અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે મોટો કડાકો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં 3,500 રૂપિયાનું મોટું ગાબડું પડયું હતું. જ્યારે સોનાના ભાવ 600 રૂપિયા તૂટયા હતા.


કિલો ચાંદીનો ભાવ જે બુધવારે 1,14,500 હતો તે ગુરૂવારે તૂટીને સીધો 1,11,000 રૂપિયા થઇ ગયો હતો. જ્યારે સોનાનો ભાવ 1,01,400 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 33 ડોલર ઘટીને 3,297 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 177 સેંન્ટ ઘટીને 36.30 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 374 રૂપિયા વધીને 98,441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર માસનો વાયદો 2,758 રૂપિયા ઘટીને 1,10,106 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

કોમેક્સ બજારમાં સોનું 9.20 ડોલર ઘટીને 3,362 રૂપિયા પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 1.19 સેંન્ટ ઘટીને 36.720 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વે વ્યાજ દરો જાળવ્યા હોવાથી સોનાની માંગ ઘટતા તેની કિંમત ઘટી હોવાનું માનય છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઇ, માર્કેટમાં નબળી માંગ સહિતના કારણો પણ વત્તા-ઓછા પ્રમાણમાં જવાબદાર મનાય છે. અમદાવાદમાં ચાંદીનો ભાવ છેલ્લા 20 દિવસના તળિયે બેસી ગયો છે. છેલ્લે ગત તા. 12 જુલાઇના રોજ કિલો ચાંદીનો ભાવ 1,10,000 હતો, તે પછી સોળે કલાએ ખીલેલી ચાંદી તા. 31 જુલાઇના દિવસે નરમ પડીને 1,11,000 રૂપિયે કિલોના ભાવે સરકી ગઇ હતી. અમદાવાદમાં ગત તા. 23 જુલાઇના રોજ ચાંદી તેની અત્યાર સુધીની સર્વોચ્ચ 1,17,500 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. આમ અઠવાડિયાના ગાળામાં જ અને મહિનાના છેલ્લા દિવસે ચાંદીમાં તેની સર્વોચ્ચ સપાટીથી 6,500 રૂપિયા તૂટી છે. જ્યારે મહિનાના છેલ્લા દિવસે સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 2,100 રૂપિયા તૂટયું છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા ખરીદદારોને મોટી તક મળી છે. રોકાણકારો પણ સસ્તા ભાવે ખરીદી કરી શકે તેવી સ્થિતિ હાલ સર્જાઇ હોવાનું જાણકારો માની રહ્યા છે.


  • Follow us on: