કુદરતી ન્યાયનો પાયાનો સિદ્ધાંત છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વ્યક્તિને સાંભળવાની તક આપવી જોઇએ. લેટીન ભાષામાં *Audi alteram partem* કહે છે એટલે કે 'બીજી બાજુ પણ સાંભળો.' GST કાયદાની કલમ 75(4) માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે વેરા કે દંડને પાત્ર કોઈ વ્યક્તિ દ્વારા સુનાવણીની તક આપવા લેખિત વિનંતિ કરવામાં આવી હોય અથવા કોઈ વ્યક્તિ વિરુદ્ધ કોઈ નિર્ણય કરવાનું ધાર્યું હોય ત્યારે તેવી વ્યક્તિને સાંભળવાની તક આપવામાં આવશે. કલમ 169માં કાયદા કે નિયમો હેઠળના નિર્ણય, આદેશ, સમન્સ, નોટિસ કે સંદેશાવ્યવહાર બજાવવાની પદ્ધતિ ઠરાવવામાં આવી છે. ઘણી વખત એવું બનતુ હોય છે કે કરદાતાને પોર્ટલ પર બજાયેલ નોટિસની જાણ હોતી નથી અને તેથી તેના દ્વારા નોટિસનો કોઈ પ્રત્યુતર ન આપવામાં આવે તો તેની વિરુદ્ધ ગેરહાજરીના કારણે એક તરફી આદેશ પસાર કરવામાં આવે છે. માન, મદ્રાસ હાઈકોર્ટે ટી. અશોકકુમાર કોન્ટ્રાક્ટર વિ. ધ ડેપ્યુટી સ્ટેટ ટેક્સ ઓફ્સિર W.P. (MD) No.2697 ઓફ્ 2026 ના કેસમાં તા. 2.2.2026 ના ચુકાદાથી ઠરાવ્યું છે કે કાયદા અનુસાર પોર્ટલ બજાવવામાં આવેલ નોટીસ યોગ્ય રીતે બજાવાયેલ ગણાતી હોવા છતાં જો તેવી રીતે બજાવાયેલ નોટિસ અંગે કોઈ પ્રત્યુત્તર મળે નહીં તો કરદાતાને સાંભળવાની વાજબી તક આપવા અન્ય માધ્યમ મારફ્તે નોટિસની બજવણી કરવી જરૂરી છે. GST કાયદાની કલમ 169ની નોટિસ કે આદેશ બજાવવાની પદ્ધતિ ઠરાવતી જોગવાઈ તેમજ આ ચુકાદાની માહિતી આજના લેખમાં આપી છે.
નોટિસ કે આદેશ બજાવવાની કાયદાકીય પદ્ધતિઓ
સામાન્ય રીતે અધિકારી દ્વારા GST કાયદા હેઠળની કોઈ પણ સત્તાવાર સંચાર પોર્ટલ મારફ્તે જ કરવામાં આવતો હોય છે. હકીકતમાં કાયદાની કલમ 169માં કોઈ પણ નોટિસ કે આદેશની બજવણી કરવા માટે વિવિધ વૈકલ્પિક પદ્ધતિઓ ઠરાવવામાં આવેલ છે જે નીચે મુજબ છેઃ
(1) GST કાયદા કે નિયમ હેઠળનો કોઈ પણ નિર્ણય, આદેશ, સમન્સ, નોટિસ કે અન્ય સંદેશાવ્યવહાર નીચે પૈકીની કોઈ એક પદ્ધતિથી બજાવવાનો રહેશેઃ
(i) નીચે પૈકીની કોઈ પણ વ્યક્તિને સીધી રીતે કે કુરીયર સહિત મેસેન્જર દ્વારા આપીને કે પહોંચાડીને
(a) જેને ઉદેશેલ હોય તે વ્યક્તિને કે
(b) કરપાત્ર વ્યક્તિને કે
(c) એના મેનેજરને કે
(d) એના અધિકૃત પ્રતિનિધિને કે
(e) કરપાત્ર વ્યક્તિ વતી કાર્યવાહીમાં ઉપરિયત એવાની સત્તા ધરાવતા વકીલને કે વેરા સલાહકારને કે
(f) ધંધામાં નિયમિત નોકરીમાં નિયુક્ત વ્યક્તિને કે
(g) કરપાત્ર વ્યક્તિ સાથે રહેતા પુખ્ત ઉંમરના પરિવારના સભ્યને કે પછી
(ii) રજિસ્ટર્ડ પોસ્ટથી કે સ્પીડ પોસ્ટથી કે પહોંચની પાવતીવાળા કુરીયરથી જે વ્યક્તિને માટે તે હોય તેને અથવા તેના અધિકૃત પ્રતિનિધિ જો હોય તો તેને તેના છેલ્લા જાણીતા ધંધા કે રહેઠાણના સ્થળ પર મોકલીને કે
