માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ના. 15-8-2025 ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે સરકાર GSTમાં આમૂલ ફેરફાર કરવા જઈ રહી છે.
12% તેમજ 28% ના વેરાનો દર નાબૂદ કરીને તેમાં પડતી ચીજો પર 5% કે 18% ના દરે વેરો લાદવામાં આવશે. આ અંગેની GST કાઉન્સિલની તા. 5-9-2025ની મિટિંગમાં નવા દરનું માળખું નક્કી થયું. છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડીને નવા દરોને તા. 22-9-2025થી અમલમાં લાવવામાં આવશે. GSTમાં વેરો માલ કે સેવા કે બન્નેના સપ્લાય પર લાગે છે. આથી જ્યારે સપ્લાય થયેલ ગણાય ત્યારે જે વેરાનો દર અમલમાં હોય તે વેરાનો દર તે સપ્લાયના વ્યવહાર પર લાગુ પડે. GST કાયદાની કલમ 15માં જ્યારે વેરાના દરમાં ફેરફાર થાય ત્યારે ક્યારે સપ્લાય થયો ગણાય તેની જોગવાઈ કરવામાં આવેલ છે. વેરાના દરોમાં તા.22-9-2025થી આમૂલ ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે આ સુધારા પહેલા કે પછી થયેલ સપ્લાયને લાગુ પડતા વેરાના દર અંગેની ધ્યાનમાં રાખવા જેવી કલમ 15ની જોગવાઈઓની માહિતી આજના લેખમાં આપી છે.
વેરાના દરમાં ફેરફાર થાય તે પહેલાનો સપ્લાય
જ્યારે માલ કે સેવા કે બન્નેના વેરાના દરમાં તા.22-9-2025થી ફેરફાર અમલમાં આવે તે પહેલા સપ્લાય થયેલ હોય ત્યારે માલ કે સેવા કે બન્નેનો સપ્લાય થયાનો સમય નીચે મુજબ નક્કી કરવાનો રહેશે :
1. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પહેલા થયેલ હોય પરંતુ તે માટેનું બિલ તા.22-9-2025 બાદ આપવામાં આવેલ હોય અને તેનું ચુકવણું પણ તા. 22-9-2025 બાદ મળેલ હોય તો તેવા સંજોગોમાં બિલ આપ્યાની તારીખ કે ચુકવણું મળવાની તારીખ બે માંથી જે વહેલું હોય ત્યારે સપ્લાય થયેલ ગણાશે. આમ વેરાના દરમાં ફેરફાર થયા પહેલા સપ્લાય થયેલ હોવા છતાં જો તા. 22-9-2025 પછી બિલ આપવામાં આવ્યુ હોય અને તે બિલ પેટેનું ચુકવણું પણ તે બાદ જ મળેલ હોય તો તેવા વ્યવહારને તા. 22-9-2025થી સુધારેલ વેરાનો દર લાગુ પડશે.
2. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પહેલાં થયેલ હોય અને તા.22-9-2025 પહેલા બિલ પણ અપાયું હોય પરંતુ બિલનું ચુકવણું તા.22-9-2025 પછી મળેલ હોય તો તેવા કેસમા જ્યારે બિલ આપવામાં આવ્યું હોય ત્યારે સપ્લાય થયેલ ગણાશે અને આમ આવા કેસમાં સપ્લાય તા.22-9-2025 પહેલા થયેલ હતો તેમ માનવામાં આવશે. આમ જો સપ્લાય તા.22-9-2025 પહેલાં થયેલ હોય અને તેનું બિલ પણ તા.22-9-2025 પહેલા આપી દેવામાં આવ્યું હોય તો તેવા સપ્લાય અંગેનું ચુકવણું ભલે તા.22-9-2025 બાદ મળેલ હોય છતાં તેવા વ્યવહારમાં તા.22-9-2025 પહેલાનો જૂનો વેરાનો દર લાગુ પડશે.
3. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પહેલા થયેલ હોય અને તેવા સપ્લાયનું ચુકવણુંુ તા.22-9-2025 પહેલા મળેલ હોય પરંતુ સપ્લાયનું બિલ તા.22-9-2025 પછી આપેલ હોય તો તેવા કેસમાં જ્યારે ચુકવણું મળેલ હોય ત્યારે સપ્લાય થયેલ ગણાશે અને આમ તેવો સપ્લાય તા. 22-9-2025 પહેલા થયેલ હતો તેમ માનવામાં આવશે. આમ જો સપ્લાય તા.22-9-2025 પહેલા થયેલ હોય અને તેનું ચુકવણું પણ તા.22-9-2025 પહેલા મળી ગયેલ હોય તો તેવા સપ્લાય અંગેેનું બિલ ભલે તા.22-9-2025 પછી આપવામાં આવેલ હોય છતાં તેવા વ્યવહારમાં તા.22-9-2025 પહેલાનો જૂનો વેરાનો દર લાગુ પડશે.
સુધારા પહેલાના સપ્લાયનું બિલ કે ચુકવણું સુધારા પહેલા થયેલ હોય તો સુધારા પહેલાનો દર લાગુ પડે ઉપરોક્ત જોગવાઈઓથી એ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યારે તા.22-9-2025 પહેલાં માલ કે સેવા કે બન્નેનો સપ્લાય થયેલ હોય અને કાં તો બિલ અથવા તો તેનું ચુકવણું તા.22-9-2025 પહેલા અપાયેલ હોય કે મળેલ હોય તો તેવા વ્યવહારને તા.22-9-2025 પહેલાનો જૂનો વેરાનો દર લાગુ પડે. જો સપ્લાય તા.22-9-2025 પહેલા થયેલ હોય પરંતુ બિલ અને તેનું ચુકવણું બન્ને તા.22-9-2025 બાદ અપાયું હોય અને મળ્યું હોય તો તેવા વ્યવહારને તા.22-9-2025થી સુધારેલ નવો વેરાનો દર લાગુ પડશે.
વેરાના દરમાં ફેરફાર થાય તે પછીનો સપ્લાય
જ્યારે માલ કે સેવા કે બન્નેના વેરાના દરમાં તા.22-9-2025થી ફેરફાર અમલમાં આવે તે પછી સપ્લાય થયેલ હોય ત્યારે માલ કે સેવા કે બન્નેનો સપ્લાય થયાનો સમય નીચે મુજબ નક્કી કરવાનો રહેશે :
1. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પછી થયેલ હોય અને તેવા સપ્લાયનું ચુકવણું તા.22-9-2025 પછી મળેલ હોય પરંતુ તેવા સપ્લાયનું બિલ તા.22-9-2025 પહેલા અપાયેલ હોય તો તેવા કેસમાં જ્યારે ચુકવણું મળેલ હોય ત્યારે સપ્લાય થયેલ હતો તેમ ગણાશે. આમ જો તા.22-9-2025 પછી સપ્લાય થયેલ હોય અને તેનું ચુકવણું પણ તા.22-9-2025 પછી મળેલ હોય તો તેવા સપ્લાય અંગેનું બિલ ભલે તા.22-9-2025 પહેલા આપવામાં આવેલ હોય છતાં તેવા વ્યવહારમાં સુધારા તા.22-9-2025થી સુધારેલ નવો વેરાનો દર લાગુ પડશે.
2. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પછી કરવામાં આવેલ હોય પરંતુ તે સપ્લાયનું બિલ તા.22-9-2025 પહેલા આપવામાં આવેલ હોય અને તેનું ચુકવણું પણ તા.22-9-2025 પહેલા મળેલ હોય તો તેવા સંજોગોમાં બિલ આપ્યાની તારીખ કે ચુકવણું મળવાની તારીખ એ બે માંથી જે વહેેલું હોય ત્યારે સપ્લાય થયેલ ગણાશે. આમ વેરાના દરમાં ફેરફાર થયા પછી સપ્લાય થયેલ હોવા છતાં જો તા.22-9-2025 પહેલા બિલ આપવામાં આવ્યું હોય અને તે બિલ પેટેનું ચુકવણું પણ તે પહેલા જ મળેલ હોય તો તેવા વ્યવહારને તા.22-9-2025 પહેલાનો જૂનો વેરાનો દર લાગુ પડશે.
