ભારતમાંથી માલનું વેચાણ કરવાના વ્યવહાર 'સપ્લાય' ગણાય, પરંતુ માલની ડિલિવરી બારોબાર એક દેશમાંથી બીજાં દેશમાં થાય, તો આવા વ્યવહાર પર કર લાગે નહીં.

ભારત સ્થિત વ્યાપારીના આવા સપ્લાય બાબતે શિડયૂલ 3માં ઉપરોક્ત સ્પષ્ટતા થઈ એ પહેલાં કેરાલા અને મહારાષ્ટ્ર રાજ્યોની એડવાન્સ રૂલિંગ ઑથોરિટી સમક્ષ આઉટ એન્ડ આઉટ વ્યવહારો અને ટેક્સની જવાબદારી બાબતે અરજીઓ કરવામાં આવેલી અને બંને રાજ્યોની એ.એ.આર. દ્વારા ચુકાદા આપવામાં આવેલા કે આવા વ્યવહારો કરપાત્ર નથી, ભારતીય વ્યાપારીનું આ પ્રકારના વ્યવહારોને ફાયદો દેશમાં થાય તો પણ.

આઉટ એન્ડ આઉટ' એટલે શું ?

આ પ્રકારના ધંધાના વ્યવહારમાં ભારતમાં સ્થાયી વ્યક્તિ માલની ખરીદી કોઈ એક દેશમાંથી કરી માલને બારોબાર બીજાં દેશમાં ગ્રાહકને વેચે છે અને આ રીતે ભારતમાં લાવ્યા વગર માલનો સપ્લાય એક દેશમાંથી બીજા દેશમાં કરવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદમાં ધંધાનું સ્થળ ધરાવતી વ્યક્તિ કે પેઢી (મેસર્સ એ.બી.સી. કંપની) પાસે ફિલિપાઇન્સમાં સ્થાયી ગ્રાહક પાસેથી કોઈ એક માલના સપ્લાયનો ઓર્ડર આવે છે, એ.બી.સી. કંપની આ માલનાં ઉત્પાદકને ફ્રાન્સમાં શોધી ફ્રાન્સના ઉત્પાદક પર ઓર્ડર મૂકે છે અને સૂચના આપે છે કે માલના ઉત્પાદન થયા પછી તે માલને ફ્રાન્સથી બારોબાર ફિલિપાઇન્સ મોકલી આપી ફિલિપાઇન્સના ગ્રાહક સ્થળે ડિલિવરી કરવી, ફ્રાન્સનો ઉત્પાદક પોતાનું બિલ મે. એ.બી.સી. કંપનીને મોકલશે અને તેની ચુકવણી અમદાવાદની એ.બી.સી. કંપની કરશે અને ફિલિપાઇન્સના પોતાના ગ્રાહકને એ.બી.સી. કંપની પોતાનું બિલ મોકલશે અને આ બિલના નાણાં ફિલિપાઇન્સનો ગ્રાહક એ.બી.સી. કંપનીને ચૂકવશે. આ વ્યવહારમાં માલનો સપ્લાય ફ્રાન્સથી બારોબાર ફિલિપાઇન્સ થાય છે પણ ફ્રાન્સના ઉત્પાદકે માલનો સપ્લાય અમદાવાદની એ.બી.સી. કંપનીને કર્યો ગણાય અને એ.બી.સી. કંપની એ માલનો સપ્લાય ફિલિપાઇન્સના પોતાના ગ્રાહકને કર્યો ગણાય. માલનો પ્રવેશ ભારત દેશની સરહદમાં થતો ન હોવાથી તેને 'આઉટ એન્ડ આઉટ' transaction કહેવામાં આવે છે. આવા વ્યવહારો પર એ.બી.સી. કંપનીએ આઇ.જી.એસ.ટી. ભરવાનો થાય કે આ વ્યવહારને જી.એસ.ટી.ના ક્ષેત્રમાંથી બહાર ગણવામાં આવશે એ પ્રશ્ન બાબતે શિડયૂલ 3માં તા.1 ફેબ્રુઆરી, 2019થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે એક નોન-ટેક્સેબલ ટેરિટરીમાંથી અન્ય નોન-ટેક્સેબલ ટેરિટરીમાં આવેલ સ્થળે માલ મોકલવામાં આવે અને આ માલ ભારતમાં પ્રવેશ થયા વગર બારોબાર મોકલવામાં આવે તો આ વ્યવહારને 'સપ્લાય ઓફ ગુડ્સ' ગણવામાં નહીં આવે, અને પરિણામે આવા વ્યવહાર ઉપર ટેક્સ નહીં લાગે. આવા સપ્લાય બાબતે comtradictory ચુકાદાઓને કારણે શિડયૂલ 3માં પ્રોવિઝન કરવું પડયું કે આવાં વ્યવહારો પર કર નહીં લાગે, અને આ પ્રોવિઝનની સ્પષ્ટતા તા.1-7-2017થી લાગુ કરવાનું પ્રોવિઝનની સ્પષ્ટતા તા. 1-7-2017થી લાગુ કરવાનું પ્રોવિઝન કરાયું.

સિન્થાઇટ ઇન્ડ લિ.નો ચુકાદો

એ.એ. આર. (ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ), કેરાલા રાજ્ય દ્વારા તા. 26-3-2018ના ચુકાદામાં એ પ્રશ્નના છણાવટ કરવામાં આવેલ છે કે 'યુ.એસ.એ સ્થિત કંપનીને વેચાણ કરતી વખતે ચીનથી બારોબાર યુ.એસ.એ. માલ મોકલવામાં આવે અને આ માલનો ભારતમાં પ્રવેશ થતો ન હોય, તો જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઊભી થશે? કેરાલા એ.એ.આર. દ્વારા આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ 5 (જે ચાર્જિંગ સેક્સન છે), કસ્ટમ એક્ટની તથા આઇ.જી.એસ.ટી. એક્ટ હેઠળની 'આયાત'(import)ની વ્યાખ્યા વગેરે જોગવાઈઓને ધ્યાનમાં લઈને ઠરાવવામાં આવ્યું છે કે ચીનથી પ્રાપ્ત કરેલ અને બારોબાર યુ.એસ.એ. મોકલેલા માલના વ્યવહાર પર આઇ.જી.એસ.ટી. નહીં લાગે, કારણ કે આ માલની ભારતમાં આયાત થતી નથી. આ ચુકાદો સી.જી.એસ.ટી. એક્ટના શિડયૂલ 3માં તા.1 ફેબ્રુઆરી, 2019ના રોજ થયેલી સ્પષ્ટતા અગાઉ આપવામાં આવેલ છે.

એન્મારોલ પેટ્રોલિયમ ઇન્ડિયા પ્રા.લિ.નો ચુકાદો

મહારાષ્ટ્ર રાજ્યની એ.એ.આર. દ્વારા પણ ચુકાદો આપવામાં આવ્યો છે, જે 2019(20) જી.એસ.ટી.એલ.552 પર રજૂ થયેલ છે. 'આઉટ એન્ડ આઉટ' વ્યવહાર પરના ટેક્સની જવાબદારીના પ્રશ્નનો ચુકાદો આપવા આ ઑથોરિટી દ્વારા 'આયાત', 'નિકાસ','આંતર-રાજ્ય સપ્લાય' વગેરે વ્યાખ્યાઓને ધ્યાનમાં લઈ ઠરાવવામાં આવ્યું છે તે આઉટ એન્ડ આઉટ સપ્લાય એ 'નોન-ટેક્સેબલ સપ્લાય' ગણાય, અને આવા વ્યવહારોને સી.જી.એસ.ટી. એક્ટ તથા આઇ.જી.એસ.ટી. એક્ટ બંને હેઠળ એવો વ્યવહાર ગણાશે કે જે કરપાત્ર (taxable) નથી. આ ચુકાદો પણ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લઈ આપવામાં આવેલ છે.

શિડયૂલ 3ની એન્ટ્રી નં.7:

આ બાબતે શિડયૂલ 3માં એન્ટ્રી નં.7 ઉમેરવાનું સરકારનું પગલું ex abundanti cautela એેટલે કે સાચી પરિસ્થિતિ સમજાવવાનું અને explanation હોવાનું છે તે પણ એપેલેટ ઓેથોરિટી સમજી શકી નથી. આ ચુકાદાને ના.ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સી.એ. નં. 10650/2022 દાખલ કરીને પડકારવામાં આવેલ. આઉટ એન્ડ આઉટ વ્યવહારની કરપાત્રતા બાબતે સાચો ચુકાદો ના. કોર્ટ દ્વારા આપવામાં આવે તે પહેલા ગુજરાતના વ્યાપારીઓની મુશ્કેલીનો અંત આવે તેવું પગલું પાર્લામેન્ટ દ્વારા લેવામાં આવેલ છે.

ફાઇનાન્સ એક્ટ 2023થી સુધારો

શિડયૂલ 3ની એન્ટ્રી નં.7ને ફાઇનાન્સ એક્ટ, 2023ની અસરથી તા.1-7-2017થી એટલે કે જી.એસ.ટી.નો કાયદો જે દિવસે અમલી બન્યો ત્યારથી અસર આપવામાં આવેલ છે. પાર્લામેન્ટના આ આવકારદાયક પગલાંથી હવે 'આઉટ એન્ડ આઉટ' વ્યવહારો પરની કરની જવાબદારી રહેતી નથી એ પરિસ્થિતિ ઉદ્ભવતાં વ્યાપારીઓ દ્વારા રાહતનો શ્વાસ લેવાની પરિસ્થિતિ સર્જાય છે.