બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ 9 લાખ સબસ્ક્રાઇબર ધરાવતા અને પુણે નજીકના કરજત ખાતે અવધુત સાઠે ટ્રેડિંગ એકેડમિ (એએસટીએ) ચલાવતા ફિનફ્લુઅન્સર અવધુત સાઠેના સ્થળો દરોડા પાડયા હતા. રજિસ્ટ્રેશન ન ધરાવતા હોય એવા ફિનફ્લુઅન્સર પર તવાઇ લાવવાની કવાયતના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યા મુજબ સમગ્ર મુંબઇમાં જ્યારે તીવ્ર વરસાદ હતો ત્યારે સેબીના અધિકારીઓએ 20 ઓગસ્ટના રોજ વહેલી સવારે આ સર્ચ અને સિઝર ઓપરેશન હાથ ધર્યું હતું અને આ રેડ દરમિયાન સંખ્યાબંધ ડિજિટલ ડિવાઇસ અને ટ્રેડિંગ ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન બે દિવસ સુધી ચાલ્યું હતું. અવધુત સાઠેના ટ્રેનિંગ સેશનમાં પેની સ્ટોક્સમાં ટ્રેડિંગ કરવાની સલાહ આપવામાં આવે છે એવી ફરિયાદો સેબીને મળી હતી, જેને પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા. અવધુત દ્રારા ટ્રેઇનિંગ આપવા માટેનો વર્ગ ચલાવવામાં આવતો હોય એવો દેખાવ કરવામાં આવતો હતો, પરંતુ હકીકતમાં ભાગ લેનારને ચોક્કસ શેરોમાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવતા હતા.
52 વર્ષની વય ધરાવતા અવધુત સાઠે ભારતના અગ્રણી ટ્રેડિંગ કોચ પૈકીના એક છે અને તેઓ ટેકનિકલ એનાલિસીસ અને થિયરીના આધારે ટ્રેડિંગ માટેની ટ્રેનિંગ આપવા માટે જાણીતા છે. તેઓ જાયન્ટ સ્ક્રિન પર ચાર્ટ દર્શાવવામાં આવતો હોય ત્યારે જ વચ્ચે અચાનક જ ડાન્સ શરૂ કરીને વર્ગના તાલીમાર્થીઓને ડાન્સમાં જોડાવા માટે આમંત્રણ આપવા માટે પણ જાણીતા છે. તેમણે અત્યાર સુધીમાં 18,000 જેટલા લોકોને તાલીમ આપી હોવાનું કહેવાય છે, જેમાંથી મોટા ભાગના મિડલ ક્લાસના નાગરિકો છે. પોતાની આકર્ષક પર્સાનિલીટી માટે જાણીતા સાઠે એન્જિનિયર છે. તેઓ આર્થિક બજારોને યુદ્ધનું મેદાન ગણાવે છે.
દાદરની ચાલમાં ઉછરેલા સાઠેએ આઇટી એન્જિનિયર બન્યા પછી હેક્સાવેર ટેકનોલોજીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકીર્દી શરૂ કરી હતી અને 2007માં આ જોબ છોડીને ટ્રેડર તરીકે શેરબજારમાં ઝંપલાવ્યું હતું. તેમણે ટ્રેડિંગ માટે તાલીમ આપતી એકેડમી 2008માં શરૂ કરી ત્યારે તેમાં માત્ર 8 તાલીમાર્થીઓ હતા. હાલમાં તેમની એકેડમી સૌથી મોટી ટ્રેડિંગ સ્કુલ ગણાય છે. તેઓ ટ્રેડિંગની તાલીમ માટે રૂ. 18,000ની ફી લે છે.