બજારની નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ઇન્ડેક્સ ઓપ્શનના કામકાજમાં જે ગાંડી તેજી જોવા મળી છે.

તેની પર તાજેતરમાં લેવામાં આવેલા પગલાંને કારણે નિયંત્રણ નહીં આવે તો નિયમનકાર ઓપ્શન ટ્રેડિંગના વિકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી માટેના શેડયુલમાં ફેરફાર કરી શકે છે એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી. વિકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી હાલમાં સાપ્તાહિક ધોરણે થાય છે તેને બદલે પખવાડિક ધોરણે કરવા માટે સેબી વિચારણા કરી રહી હોવાનું આ સૂત્રોએ ઉમેર્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઓપ્શન ટ્રેડિંગમાં પોઝિશન માટેની મર્યાદા અંગે અને ઇન્ડેક્સ ફ્યુચર્સ તથા ઓપ્શનમાં ઓપન ઇન્ટ્રેસ્ટની ગણતરી કરવાની પદ્ધતિમાં સેબીએ ચાલુ મહિનાથી જ અમલમાં આવે એવી રીતે કેટલાક ફેરફાર કર્યા છે. કોઇ પણ ખેલાડીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં જે કુલ એક્સપોઝર લીધું હોય તેને પોઝિશન લિમિટ કહે છે, જ્યારે બાય કે સેલ પોઝિશનમાં જે આઉટસ્ટેન્ડિંગ હોય તેને ઓપન ઇન્ટ્રેસ્ટ કહે છે. હવે જો આગામી કેટલાક સપ્તાહમાં આ પગલાંઓના કારણે વોલ્યુમમાં અર્થપૂર્ણ સાબિત થાય એટલો ઘટાડો નહીં આવે તો સેબી વધુ પગલાં લેવા આગળ વધી શકે છે. આવા સુચિત પગલાંઓમાં કોન્ટ્રાક્ટની એક્સપાયરી સાપ્તાહિકને બદલે પખવાડિક ધોરણે કરવા અથવા તો હાલમાં પ્રતિ સપ્તાહ બેન્ચમાર્ક ઇન્ડેક્સ માટે બે એક્સપાયરીની છુટ છે તેને બદલે પ્રતિ પખવાડિયે એક જ એક્સપાયરીની છુટ આપવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય સેબીના નિયમો મુજબ કન્સલ્ટેશન પેપર પ્રસિદ્ધ કરી અને તે પછી આ અંગે હિતધારકો જે સુચનો આપે તેના પર ચર્ચા વિચારણા કરીને તે પછી જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેબીએ પાછલા વર્ષે એફ એન્ડ ઓ સેગમેન્ટમાં રિટેલ ઇન્વેસ્ટર્સના કામકાજ સામે રહેલા જોખમનો ઘટાડવા પહેલી ઓક્ટબરથી કેટલાક નવા નિયમો તબક્કાવાર અમલી બનાવ્યા હતા અને તે પછી ચાલુ વર્ષે મે મહિનામાં પણ કેટલાક નવા નિયમો અમલી બનાવ્યા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ સેબીએ ત્રીજી જુલાઇએ યુએસ સ્થિત હેજ ફંડ જેન સ્ટ્રીટ સામે એફ એન્ડ ઓમાં ગેરરીતિપૂર્વક જંગી નફો મેળવવા બદલ જે ઓર્ડર કર્યો તે પછી આવા નવા પગલાં લેવા માટે સક્રિય વિચારણા થઇ રહી છે, પરંતુ તે માટે આગામી કેટલાક સપ્તાહોમાં વોલ્યુમ ઘટે છે કે નહીં તે જોવા માટે રાહ જોવામાં આવશે.

