપાસ કરવી. કસ્ટમ અધિકારીએ પણ ફરજ છે કે આવી કોઈપણ તપાસ બે અથવા વધુ વ્યક્તિઓની હાજરીમાં કરવી, અને આ પ્રમાણે બે કે વધુ સ્વતંત્ર સાક્ષીઓેની ઉપસ્થિતિમાં જ કોઈપણ વ્યક્તિની જાત તપાસ કરવી. સ્ત્રીની જાત તપાસ સ્ત્રી અધિકારી જ કરી શકે છે. જો કોઈ વ્યક્તિએ શરીરની અંદર સોનું, હીરા, દાગીના અથવા આ પ્રકારની અન્ય ચીજવસ્તુઓ છુપાવવાની શંકા હોય, તો કલમ 103 હેઠળ પ્રોપર ઓફિસરે આ વ્યક્તિને જરા પણ મોડું કર્યા વગર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડશે અને મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે આ વ્યક્તિને એક્સ-રે અથવા મેડિકલ સ્ક્રીનીંગમાં મોકલવાની જરૂર છે, કે અધિકારીની શંકા પાયા વગરની છે અને તેથી આવી વ્યક્તિને તરત જ છોડી મુકવાનો હુકમ કરવો. મેજિસ્ટ્રેટને જરૂરી લાગે તો રેડિયોલોજિસ્ટ કે અન્ય એક્સ્પર્ટ દ્વારા તપાસ કરવાનો હુકમ કરી શકાય છે.

ધરપકડની સત્તા

કલમ 104 હેઠળ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા પ્રિન્સિપાલ કમિશનર કે કમિશનર કસ્ટમ દ્વારા હુકમ કરીને કસ્ટમના અન્ય અધિકારીઓને આપવામાં આવેલ છે. જો અધિકૃત ઓફિસરને લાગે કે કોઈ વ્યક્તિએ કસ્ટમ એક્ટ હેઠળ ગુનો કર્યો છે, તો એ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે, અને આવી વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ રજૂ કરવાની ક્રિમીનલ પ્રોસિજર કોડની જોગવાઈ કસ્ટમ એક્ટ હેઠળની ધરપકડમાં પણ લાગુ પડે છે. ધરપકડની સત્તા વિશાળ છે અને તેનો દુરુપયોગ વારંવાર થતો જોવામાં આવ્યો છે, એટલે આ કલમ હેઠળના નાગરિકોના અધિકારો અંગેની જાણકારી જરૂરી છે. જો કોઈ વ્યક્તિએ ખોટું (exemption) ડિક્લેરેશન, દસ્તાવેજ કે નિવેદન આપ્યું હોય તો ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કસ્ટમ અધિકારીની તપાસમાં બાધા નાખે કે જાણી જોઓઈને અડચણ ઊભી કરે, તો તેની ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ ડયૂટીનું ઇવેઝન કર્યું હોય, અથવા કોઈ માલ બાબતે મિલડિક્લેરેશન કર્યું હોય તો તેની ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ માલની દાણચોરી (સ્મગલિંગ)માં સંડોવાયેલ હોવાની અધિકૃત ઓફિસરને વાજબી કારણ હોય તો તેની ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ડ્રોબેક, કરમુક્તિ (exemption) કે કોઈ લાભ જે કાયદેસર મળવાપાત્ર ન હોય તે લઈ લે, તો તેની ધરપકડ થઈ શકે છે. આ બધી બાબતમાં શરત એ છે કે અધિકારીને 'વ્યાજબી કારણ' (એટલે કે reason to believe) હોય કે કોઈ વ્યક્તિ ઉપરોક્ત બાબતમાં સંડોવાયેલ છે તો આમ માનવાના વાજબી કારણના આધારે ધરપકડ થઈ શકે છે. હવે આ વ્યાજબી કારણ એ ખૂબ વિશાળ અને ચોક્કસ વ્યાખ્યા વગરનો શબ્દ છે અને વ્યાજબી કારણ વગર ધરપકડનો હુકમ કરનાર અધિકારીને કોઈ સજા થતી નથી, અને સજા કરવાની કોઈ જોગવાઈ પણ કસ્ટમ એક્ટમાં નથી. આ કારણથી ધરપકડની ધમકી અને ધરપકડ કરવાના હુકમ કરી આ જોગવાઈનો દુરુપયોગ થવાના કિસ્સા બનતાં રહે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો