યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર આકરી ટેરિફ લાદવાનું જે અભિયાન છેડયુ છે તેને પગલે યુએસ સરકાર તેની આવક 2025માં વધીને 300 અબજ ડોલર થશે એવી આશા રાખે છે.
જોકે વધુ ટેરિફને પગલે આયાત મોંઘી થતા ચીજવસ્તુઓના ભાવ વધશે તેના કારણે યુએસના પરિવારોના ખર્ચમાં વધારાનો જે બોજો પડશે તે સરકારની આવકમાં થનારા વધારાથી પણ વધુ હશે એવો અંદાજ એક શૈક્ષણિક સંસ્થાના રિસર્ચ સેન્ટરે મુક્યો છે.
આ રિસર્ચ સેન્ટરે જણાવ્યું છે કે નવમી જુલાઇ, 2025 સુધીમાં યુએસ દ્રારા વિવિધ દેશો પર જે ટેરિફ લાદવામાં આવી છે તે વર્ષના અંત સુધી યથાવત રહે તો તેના કારણે ટુંકા ગાળાની દ્રષ્ટિએ વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 1.8 ટકાનો વધારો થવાની સંભાવના છે. આના કારણે યુએસના પ્રત્યેક પરિવારને વર્ષે 2,367 ડોલરનો વધારાનો ખર્ચ થવાનો અંદાજ છે. યુએસમાં રહેતા પરિવારની સંખ્યા 127 મિલિયન હોવાનો અંદાજ છે. આના આધારે ગણતરી કરીએ તો ખર્ચમાં થનારા વધારાનો આંકડો આશરે 302 અબજ ડોલર થાય છે.
આ રિસર્ચ સેન્ટરે આ જે અંદાજ મુક્યો છે તેમાં એવી પૂર્વધારણા મુકવામાં આવી છે કે ટેરિફમાં સરકાર દ્રારા કરવામાં આવેલા વધારા અંગે યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા કોઇ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે. ટેરિફના કારણે યુએસનો જીડીપી વૃદ્ધિદર 2025માં 70 બેસિસ પોઇન્ટનો અને લાંબાં ગાળે 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાનો અંદાજ છે. જો જીડીપીમાં આટલો ઘટાડો થાય તો તેના કારણે 2024ના ભાવે ગણતરી કરતાં 2025માં જીડીપીમાં કુલ 110 અબજ ડોલરનો ઘટાડો થઇ શકે છે. વધુમાં ટેરિફમાં વધારાના કારણે 2025માં બેરોજગારીના દરમાં પણ 40 બેસિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે.
રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ નવી ટેરિફને કારણે 2026-2015ના સમયગાળામાં યુએસ સરકારની આવકમાં 2.2 ટ્રિલિયન ડોલરનો વધારો થવાનો અંદાજ છે, જે કોંગ્રેસની બજેટ ઓફિસ દ્રારા મુકવામાં આવેલા 2.8 ટ્રિલિયન ડોલરના અંદાજ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે યુએસના ટ્રેઝરિ સેક્રેટરી સ્કોટ બેસેન્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે 2025માં અત્યાર સુધીમાં યુએસને ટેરિફ પેટે કુલ 100 અબજ ડોલરની આવક થઇ છે અને 2025ના વર્ષના અંત સુધીમાં આ આંકડો વધીને 300 અબજ ડોલર થવાનો અંદાજ છે.