સેબીએ ઓક્ટોબર, 2024માં નિયમોમાં કેવા ફેરફાર કર્યા

 વિકલી અને મંથલિ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું રેશનલાઇઝેશન

 ઓપ્શનના એક્સપાયરીના દિવસે ટેઇલ રિસ્ક કવરેજમાં વધારો

 બાયર્સ પાસેથી ઓપ્શન પ્રિમિયમની આગોતરી વસુલાત

 એક્સપાયરીના દિવસે કેલેન્ડર સ્પ્રેડ ટ્રિટમેન્ટની જોગવાઇ દુર કરવામાં આવી

 પોઝિશન લિમિટનું ઇન્ટ્રા ડે મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું

સેબીએ મે મહિનામાં ક્યા નિયમોમાં ફેરફાર કર્યા

  • નોશનલ ઓઆઇને બદલે હવે ફ્યુરચ ઇક્વિવેલન્ટ ઓઆઇના આધારે ઓપન ઇન્ટ્રેસ્ટની ગણતરી થશે
  • માર્કેટવાઇડ પોઝિશન લિમિટ (એમડબ્લ્યુપીએલ)ને કેશ વોલ્યુમ અને ફ્રિ ફ્લોટ સાથે સાંકળી લેવામાં આવશે. એમડબ્લ્યુપીએલ એ વધુ સટ્ટો રોકવા તથા બજારની અખંડિતતા જાળવી રાખવા માટે દરેક સ્ટોક એક્સચેન્જ દ્રારા નક્કી કરાતી મેક્સિમમ ટ્રેડિંગ લિમિટ છે. હવે આ લિમિટ ઓછી કરાઇ છે, જે ફ્રિ ફ્લોટના 15 ટકા જેટલી અને તમામ એક્સચેન્જમા જે કુલ કેશ વોલ્યુમ હશે તેનાથી 65 ગણી રહેશે, આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ થશે
  • જો પોર્ટફોલિયોના જોખમમાં ઘટાડો થતો હશે તો બેન પિરિયડમાં હોય એવા સ્ટોકમાં પણ ટ્રેડિંગ કરવાની છુટ આપવામાં આવશે, આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે
  • ક્લિઅરિંગ કોર્પોરેશન્સ દ્રારા પ્રત્યેક સ્ટોકમાં પ્રત્યેક એક સેશન દરમિયાન ઓછામાં ઓછું ચાર વખત ગમે ત્યારે ફ્યુચર ઇક્વિવેલન્ટ ઓપન ઇન્ટ્રેસ્ટનું મોનિટરિંગ કરવામાં આવશે, જે ત્રીજી નવેમ્બરથી લાગુ પડશે
  • ઇન્ડેક્સ ઓપ્શન માટેની પોઝિશન લિમિટ અગાઉ સુચિત કરવામાં આવી હતી તેનાથી પણ વધારે રાખવામાં આવી છે. હવે ઓપ્શન્સ માટેની સેશનના અંતે નેટ લિમિટ રૂ. 1,500 કરોડ અને ગ્રોસ લિમિટ રૂ. 10,000 કરોડ રહેશે. પ્રત્યેક પેન નંબરના લેવલે આ લિમિટ લાગુ પડશે. આનું અમલીકરણ પહેલી જુલાઇ, 2025થી ગ્લાઇડ પથ મેથડથી કરવામાં આવશે, જે પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે
  • ઇન્ડેક્સ ફ્યુચર્સ માટે એફપીઆઇ, મ્યુચ્યુઅલ ફંડો, બ્રોકર્સ વગેરે જેવા રોકાણકારો માટેની લિમિટ ફ્યુચર્સ ઓપન ઇન્ટ્રેસ્ટના 15 ટકા અથવા રૂ. 500 કરોડ રહેશે. વ્યક્તિગત, ફેમિલિ ઓફિસ અને કોર્પોરેટ્સ સિવાયની એફપીઆઇ માટે આ લિમિટ 10 ટકા અથવા રૂ. 500 કરોડ રહેશે. આ લિમિટની ગણતરી ગ્રોસ નોશનલ બેસિઝ પર કરવામાં આવશે