સતત ત્રણ સેશનમાં બેકિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પછી આજે આ શેરોમાં ફરી તેજી જોવા મળતાં ભારતીય શેરબજારના સુચકાંકો આજના વોલેટાઇલ સેશનના અંતે નજીવા વધારા સાથે બંધ રહ્યા હતા.

આઇટી અને ઓઇલ તથા ગેસ ક્ષેત્રના શેરોમાં પણ આજે તેજી જોવા મળી હતી જ્યારે મેટલ તથા ઓટો શેરોમાં વેચવાલીનું વલણ હતું. આજના સેશનમાં સતત ઉતારચઢાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સ વધ્યા મથાળેથી 400 પોઇન્ટ અને નિફ્ટી 135 પોઇન્ટ ઘટયો હતો. યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચીતા અને સેબી દ્રારા વૈશ્વિક ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ સામે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગેરરીતિ બદલ કોરડો વીંઝવામાં આવતા રોકાણકારોએ આજે સાવચેતી રહેવાનું પસંદ કરી મોટી પોઝિશન લેવાનું ટાળ્યું હતું.

પ્રારંભે 67 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 83,477ની હાઇ અને 83,015ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 462 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 193 પોઇન્ટ એટલે કે 0.23 ટકા વધીને 83,432ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 23 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 25,470ની હાઇ અને 25,331ની લો સપાટી બનાવી હતી અને કુલ 139 પોઇન્ટની વધઘટને અંતે 55 પોઇન્ટ એટલે કે 0.22 ટકા વધીને 25,461ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 106 પોઇન્ટ એટલે કે 0.23 ટકા વધીને 46,814ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 92 પોઇન્ટ એટલે કે 0.17 ટકા વધીને 54,830ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ જોકે 807 પોઇન્ટના કડાકા સાથે 0.78 ટકા ઘટીને 1,02,863ની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,189 શેર પૈકી 2,259 વધીને, 1,790 ઘટીને અને 140 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 461.23 લાખ કરોડ એટલે કે 5.40 ટ્રિલિયન ડોલર નોધાયું હતું, જે ગઇકાલના રૂ. 460.26 લાખ કરોડથી રૂ. 97,000 કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 શેરો પૈકી 20 અને નિફ્ટીના 50 શેરો પૈકી 31 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી બજાજ ફાઇનાન્સમાં 1.60 ટકાનો, ઇન્ફોસીસમાં 1.36 ટકાનો, એચયુએલમાં 1.19 ટકાનો અને આઇસીઆઇસીઆઇ બેંકમાં 1.15 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટ્રેન્ટ 11.93 ટકા, ટાટા સ્ટીલ 1.72 ટકા અને ટેક મહિન્દ્રા 1.07 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીના શેરો પૈકી ડો. રેડ્ડીઝ લેબ 1.45 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે આઇશર મોટર્સમાં 1.58 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.56 ટકા ઘટીને 12.32 થયો હતો. નિફ્ટી પરના 14 મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ પૈકી બે ઘટયા હતા જ્યારે બાકીના 12 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 1.05 ટકા, ફાર્મા 0.81 ટકા અને આઇટી 0.81 ટકા વધ્યા હતા, જ્યારે નિફ્ટી મેટલ 0.45 ટકા અને ઓટો 0.10 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

રેટિંગ ડાઉનગ્રેડ થતાં ટ્રેન્ટમાં 12 ટકાનું ગાબડું

સ્થાનિક બ્રોકરેજ ફર્મ નુવામાએ ટ્રેન્ટનું રેટિંગ ઘટાડીને હોલ્ડ કરતાં આજે આ શેર 11.93 ટકા ઘટીને બંધ રહ્યો હતો. કંપનીના ફેશનના મુખ્ય બિઝનેસ મંદી છે અને હાલમાં કંપનીના વૃદ્ધિદરની તુલનાએ શેરનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે એમ કહીને કંપનીએ આ શેરનું રેટિંગ ઘટાડયું હતું.

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.74 ટકા ઘટયો, મ્જીઈ મિડ કેપ ઈન્ડેક્સ 0.58 ટકા, સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.07 ટકા વધ્યો

શુક્રવારે પૂર્ણ થયેલા સપ્તાહમાં સેન્સેક્સ 626 પોઇન્ટ એટલે કે 0.74 ટકા અને નિફ્ટી 176 પોઇન્ટ એટલે કે 0.68 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જોકે લાર્જ કેપમાં મંદી વચ્ચે વીતેલા સપ્તાહમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરો તેજી સાથે બંધ રહેતા રોકાણકારોની સંપત્તિમાં આ સપ્તાહમાં રૂ. 1.14 લાખ કરોડનો નજીવો વધારો નોંધાયો હતો. આ સપ્તાહમાં બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 273 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 581 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો

જેન સ્ટ્રીટ સામે કાર્યવાહીની પગલે નુવામા અને બીએસઇના શેરમાં ગાબડું

સેબીએ જેન સ્ટ્રીટ સામે કાર્યવાહી કરતાં આ યુએસ ફર્મના ભારત ખાતેના ટ્રેડિંગ પાર્ટનર તરીકે કાર્યરત નુવામા વેલ્થ મેનેજમેન્ટના શેરમાં પણ ઇન્ટ્રા ડેમાં 10.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત કેપિટલ માર્કેટ ક્ષેત્રે કાર્યરત અન્ય શેરો જેવા કે બીએસઇમાં પણ 6.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એજંલ વન, સીડીએસએલ વગેરે શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી.

છ દિવસની મંદી પછી રિઆલ્ટી શેરોમાં તેજી, ઇન્ડેક્સ 0.91 ટકા વધ્યો

લાખો રેસિડેન્શિયલ યુનિટ વેચાયા વગર પડી રહ્યા છે એવા અહેવાલને પગલે રિઆલ્ટી શેરોમાં છેલ્લા છ સેશનથી જોવા મળેલી મંદીનો આજે અંત આવ્યો હતો અને રેમન્ડ રિઆલ્ટી, ડીએલએફ વગેરે જેવા શેરોમાં વેલ્યુ બાઇંગને પગલે સેશનના અંતે નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ 0.91 ટકા વધીને બંધ રહ્યો હતો. પાછલા છ સેનનમાં આ ઇન્ડેક્સમાં આશરે 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.