(iii) નોંધણી નંબર લેતી વખતે આપેલા અથવા સમયાંતરે સુધારેલ ઈ-મેલના સરનામા પર સંદેશાવ્યવહાર મોકલીને કે
(iv)કોમન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવીને કે
(v) કરપાત્ર વ્યક્તિ અથવા તો જે વ્યક્તિને તે બજાવવાનું હોય તે જ વિસ્તારમાં છેલ્લી જાણકારી પ્રમાણે રહેતી હોય, ધંધો કરતી હોય કે નફ માટે કામ કરતી હોય તે વિસ્તારમાં પ્રસિદ્ધ થતા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરીને અથવા
(vi) જો ઉપર મુજબની કોઈ પણ પદ્ધતિ વ્યવહારુ ન હોય તો તે વ્યક્તિના છેલ્લા જાણીતા ધંધાના સ્થળ કે રહેઠાણની કોઈ દેખાય તેવી જગ્યાએ ચોંટાડીને અને જો આ રીતે પણ કોઈ કારણસર શક્ય ન હોય તો સંબંધિત અધિકારી કે સત્તાધિકારી કે જેઓએ નિર્ણય કે આદેશ પસાર કર્યો હોય કે સમન્સ કે નોટિસ જારી કરી હોય તેમની કચેરીના નોટિસ બોર્ડ પર ચોટાડીને
(2) જે દિવસે નિર્ણય, આદેશ, સમન્સ, નોટિસ કે અન્ય કોઈ સંદેશાવ્યવહાર આપવામાં આવે કે પ્રકાશિત કરવામાં આવે કે તેની નકલ ચોંટાડવામાં આવે તે દિવસે તે બજી ગયેલ છે તેમ માની લેવામાં આવશે.
(3) જ્યારે કોઈ નિર્ણય, આદેશ, સમન્સ, નોટિસ કે અન્ય કોઈ સંદેશાવ્યવહાર રજિસ્ટડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવેલ હોય ત્યારે વિરુદ્ધમાં કોઈ પુરાવા આપવામાં આવે તે સિવાય એમ માની લેવામાં આવશે કે તે મોકલવા માટે સામાન્ય રીતે જે સમય જતો હોય તે પુરો થયેથી તે બજી ગયેલ હતો.
કાયદાના વ્યવહારિક અમલમાં અનુભવાતી મુશ્કેલી
કાયદાની કલમ 75(4) મુજબ વેરા કે દંડને પાત્ર વ્યક્તિને તેના દ્વારા માંગણી કરવામાં આવે કે તેની વિરુદ્ધમાં કોઈ આદેશ પસાર કરવા ધાર્યો હોય તો સાંભળવાની તક આપવી ફરજીયાત છે. કલમ 75(5) અને તેની નીચેના પરંતુક મુજબ જો વાજબી કારણો હોય તો કોઈ પણ આદેશ કરતા પહેલા વધુમાં વધુ ત્રણ મુદતો અધિકારીએ આપવી પડે. કાયદાના વ્યવહારિક અમલમાં જણાયું છે કે કાયદાની આ જોગવાઇઓનું પાલન કરવા અધિકારી દ્વારા કરદાતાને ત્રણ નોટિસો પોર્ટલ પર બજાવવામાં આવે છે અને જો તેવી નોટિસનો કરદાતા દ્વારા પ્રત્યુતર ન આપવામાં આવે તો તેની વિરુદ્ધ એક તરફી આદેશ પસાર કરવામાં આવે છે. અધિકારી દ્વારા અપનાવાતી આવી કાર્યપદ્ધતિ કાયદા અનુસારની હોવા છતાં તે નોટિસની અસરકારક બજવણી ન ગણી શકાય અને કાયદાની ખાલી ઔપચારિક્તા પુરી કરવા બરાબર ગણાય તેવું માન. મદ્રાસ હાઇકોર્ટે ઠરાવ્યું છે. આ ચુકાદાનું પાલન કરવામાં આવે તો ટાળી શકાય તેવા વિવાદીનું નિરાકરણ આવી શકે તેમ છે અને તેથી તેનુ પાલન કરવા સૂચના આપવામાં આવે તે સૌના હિતમાં છે.
મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો
ટી. અશોકકુમાર કોન્ટ્રાક્ટર (ઉપર મુજબ)ના કેસની હકીકત એવી હતી કે પિટિશનરને તમામ નોટિસો પોર્ટલ પર બજાવવામાં આવેલ જેની તેને જાણ ન હોવાથી તે નોટિસનો તેના દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવેલ ન હતો અને તેથી વ્યક્તિગત સુનાવણીની તક આપ્યા વગર પિટિશનર વિરુદ્ધ આદેશ પસાર કરવામાં આવેલ હતો. આદેશથી નારાજ પિટિશનર દ્વારા માન. મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ રિટ કરી રજૂઆત કરવામાં આવી કે તેની વિરુદ્ધ પસાર કરવામાં આવેલ આદેશ રદ કરીને તેને સાંભળીને આદેશ કરવાની સૂચના આપવામાં આવે. સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે તમામ નોટિસો પોર્ટલ પર બજાવવામાં આવેલ પરંતુ પિટિશનરે તેને આપવામાં આવેલ તકનો લાભ લીધો ન હતો. કોર્ટને કેસની હકીકતો જોતા જણાયું કે આ કેસમાં વ્યક્તિગત સુનાવણીની તક આપ્યા વગર આદેશ પસાર કરવામાં આવ્યો હતો. કોર્ટે એ બાબતનો સ્વીકાર કર્યો કે પોર્ટલ પર બજાવવામાં આવેલ નોટિસ કાયદેસર રીતે પુરતી બજવણી ગણાય. આમ છતા કોર્ટના મતે અધિકારી દ્વારા વારંવાર સ્મૃતિ પત્રો (reminders) આપવામાં આવ્યા છતાં કરદાતા દ્વારા તેનો પ્રત્યુત્તર આપવામાં આવે નહીં તો કલમ 169 અનુસાર નોટિસની બજવણીની જે વૈકલ્પિક પદ્ધતિઓ છે તે પૈકી અન્ય માધ્યમ દ્વારા નોટિસની બજવણી કરવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો તેને નોટિસની અસરકારક બજવણી ગણી શકાય નહીં અને તે ફ્ક્ત ઔપચારિકતા પરિપૂર્ણ કરવા બરાબર ગણાય. ઔપચારિક્તા પૂર્ણ કરીને એકતરફી આદેશ પસાર કરવામાં આવે તેનાથી કશો જ ઉપયોગી હેતુ સિદ્ધ થતો નથી અને તેનાથી ફ્ક્ત વધુ વિવાદો માટે માર્ગ મોકળો થશે અને અપીલ ઓથોરિટી, પંચ અને કોર્ટોના કિંમતી સમય વેડફશે. કોર્ટે સ્પષ્ટ સૂચના આપેલ છે કે જ્યારે કોઈ એક પદ્ધતિથી અપાયેલ નોટિસ માટે કરદાતા દ્વારા જવાબ આપવામાં ન આવે ત્યારે કલમ 169 માં ઠરાવવામાં આવેલ અન્ય માધ્યમો ખાસ કરીને ઇઁછડ્ઢથી નોટિસ બજાવવી જોઈએ જેથી GSTનો હેતુ સિદ્ધ થઈ શકશે. કોર્ટના મતેઆ કેસમાં પિટિશનરને સુનાવણીની યોગ્ય તક અપાયેલ નથી અને તેથી પસાર કરવામાં આવેલ આદેશ રદ કરીને પિટિશનરને ત્રણ અઠવાડિયામાં તેનો જવાબ આપવા અને અધિકારીને ત્યાર બાદ ચોખ્ખા 14 દિવસનો સમય આપે તે રીતે સુનાવણીની નોટિસ બજાવી કાયદા અનુસારની આદેશ કરવા હુકમ કરેલ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો