વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલએ 18 વર્ષ પછી સૌપ્રથમ વાર ભારતનું સોવરિન રેટિંગ બીબીબી-થી અપગ્રેડ કરીને બીબીબી કરતાં ભારતીય કંપનીઓ અને નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે વિદેશની લોન સસ્તી બનશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ રેટિંગ અપગ્રેડ કરાતા હવે દેશની ટોપ રેટેડ કંપનીઓને વિદેશમાંથી મેળવવામાં આવતી લોન પરના વ્યાજદરમાં આશરે 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો થશે. આ વૈશ્વિક એજંસીએ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા એટલે કે આઘાત સહન કરી તેને સમાવી લેવાની ક્ષમતા અને દેશની રાજકોષીય સ્થિતિમાં સતત સુધારાને ધ્યાનમાં રાખીને તથા સ્થાનિક અર્થતંત્રના સંદર્ભમાં વિકાસ સ્થાયી રહેવાની સંભાવનાને ગણતરીમાં લઇને રેટિંગમાં આ પ્રકારે વધારો કર્યો છે.
નિષ્ણાતો જણાવે છે કે હાલમાં કોઇ પણ ભારતીય કંપનીને એક્સ્ટર્નલ કોમર્સિયલ બોરોઇંગ્સ (ઇસીબી) દ્રારા વિદેશમાંથી લોન લેવી હોય અને તેનું ક્રેડિટ રેટિંગ સારું હોય તો તેને આ પ્રકારના ધિરાણ પેટે આશરે 7.75 ટકાના દરે વ્યાજ ચુકવવું પડે છે. હવે એસ એન્ડ પી ગ્લોબલે ભારતનું રેટિંગ વધાર્યું એટલે આ દરમાં 10થી 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાની શક્યતા છે. નિષ્ણાતો જણાવે છે કે હાલમાં ઇસીબી હેઠળ ભારતીય કંપનીઓને જે 7.75 ટકાનો દર ચુકવવો પડે છે, તે સ્થાનિક બેંકો અને એનબીએફસી પાસે લોન લેવી પડે તો તેની પર ચુકવવા પડતાં વ્યાજદરથી ઓછો છે. વધુમાં સારું રેટિંગ ધરાવતી નોન બેકિંગ ફાયનાન્સ કંપનીઓને તો ઇસીબી અંતર્ગત મેળવવામાં આવતી લોન પરના વ્યાજદરમાં 15થી 40 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25માં ભારતીય કંપનીઓ દ્રારા ઇસીબી અંતર્ગત મેળવવામાં આવેલી લોનનો આંકડો 61 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો અને આ કુલ લોનમાં એનબીએફસીનો હિસ્સો 43 ટકા હતો. આ અગાઉના પાંચ વર્ષમાં કુલ ઇસીબી ધિરાણમાં એનબીએફસીના હિસ્સો 20થી 37 ટકા હતો, જે પાછલા વર્ષે વધીને 43 ટકા થયો હતો. આમ એનબીએફસી માટે ઇસીબી ભંડોળ એકત્ર કરવાનો એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે અને તે ભંડોળના સ્રોતના વૈવિધ્યકરણમાં પણ એનબીએફસીને સહાયરૂપ થાય છે. ઇસીબી ભંડોળ પર વ્યાજદર ઓછો હોવાથી આ કંપનીઓને ધિરાણ પેટે થતો ખર્ચ ઘટે છે અને નફાનો ગાળો વધે છે. જોકે ઇસીબીના વ્યાજદરમાં થનારા ઘટાડાનો આ લાભ માત્ર દેશની ટોચનું ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપનીઓ પૂરતો સીમિત રહેશે એમ પણ નિષ્ણાતો ઉમેરે છે.