3. જો માલ કે સેવા કે બન્નેનો સપ્લાય તા.22-9-2025 પછી કરવામાં આવેલ હોય અને તેનું બિલ તા.22-9-2025 પછી અપાયું હોય પરંતુ તે બિલનું ચુકવણું તા.22-9-2025 પહેલા મળેલ હોય તો તેવા કેસમાં જ્યારે બિલ આપવામાં આવ્યું હોય ત્યારે સપ્લાય કરવામાં આવેલ હોય તેમ ગણવામાં આવશે. આમ જો સપ્લાય તા.22-9-2025 પછી થયેલ હોય અને તેનું બિલ પણ તા.22-9-2025 પછી આપવામાં આવ્યું હોય તો તેવા સપ્લાય અંગેનું ચુકવણું ભલે તા.22-9-2025 મળેલ હોય છતાં તેવા વ્યવહારમાં તા.22-9-2025 પછીનો નવો વેરાનો દર લાગુ પડશે.
સુધારા પછીના સપ્લાયનું બિલ કે ચુકવણું સુધારા પછી થયેલ હોય તો સુધારા પછીનો દર લાગુ પડે
ઉપરોક્ત જોગવાઈઓથી એ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યારે વેરાના દરમાં તા.22-9-2025 સુધારો કરવામાં આવે તે પછી સપ્લાય થયેલ હોય અને કાં તો બિલ અથવા તો તેનું ચુકવણું તા.22-9-2025 પછી અપાયેલ હોય કે મળેલ હોય તો તેવા વ્યવહારને તા.22-9-2025 પછીનો વેરાનો દર લાગુ પડે અને જો સપ્લાય તા.22-9-2025 પછી થયેલ હોય પરંતુ તે અંગેનું બિલ અને તેનું ચુકવણું તા.22-9-2025 પહેેલા અપાયુ હોય અને મળ્યું હોય તો તેવા વ્યવહારને તા.22-9-2025 પહેલાનો વેરાનો દર લાગુ પડશે.
સપ્લાયનું ચુકવણું ક્યારે મળેલ ગણાય?
કલમ 15ના અંતે આપવામાં આવેલ સ્પષ્ટીકરણ મુજબ જે તારીખે ચુકવણું મળ્યાની સપ્લાયરના ચોપડામાં નોંધ કરવામાં આવે અથવા જે તારીખે સપ્લાયરના બેંક ખાતામાં તે રકમ જમા થાય તે બે માંથી જે વહેલું હોય તે તારીખે સપ્લાયનું ચુકવણું મળ્યાનું ગણી લેવામાં આવશે. પરંતુ કલમ 15ની નીચે આપવામાં આવેલ પરંતુક મુજબ જો વેરાના દરમાં જે તારીખે સુધારો થાય તેના ચાર કામના દિવસો બાદ સપ્લાયની કિંમત સપ્લાયરના બેંક ખાતામાં જમા થયેલ હશે તો જે દિવસે બેંક ખાતામાં રકમ જમા થાય તે દિવસે સપ્લાયરને ચુકવણું મળ્યાની તારીખ ગણવામાં આવશે.
ઉપસંહાર
સામાન્ય રીતે જ્યારે માલ કે સેવા કે બન્નેનો સપ્લાય કરવામાં આવે ત્યારે બિલ બનાવવામાં આવતું હોય છે અને બિલ બન્યા બાદ તેનું ચુકવણું મળતું હોય છે. આવા વ્યવહારમાં જ્યારે સપ્લાય થાય ત્યારે લાગુ પડતો વેરાનો દર તેવા વ્યવહારને લાગુ પડે છે. આમ છતાં જ્યારે બિલ કે ચુકવણું સપ્લાય પહેલા કે પછી બન્યું હોય કે મળ્યું હોય ત્યારે વેરાના દરના સુધારાઓના સંદર્ભમાં GST કાયદાની કલમ 15ની ઉપરોક્ત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સૌએ પોતાની વેરાકીય જવાબદારી નિભાવવાની રહેશે.
