શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું, પરંતુ સપ્તાહના પ્રથમ ચાર સેશનમાં જોવા મળેલી તેજીને પગલે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 709 પોઇન્ટ એટલે કે 0.88 ટકા વધીને, જ્યારે નિફ્ટી 248 પોઇન્ટ એટલે કે 1 ટકા વધ્યો હતો.

સપ્તાહ દરમિયાન લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું અને સેન્સેક્સમાં 0.88 ટકા વધારાની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 2.02 ટકા એટલે કે 911 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.34 ટકા એટલે કે 1,214 પોઇન્ટ વધ્યો હતો. આ સપ્તાહમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.87 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. આ સાથે સતત બીજા સપ્તાહમાં સૂચકાંકો વધારા સાથે બંધ રહ્યા હતા.

સપ્તાહમાં વોલેટાલિટી ઇન્ડેક્સ 5.09 ટકા ઘટયો

વોલેટાલિટી ઇન્ડેક્સ શુક્રવારે તો 3.12 ટકા વધીને 11.73ની સપાટીએ બંધ રહ્યો હતો, પરંતુ સાપ્તાહિક ધોરણે જોઇએ તો તેમાં 5.09 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા સપ્તાહે ગુરુવારે આ ઇન્ડેક્સ 12.36ની સપાટીએ બંધ રહ્યો હતો, જે વીતેલા સપ્તાહના અંતે 11.73 સુધી ઘટયો છે.